મુંબઈ કિલા કોર્ટે શુક્રવારે (24 મે 2024) 20 બાંગ્લાદેશીઓને માન્ય પાસપોર્ટ વગર ભારતમાં ઘૂસવા અને નકલી ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ અને જન્મ પ્રમાણપત્ર સહિતના કાયમી રહેઠાણના નકલી દસ્તાવેજો બનાવવા બદલ દોષી ઠેરવીને સજા ફટકારી છે. કોર્ટે દરેક નાગરિકને આઠ મહિનાની જેલની સજા અને 4,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બાંગ્લાદેશીઓને મુંબઈ કોર્ટે સજા ફટકારતા તેમ પણ કહ્યું છે કે જો કોઈપણ વ્યક્તિ દંડ નહીં ભરે તો તેની સજા 16 મહિના સુધી લંબાવવામાં આવવાના આદેશ આપવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર આ મામલો ગત વર્ષ 19 ઓકટોબરનો છે, તે સમયે બોરીવલી પોલીસે બાંગ્લાદેશના ત્રણ નાગરિકોને પકડી પાડ્યા હતા અને તેમના પર FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે પુણે, વિરાર અને નાસાલપોરથી 17 અન્ય બાંગ્લાદેશીઓને પકડ્યા હતા. આ તમામ બાંગ્લાદેશીઓ ભારતમાં ગેરકાયદેસર રહેતા હતા. તપાસ દરમિયાન પુણેના બે એજન્ટોની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેણે 20 ઘૂસણખોરોને ભારતીય દસ્તાવેજો બનાવવામાં મદદ કરી હતી. PI કાલેએ બંગાળ અને પુણેથી તમામ જરૂરી પુરાવાઓ એકઠા કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
પુણે કમિશનરે આ કેસની તપાસ શરૂ કરી હતી. દરમિયાન ત્રણ પોલીસ સ્ટેશનના સંબંધિત પોલીસકર્મીઓને ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ થવા અને ગેરકાયદેસર દસ્તાવેજ બનાવવામાં મદદ કરનારા એજન્ટોને સહકાર આપવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પુણે શહેરના ત્રણ પોલીસ સ્ટેશનના ચાર પોલીસ અધિકારીઓ એક મહિનાની લાંબી તપાસ બાદ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ માટે પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાસપોર્ટ વિભાગમાં તહેનાત કોન્સ્ટેબલોને બેદરકાર ગણવામાં આવ્યા હતા. સ્થાનિક DCPએ આ અંગેનો એક વિસ્તૃત રિપોર્ટ કમિશનર રિતેશ કુમારને આપ્યો હતો.
પકડાયેલા તમામ બાંગ્લાદેશી આરોપીઓ સામે મુંબઈની કિલા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં બચાવ પક્ષ અને ફરિયાદ પક્ષે પોતપોતાની દલીલો રજૂ કરી હતી. શુક્રવારે કોર્ટે પોલીસ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને આરોપીઓને દોષિત ઠેરવવા માટે પૂરતા ગણાવ્યા હતા. તમામ 20 બાંગ્લાદેશી ઘૂસણખોરોને 8 મહિનાની જેલ અને 4 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તમામ ઘૂસણખોરોને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમની સજા પૂરી થયા બાદ તેમને બાંગ્લાદેશને સોંપવામાં આવશે. રિપોર્ટ અનુસાર, તેમાંથી ઘણા લોકોએ ભારતીય ઓળખનો ઉપયોગ કરીને પાસપોર્ટ પણ મેળવ્યા હતા. આ પાસપોર્ટના આધારે તે વિદેશ જવાનો પ્લાન બનાવી રહ્યા હતા.