મધ્ય પ્રદેશ હાઈકોર્ટની જબલપુર બેન્ચે તાજેતરમાં એક કેસની સુનાવણી વખતે નોંધ્યું કે મુસ્લિમ યુવક અને હિંદુ યુવતી વચ્ચે થયેલાં લગ્ન ઈસ્લામિક કાનૂન (શરિયા) હેઠળ માન્ય ગણાય નહીં, ભલે તેમણે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યાં હોય. હાઇકોર્ટ એક મુસ્લિમ યુવક-હિંદુ યુવતીની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં તેમણે પોલીસ રક્ષણની માંગ કરી હતી.
જસ્ટિસ ગુરપાલ સિંઘ અહલુવાલિયાની બેન્ચે અરજી પર સુનાવણી કરતાં નોંધ્યું કે, મુસ્લિમ યુવક અને હિંદુ યુવતી વચ્ચે થયેલાં લગ્ન મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ અનિયમિત (કે ફાસિદ) ગણાશે, પછી ભલે તેઓ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કેમ લગ્ન ન કરે. કોર્ટે આ આદેશ સોમવારે (27 મે) આપ્યો હતો.
આદેશમાં કોર્ટે કહ્યું કે, “ઈસ્લામિક કાયદા અનુસાર મુસ્લિમ યુવકનાં મૂર્તિપૂજક સ્ત્રી સાથે લગ્ન એ માન્ય લગ્ન ગણાય નહીં. આવાં લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ પણ રજિસ્ટર થયાં હોય તોપણ તેને માન્યતા મળે નહીં અને તે અનિયમિત (ફાસિદ) લગ્ન જ ગણાશે.”
Special Marriage Act union between Hindu and Muslim not valid under Muslim Law: Madhya Pradesh High Court
— Bar and Bench (@barandbench) May 30, 2024
Read more: https://t.co/anuH4XqnjY pic.twitter.com/uTb0EDXEFm
કોર્ટમાં મુસ્લિમ યુવક અને હિંદુ યુવતીએ અરજી કરીને કહ્યું હતું કે યુવતીના પરિજનો તેમના સંબંધોની વિરુદ્ધ છે અને તેમને ડર છે કે બંને લગ્ન કરી લે ત્યારબાદ તેમને સમાજમાંથી બરતરફ કરવામાં આવશે. તેમણે બંનેએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવાની તૈયારી બતાવી છે. તેમના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, યુવક કે યુવતી બંને એકબીજાના ધર્મ પાળવા માંગતા નથી. લગ્ન પછી પણ મહિલા હિંદુ ધર્મ પાળશે અને યુવક ઈસ્લામ પાળશે. તેમણે માંગ કરી કે બંનેને રક્ષણ આપવામાં આવે, જેથી તેઓ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્નની નોંધણી કરવા માટે સક્ષમ અધિકારી સમક્ષ હાજર થઈ શકે.
કોર્ટમાં વકીલે એવી પણ દલીલ કરી હતી કે, પર્સનલ લૉ અનુસાર જુદા-જુદા ધર્મ વચ્ચે લગ્ન થઈ શકે નહીં, પણ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તે કાયદેસર માની શકાય છે. એમ પણ દલીલ આપવામાં આવી કે સ્પેશિયલ મેરેજ એક્ટની વાત આવે ત્યારે તે પર્સનલ લૉને બિનઅસરકારક બનાવી દે છે. જોકે, કોર્ટે કહ્યું કે, એ વાત સાચી છે કે ધાર્મિક વિધિ ન થઈ હોય તોપણ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળનાં લગ્નને પડકારી શકાય નહીં, પણ જો પર્સનલ લૉમાં તેને કાયદાકીય માન્યતા ન હોય તો આવાં લગ્ન વૈદ્ય માની શકાય નહીં.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, “જો પર્સનલ લૉમાં પ્રતિબંધિત હોય તો તેવા લગ્નને સ્પેશિયલ મેરેક્ટ એક્ટમાં પણ માન્યતા મળતી નથી. સ્પેશિયલ મેરેજ એક્ટની કલમ 4 કહે છે કે જો બંને પક્ષ અમાન્ય સંબંધોમાં નહીં હોય તો જ લગ્ન થઈ શકે છે. ત્યારબાદ કોર્ટે અરજી ફગાવી દીધી અને કહ્યું કે, ન તો બંને લગ્ન વગર લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માંગે છે કે ન યુવતી (હિંદુ) યુવકનો મઝહબ (ઈસ્લામ) સ્વીકારવા માંગે છે.