મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની બરકતુલ્લાહ યુનિવર્સિટીમાં હોસ્ટેલની વિદ્યાર્થિનીઓને મંદિર જવા અને સુંદરકાંડના પાઠ કરવા બદલ હેરાન કરવામાં આવી અને તેમની પાસે માફીપત્ર લખાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVPએ વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે, હોસ્ટેલની મુખ્ય વોર્ડન આયેશા રઈસે કહ્યું કે, જો કોઈને મંદિરમાં જવું હોય તો પહેલાં યુનિવર્સિટી પ્રશાસનની પરવાનગી લેવી પડશે.
હિંદુ સંગઠનોએ આ ઘટના પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું કહેવું છે કે, જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ રસ્તા પર ઉતરી આવશે. તેમણે કહ્યું છે કે, “મોહન યાદવના શાસનમાં સુંદરકાંડ અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ સહન કરવામાં આવશે નહીં.” તે દરમિયાન જ વિદ્યાર્થી સંગઠન ABVPએ આ ઘટનાને લઈને યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.
ABVP સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના મુખ્ય ગેટ પર એકઠા થઈ રામધૂન કરીને પ્રશાસનની સદબુદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ABVPના એક કાર્યકર્તાએ કહ્યું કે, વિદ્યાર્થિનીઓને મંદિરની મુલાકાત લેવા અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી રોકવાની આ ઘટના નિંદનીય છે અને વોર્ડનની આ સુચનાના વિરોધમાં પ્રદર્શન ચાલુ રહેશે.
ABVPના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી યાજ્ઞવલ્ક્ય શુક્લાએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરતા લખું હતું કે, “મુખ્યમંત્રી મોહન યાદવજી આ આપણી આસ્થા અને માન્યતાઓ પર સીધો હુમલો છે. આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તાત્કાલિક પગલાં લેવાનું સુનિશ્ચિત કરવું જોઈએ. આવી ઘટનાઓ ભારતમાં બિલકુલ સ્વીકારી શકાય નહીં.” આ પછી ABVPએ આના વિરોધમાં એક પોસ્ટર પણ બહાર પાડ્યું હતું.
मुख्यमंत्री @DrMohanYadav51 जी हमारी आस्था और मान्यताओं पर सीधा प्रहार है। विषय की गंभीरता को ध्यान में रख कर अविलंब कार्यवाई सुनिश्चित हो।ये हिंदुस्तान में क़तई स्वीकार नहीं होगा। pic.twitter.com/en2SQBG7ji
— Yagywalkya Shukla 🇮🇳 യജ്ഞവൽക്യ ശുക്ല (@yagywalkya) November 9, 2024
દરમિયાન, વિવાદ વધતો જોઈને ચીફ વોર્ડન આયેશા રઈસે કહ્યું કે, વિદ્યાર્થિનીઓને કેમ્પસમાં આયોજિત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની છૂટ છે. પરંતુ તે સુનિશ્ચિત કરવામાં આવે છે કે, તેમની હાજરી અને પ્રવૃત્તિઓ નિયમો અનુસાર રેકોર્ડ કરવામાં આવે. કેટલીકવાર વિદ્યાર્થિનીઓ સમયસર પરત ન આવતા ચિંતા થાય છે. તેમણે કહ્યું કે આ અનુશાસન અને સુરક્ષા સાથે જોડાયેલો મામલો છે.
તેણે આગળ કહ્યું, “આ કોઈ મઝહબી મુદ્દો નથી. આ મુદ્દાનું સમાધાન પણ થઈ ગયું હતું. મુદ્દો કોઈ જગ્યાએ જવાનો નહીં, પરંતુ શિસ્તનો છે. વાઇસ ચાન્સલરે એક કમિટી બનાવી છે, જે તપાસ કરશે. છોકરી આમારા બાળક જેવી છે. તેમને કંઈ ન થવું જોઈએ. તેઓ તેમના માતા-પિતાથી દૂર રહે છે. અમે તેમને ખૂબ પ્રેમ આપીએ છીએ. અમે તેમને સલામતી પૂરી પાડીએ છીએ, જેથી તેઓ આનંદથી તેમનો અભ્યાસ કરી શકે.”
વોર્ડને કહ્યું, “બસ આટલો જ મામલો છે. આ વાતથી ‘છોકરીઓ’ ગુસ્સે થઈ ગઈ. અમારું કામ વાલીની જેમ કામ કરવાનું છે. અમે વિદ્યાર્થિનીઓના આવવા અને જવાના સમય સંબંધિત એક રજિસ્ટર જાળવીએ છીએ. છોકરીઓ સમયસર હોસ્ટેલમાં પાછી આવે તેનું પણ અમે ધ્યાન રાખીએ છીએ. તેને કહેવામાં આવે છે કે, બેટા મોડું થઇ રહ્યું છે તો સમયસર આવો. મામલો ઉકેલાઈ ગયો છે અને છોકરીઓ માની પણ ગઈ છે. તેમની એન્ટ્રી પણ થઈ ગઈ છે.”
અહેવાલો અનુસાર તાજેતરમાં યુનિવર્સિટી કેમ્પસમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓ પણ જોડાઈ હતી. જેના કારણે છોકરીઓ હોસ્ટેલમાં મોડી પહોંચી હતી. આ પછી, હોસ્ટેલની વોર્ડન આયેશાએ તેમને નિયત સમયે એટલે કે સાંજે 7.00થી 7:30 વચ્ચે હોસ્ટેલમાં પાછા ફરવા કહ્યું હતું. નિશ્ચિત સમયથી વધુ વિલંબ થાય તો વિદ્યાર્થીનીઓને યુનિવર્સિટીની પરવાનગી લેવા સૂચના પણ આપવામાં આવી હતી.