ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) જૌનપુરની (Jaunpur) પાસે આવેલ એક ગામમાંથી એક વિશેષ ઘટના સામે આવી હતી. જે અનુસાર ગામમાં રહેલા મુસ્લિમ સમુદાયના લોકો તેમના પૂર્વજો હિંદુ હતા એ વાસ્તવિકતા સ્વીકારી રહ્યા છે તથા મુસ્લિમોએ પોતાની અટક પણ બદલાવીને હિંદુ સમુદાયમાં હોય એવી કરી દીધી છે. તેઓ તેમના નામની પાછળ તેમના પૂર્વજોની અટક (Muslim Man Hindu Surname) અને ગોત્ર ઉમેરી રહ્યા છે. આ મામલો ઉત્તર પ્રદેશમાં આવેલ ડેહરી (Dehri Village) ગામનો છે.
ડેહરી ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાથી લગભગ 35-40 કિમી દૂર આવેલ એક નાનકડું ગામ છે. આ ગામમાં લગભગ 7000 મુસ્લિમો અને 5000 હિંદુ સમુદાયના લોકો શાંતિ અને સોહાર્દપૂર્વક રહી રહ્યા છે. આ જ ગામમાં લગભગ 70 મુસ્લિમોએ તેમના નામની આગળ હિંદુ સમુદાયની બ્રાહ્મણ જાતિમાં આવતી અટક લગાવવાની શરૂઆત કરી છે.
ડેહરી ગામના મુસ્લિમો તેમના નામની પાછળ મિશ્રા, દુબે, શુક્લ, તિવારી, પાંડે જેવી તેમના પૂર્વજોની અટક લગાવી રહ્યા છે. આ જગ્યાના રહેવાસી 60 વર્ષીય નૌશાદ અહેમદે પોતાના ઘરના લગ્નની કંકોત્રી પર નૌશાદ અહેમદ દુબે એવું લખ્યું ત્યારે આ મામલો ઉજાગર થયો હતો. ત્યાર પછી વિવિધ મીડિયા ચેનલના સંવાદદાતાઓએ આ ગામમાં જઈને આવી અટક ધરાવતા અલગ-અલગ મુસ્લિમ વ્યક્તિઓ સાથે વાતચીત કરી હતી.
નૌશાદ અહેમદે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “તેમના પૂર્વજો હિંદુ હતા, તેથી હવે તેઓ તેમના નામ સાથે તેમના પૂર્વજોની અટક અને ગોત્ર લખી રહ્યા છે.” નૌશાદ અહેમદ દુબેએ જણાવ્યા અનુસાર લગભગ સાત પેઢી પહેલા તેમના પૂર્વજોમાંથી એક લાલ બહાદુર દુબે મુસ્લિમ બની ગયા હતા. તેમણે પોતાનું નામ લાલ મોહમ્મદ શેખ તરીકે લખવાનું શરૂ કર્યું હતું. નોંધનીય બાબત છે કે નૌશાદ દુબેએ ગાય પણ પાળેલી છે અને તેઓ ગૌસેવા પણ કરે છે.
नमाज पढ़ते हैं, हिंदू 'सरनेम' रखते हैं
— News18 India (@News18India) December 11, 2024
धर्म से मुसलमान, 'दुबे, शुक्ला' है नाम?#Jaunpur #UPNews #ViralNews HinduMuslim @SabeenaTamang pic.twitter.com/rmOli0YZU0
તેમણે જણાવ્યું હતું કે, “મારા પરિવારના વરિષ્ઠ સભ્યોને ‘પંડિતજી’ તરીકે સંબોધવામાં આવતા હતા, તેથી હું મારા વંશ અને વંશાવલી વિશે જાણવા માટે ઉત્સુક હતો, મારા દાદાએ મને કહ્યું કે આઠ પેઢી પહેલા, રાની કી સરાઈના અમારા પૂર્વજ લાલ બહાદુર દુબે આવ્યા હતા અને હજારી સિંઘ પાસેથી ‘જમીદારી’ ખરીદી હતી. જ્યારે તે અહીં આવ્યા ત્યારે તેઓ ઇસ્લામનો સ્વીકાર કરી ચૂક્યા હતા.”
ડેહરીના રહેવાસી ઈસરાર અહેમદ દુબે કહે છે કે તેઓ તમામ લોકોને તેમના વાસ્તવિક મૂળિયાં સાથે જોડાવા માટે અપીલ કરશે. ઈસરાર દુબેએ કહ્યું, “શેખ, પઠાણ, સૈયદ… આ બધા આપણા ટાઈટલ (અટક) નથી. વિદેશના શાસકોએ આ ટાઇટલ આપ્યા છે. તેથી પોતાના મૂળ ટાઈટલને શોધીને તેની સાથે જોડાવું જોઈએ. આનાથી આપણો દેશ મજબૂત થશે અને આપણે એકબીજા સાથે સુમેળપૂર્વક જીવી શકીશું.”
નૌશાદ દુબે આગળ કહે છે, “જ્યારે પ્રોફેટ સાહેબનું ખોટી રીતે લેવામાં આવે છે ત્યારે લોકો ‘સર તન સે જુદા’ની વાતો કરવા લાગે છે, પરંતુ એ જ મહોમ્મદ સાહેબને તેમના જ અનુયાયીઓ સામે અપશબ્દો કહેવામાં આવતા હતા, તેમનું અપમાન કરવામાં આવતું હતું છતાં તેઓ ગુસ્સે થતાં નહોતા. તે કહે છે કે, “હું મારી જાતને મુસ્લિમ બ્રાહ્મણ કહેવામાં આનંદ અનુભવું છું. મને નૌશાદ અહેમદ નહીં, પણ નૌશાદ દુબેથી સંબોધો.”