સોમવારે (17 જૂન) મુસ્લિમ સમાજે બકરીદ તહેવારની ઉજવણી કરી હતી. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં બકરીદ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. કારણ કે, ભૂતકાળમાં બકરીદ પર હિંસા, પ્રતિબંધિત પશુઓની કુર્બાની અને રસ્તાઓ પર નમાજ જેવી ઘણી ઘટનાઓ બનવા પામતી હતી. પરંતુ યોગી આદિત્યનાથની કડક ચેતવણી બાદ એકદમ શાંતિમય રીતે બકરીદનો તહેવાર પૂર્ણ થયો છે. બકરીદ પર આ વખતે ન તો રસ્તાઓ પર નમાજ પઢવામાં આવી અને ન તો પ્રતિબંધિત પશુઓની કુર્બાની અપાઈ. સાથે જ હિંસાની એક પણ ઘટના સામે આવી નથી.
17 જૂનના રોજ બકરીદ પર ઉત્તર પ્રદેશમાં CM યોગી આદિત્યનાથની કડક ચેતવણી અને આહ્વાન પર કોઈપણ જગ્યાએ વાહનવ્યવહાર ખોરવીને રસ્તાઓ પર નમાજ પઢવામાં આવી નથી. મુસ્લિમ મૌલાનાનોએ પણ મુખ્યમંત્રીના કડક આદેશનું પાલન કર્યું હતું અને તેમનું સમર્થન કર્યું હતું. પરિણામ સ્વરૂપે ઈદની નમાજ મસ્જિદ અને અન્ય પારંપરિક સ્થળોએ યોજવામાં આવી હતી. ઘણા વિસ્તારોમાં મસ્જિદ અને ઈદગાહમાં જગ્યા ન હોવાથી લોકોએ અલગ-અલગ શિફ્ટમાં નમાજ પઢી હતી. આ પહેલાંની ઈદ પર પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.
આ સાથે જ યુપીમાં સુરક્ષાને લઈને પણ વ્યવસ્થિત તૈયારી કરવામાં આવી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન દ્વારા મોનીટરીંગ કરવામાં આવ્યું હતું તો જમીન પર ભારે સુરક્ષાદળોના કાફલા ખડકી દેવામાં આવ્યા હતા. પોલીસ વિભાગે ઈદના એક દિવસ પહેલાં જ ફ્લેગમાર્ચ કાઢીને લોકોને સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું અને સરકારના નિયમોને પાળવા માટેની અપીલ કરી હતી. તેથી આખા રાજ્યમાં ક્યાંય પણ રસ્તાઓ પર નમાજ, હિંસા અને પ્રતિબંધિત પશુઓની કુર્બાની જેવી ઘટનાઓ જોવા મળી નહોતી.
નોંધનીય છે કે, પહેલાં રાજ્યના દરેક શહેરમાં લાખો લોકો રસ્તાઓ અને અન્ય સ્થળો પર નમાજ પઢવા માટે આવતા હતા, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આહ્વાનનું પરિણામ એ છે કે, રાજ્યના દરેક જિલ્લામાં મસ્જિદો/ઇદગાહોમાં શાંતિપૂર્ણ રીતે નમાજ પઢીને દેશભરમાં એક નવો સંદેશ આપવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, રવિવારે ગંગા દશેરા, સોમવારે ઈદ-ઉલ-અઝહા અને મંગળવારે જ્યેષ્ઠ મહિનાના શુભ અવસરને કારણે રાજ્ય પોલીસ વિભાગ પણ ખાસ કરીને એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું. આ જ કારણ હતું કે, ઘણા લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહેલા વિવાદનો ડર પણ પાયાવિહોણો સાબિત થયો હતો. રાજ્યના તમામ 75 જિલ્લામાંથી તહેવારની ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી હોવાના અહેવાલો છે.
યોગી આદિત્યનાથે આપી હતી કડક ચેતવણી
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે (13 જૂન) મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે અધિકારીઓને બકરીદના તહેવારની તૈયારીઓ કરવા સૂચના આપી હતી. તેમજ અધિકારીઓને જ્યાં નમાજ અદા કરવામાં આવે છે અને કુર્બાની આપવામાં આવે છે તે સ્થળોની કાળજી લેવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કોઈ નવી પરંપરા ન શરૂ થવી જોઈએ. જો કોઇપણ પ્રકારની અવ્યવસ્થા જણાશે તો અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બકરીદ પરની તૈયારીઓ અંગે ચર્ચા કરતા CM યોગીએ કહ્યું હતું કે, રસ્તાઓ પર નમાજ નહીં પઢવા દેવાય અને પ્રતિબંધિત પ્રાણીઓની કતલ કરવામાં આવશે તો કડક કાર્યવાહી પણ થશે.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, “16મી જૂને ગંગા દશેરા, 17મી જૂને બકરીદ, 18મી જૂને જ્યેષ્ઠ માસમાં મંગળ પર્વ અને 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જુલાઇ મહિનામાં મોહરમ અને કંવર યાત્રા જેવા પવિત્ર કાર્યક્રમો યોજાનાર છે. સ્વાભાવિક રીતે આ સમય કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. સરકાર અને પ્રશાસનને 24 કલાક એક્ટિવ મોડમાં રહેવાની જરૂર છે.” તેમની આ અપીલ અને કડક ચેતવણીના પરિણામે રાજ્યમાં શાંતિમય રીતે બકરીદ તહેવાર ઉજવાયો હતો.