Saturday, June 21, 2025
More
    હોમપેજક્રાઈમઉચ્છલના જળાશય પર કપડાં બદલી રહી હતી દલિત મહિલાઓ, મુસ્લિમ શખ્સો બનાવવા...

    ઉચ્છલના જળાશય પર કપડાં બદલી રહી હતી દલિત મહિલાઓ, મુસ્લિમ શખ્સો બનાવવા લાગ્યા વિડીયો!: હિંદુ પરિવારે સમજાવવા જતાં ‘અલ્લાહુ અક્બર’ કહીને કર્યો હુમલો, પીડિતોએ ઑપઇન્ડિયાને જણાવી આપવીતી

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં પીડિત વ્યક્તિ પ્રતાપસિંહ ચૌહાણે કહ્યું હતું કે, મુસ્લિમ ટોળાંએ 'અલ્લાહુ અકબર'ના નારા સાથે પરિવાર પર હુમલો કર્યો હતો. હુમલામાં બાળકો અને મહિલાઓ પણ ઘાયલ થયા હતા. આ ઉપરાંત સોનગઢ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન પણ મુસ્લિમ ટોળાં એકઠા થઈ ગયા હતા

    - Advertisement -

    તાપી (Tapi) જિલ્લાના ઉચ્છલના (Uchchhal) થુટી (Thuti) ગામે એક જળાશય પર ફરવા આવેલા સુરતના (Surat) દલિત પરિવાર (Dalit Family) પર મુસ્લિમ ટોળાંએ (Muslim Mob) હુમલો (Attack) કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, ઉકાઈ ડેમના જળાશયના કિનારે દલિત પરિવારની મહિલાઓ નાહીને કપડાં બદલી રહી હતી. આરોપ છે કે, તે દરમિયાન કેટલાક મુસ્લિમ શખ્સોએ તેનો વિડીયો રેકોર્ડ કરી રહ્યા હતા. આ મામલે દલિત પરિવાર સમજાવવા જતાં મુસ્લિમોએ મારામારી કરી હતી. ત્યારબાદ હૉસ્પિટલમાં અને રસ્તા વચ્ચે પણ 15ના મુસ્લિમ ટોળાંએ મારામારી કરી હોવાનો આરોપ છે.

    સમગ્ર ઘટના મામલે ઉચ્છલ પોલીસ સ્ટેશલમાં ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ફરિયાદ અનુસાર, આ ઘટના 18 મેના રોજ રવિવારના દિવસે ઘટી હતી. આ મામલે ઉચ્છલ પોલીસે 15 જેટલા ‘અજાણ્યા’ મુસ્લિમ ટોળાં વિરુદ્ધ BNSની કલમ 115(2), 117(2), 189(2), 190, 191(2), 191(3) તથા GP એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

    મહિલાઓના વિડીયો રેકોર્ડ કરવાની શંકા અને મુસ્લિમ ટોળાંનો હુમલો

    ફરિયાદ અનુસાર, સુરતની કિરણ હૉસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ડ્રાઈવરની નોકરી કરતા દલિત સમાજના પ્રતાપસિંહ ચૌહાણ પોતાના પરિવાર અને પાડોશીઓ સાથે બાઇક અને કાર લઈને ઉચ્છલ તાલુકાના થુટી ગામે ઉકાઈ ડેમના એક જળાશય પર ફરવા ગયા હતા. તેમની સાથે મહિલાઓ અને બાળકો પણ હતા. બપોરના સમયે તેઓ જમીને જળાશયમાં નાહવા માટે નીકળ્યા હતા. ફરિયાદ અનુસાર, નાહીને બહાર નીકળ્યા બાદ પરિવારની એક મહિલા ચાદરની આડશ રાખીને કપડાં બદલી રહી હતી.

    - Advertisement -

    ફરિયાદ અનુસાર, પરિવારને શંકા ગઈ કે, કેટલાક મુસ્લિમ શખ્સો મહિલાનો વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે. ફરિયાદીની સાથે આવેલા એક વ્યક્તિએ વિરોધ કરતા મુસ્લિમ શખ્સોએ તેની સાથે મારમારી કરી હોવાનો પણ આરોપ છે. ઘટનાની જાણ થતાં જ દલિત પરિવારના બધા માણસો એકઠા થઈ ગયા હતા અને મુસ્લિમ શખ્સોને વિડીયો ન બનાવવા કહેવા લાગ્યા હતા. આરોપ છે કે, તે દરમિયાન મુસ્લિમ શખ્સોએ પરિવારના લોકો પર હુમલો કરી દીધો હતો. પરિવારના સભ્યોએ આરોપીનો મોબાઈલ ચેક કરતા તેમાં કોઈ વિડીયો મળી આવ્યો નહોતો. પરંતુ બીજા આરોપીઓએ પોતાનો મોબાઈલ ચેક કરવા દીધો ન હતો.

    ઘટના બાદ બંને પક્ષે તકરાર બંધ થઈ હતી અને મુસ્લિમ શખ્સો પણ ત્યાંથી રવાના થઈ ગયા હતા. પરંતુ થોડી જ વારમાં સાંજના 4 વાગ્યાની આસપાસ તે જ મુસ્લિમ શખ્સો અન્ય 15થી 20ના મુસ્લિમ ટોળાં સાથે હથિયારો લઈને ત્યાં આવી પહોંચ્યા હતા અને સીધા હુમલો કરવા લાગ્યા હતા. આરોપ છે કે, આ હુમલામાં હિંદુ પરિવારના સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને જીવ બચાવીને સોનગઢ હૉસ્પિટલ માટે રવાના થઈ ગયા હતા.

    સોનગઢ જતાં સમયે રસ્તામાં જ મુસ્લિમ ટોળાંના અન્ય બે શખ્સો આવી પહોંચ્યા હતા અને કાર પર હુમલો કરવા લાગ્યા હતા. ફરિયાદ અનુસાર, આ ઘટના બાદ પણ દલિત પરિવારના લોકો જેમતેમ સોનગઢ હૉસ્પિટલ પહોંચ્યા હતા અને પ્રાથમિક સારવાર લઈને કિરણ હૉસ્પિટલમાં દાખલ થયા હતા. જોકે, આરોપ છે કે, હૉસ્પિટલમાં પણ મુસ્લિમ ટોળાં એકઠા થઈ ગયા હતા અને ધમાલ કરવા લાગ્યા હતા.

    પોલીસ પર પણ લાગ્યા આરોપ

    આ મામલે સોશિયલ મીડિયા પર પીડિત પરિવારનો એક વિડીયો પણ વાયરલ થયો છે. જેમાં પીડિત પરિવાર પોતાની આપવીતી જણાવી રહ્યો છે. વિડીયોમાં પીડિત પરિવારના એક યુવક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સોનગઢ પોલીસ પાસે ગયા બાદ પોલીસે એવું કહ્યું હતું કે, “એ તો તમે બચી ગયા, નહીં તો સોનગઢના મુસ્લિમો તો તમને મારી નાખત.” વિડીયોમાં એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાને પહલગામની આતંકી ઘટના સાથે સરખાવી હતી.

    વિડીયોમાં પીડિત મહિલાએ પણ પોતાની આપવીતી જણાવી હતી. મહિલાએ કહ્યું કે, તેઓ કપડાં બદલી રહ્યા હતા તે દરમિયાન ઉપરથી બે મુસ્લિમ શખ્સો અને એક મુસ્લિમ મહિલા તેમનો વિડીયો ઉતારી રહી હતી. જે બાદ પરિવારના સભ્યોએ આ વિશે પૂછતાં મુસ્લિમ શખ્સો નીચે આવ્યા હતા અને તકરાર કરવા લાગ્યા હતા. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિએ વિડીયોમાં સમગ્ર ઘટનાક્રમ વિશેની માહિતી પણ આપી છે.

    ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે કર્યો હુમલો- પીડિત

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં પીડિત વ્યક્તિ પ્રતાપસિંહ ચૌહાણે કહ્યું હતું કે, મુસ્લિમ ટોળાંએ ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે પરિવાર પર હુમલો કર્યો હતો. હુમલામાં બાળકો અને મહિલાઓ પણ ઘાયલ થયા હતા. આ ઉપરાંત સોનગઢ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન પણ મુસ્લિમ ટોળાં એકઠા થઈ ગયા હતા અને ધમકી આપવા લાગ્યા હતા. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે, સોનગઢ પોલીસે આ મામલે મુસ્લિમ આરોપીની ફરિયાદ પહેલા લઈ લીધી હતી.

    સ્થાનિક હિંદુ સંગઠનના પદાધિકારી ચંદનસિંહ ગોહિલે ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે, આરોપીઓ પૈકીનો એક મુસ્લિમ શખ્સ સ્થાનિક કોર્પોરેટર છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું છે કે, આરોપી મુસ્લિમ પહેલાં પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો અને એક વખત પોલીસે તેનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે, મુસ્લિમ ટોળાંએ પીડિત પરિવાર વિરુદ્ધ ખોટી ફરિયાદ કરાવી હતી અને પોલીસે પણ પહેલાં તેમની ફરિયાદ લઈ લીધી હતી. આ મામલે બંને પક્ષો તરફથી સામસામે FIR નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

    ચંદનસિંહે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, આરોપીઓ સોનગઢના માથાભારે તત્વો છે. 2 મહિના પહેલાં જ તેમાંના એક મુસ્લિમ આરોપી અને તેના અબ્બુનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું. વધુમાં મર્ડર કેસમાં પણ સંડોવણીને લઈને આરોપ લગાવવામાં આવ્યા હતા. તેમણે સ્થાનિક પોલીસ પર પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મારમારી કરવા આવેલા લોકોમાં એક કોર્પોરેટર હતો, તેના કારણે પોલીસનો વ્યવહાર પણ તે તરફે હતો.

    હિંદુ આગેવાન અનુસાર, જ્યારે આરોપી મુસ્લિમોને ખબર પડી કે, ફરિયાદીઓ કેસ કરવાના છે તો તરત જ તેઓ પહેલાં પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને તેમની સાથેની એક મુસ્લિમ મહિલાની છેડતીની ફરિયાદ કરી નાખી હતી. ચંદનસિંહે કહ્યું કે, “આ ફરિયાદ મામલે પણ કોઈ લૉજિક નથી. કારણ કે, હિંદુ માણસો પોતાના પત્ની-બાળકો અને પરિવાર સાથે હતા, તેવામાં તેઓ આવા બધા કામો કઈ રીતે કરી શકે?” વધુમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, પોલીસે સમાધાન કરાવવાના ઈરાદે સામસામે ફરિયાદો નોંધાવી હતી.

    સોશિયલ મીડિયા પર વિડીયો બનાવીને મૂકનાર હિંદુ વ્યક્તિને પણ પોલીસનું દબાણ

    ચંદનસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું છે કે, આ ઘટનાને લઈને મોટાભાગે કોઈને ખબર નહોતી. પરંતુ એકાદ-બે દિવસ બાદ એક હિંદુ વ્યક્તિએ પીડિત પરિવારનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને ગુજરાતમાં આ ઘટના વિશેની જાણ થઈ હતી. વિડીયો રેકોર્ડ કરનાર વ્યક્તિ સુરતના હતા. ગોહિલનો આરોપ છે કે, વિડીયો વાયરલ થયા બાદ સુરતના સંબધિત વિસ્તારના PIએ વિડીયો રેકોર્ડ કરીને પોસ્ટ કરનારા વ્યક્તિ પર દબાણ ઊભું કરવાનું શરૂ કરી દીધું હતું અને વિડીયો ડિલીટ કરાવી દીધો હતો.

    જોકે, વિડીયો ડિલીટ કરાવ્યા બાદ પણ અન્ય માધ્યમો દ્વારા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો અને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ પાસે પણ પહોંચ્યો હતો. હાલ પણ તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. આ મામલે હાલ તો પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈને કાર્યવાહી હાથ ધરી છે. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ઉચ્છલ પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું છે કે, ઘટના બાદ 6 આરોપીઓની રાયોટિંગના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે અને સામસામે બે ફરિયાદ દાખલ થઈ છે.

    વિશેષમાં એ કહેવાનું કે, આ ઘટનાને 5 દિવસ થયા, વીડિયો વાયરલ થયાને પણ 2 દિવસ થયા… પરંતુ હજુ સુધી કોઈ મીડિયામાં આ બાબતે કોઈ માહિતી નથી જોવા મળી રહી. આનું કારણ શું હોય શકે? સંભવતઃ તેના 2 કારણ શક્ય છે. એક તો એ કે મીડિયાઆ આરોપી કોર્પોરેટરથી ડરી રહી હોય અને તેની ઊંચી પહોંચ હોય… બીજું એ કે પોલીસ પોતે આ વિષય દબાવી રહી હોય. સત્ય શું છે એ તો ના કહી શકાય. પરંતુ એટલું સ્પષ્ટ છે કે, આ ઘટનાને દબાવવા માટે ક્યાંકને ક્યાંક પ્રયાસો થયા હતા અને થઈ રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં