હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) મસ્જિદ વિવાદ પૂરો થવાનું નામ નથી લઇ રહ્યો. રાજધાની શિમલામાં (Shimla) પણ મેઈન બજારમાં ઉભી કરી દેવામાં આવેલી મસ્જિદનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. સંજૌલી (Sanjauli) નગર નિગમના સૂત્રોને ટાંકીને અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે, વિવાદિત મસ્જિદના ત્રણ માળ આગામી ત્રણ દિવસમાં પાડી દેવામાં આવશે. આ માટેના દસ્તાવેજો પર હસ્તાક્ષર પણ થઈ ચૂક્યા છે. આમ કરવાના આદેશ ગત 5 ઓકટોબરના રોજ આવી ગયા હતા. સ્થાનિક આયુક્ત ન્યાયાલયે મસ્જિદ કમિટીને ત્રણ માળ તોડી પડવા કહ્યું હતું, બાદમાં તેના લેખિત આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે હવે આ મામલે મુસ્લિમ પક્ષ બોલીને ફરી ગયો છે. પહેલાં ગેરકાયદેસર મસ્જિદ હટાવવાની બાહેંધરી આપનાર મુસ્લિમ પક્ષ હવે હાઈકોર્ટ જવાની વાત કરી રહ્યો છે.
બીજી તરફ નિગમ દ્વારા આપવામાં આવેલા આદેશોને મુસ્લિમ પક્ષ તેને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારીઓ કરી રહ્યું છે. પહેલાં મુસ્લિમ પક્ષે આ મામલે નિગમના આદેશોને માનવાની તૈયારી દર્શાવી હતી. હવે તેઓ હાઈકોર્ટ જવાની તૈયારી કરી રહ્યા છે. આ મામલે હિમાચલ મુસ્લિમ ઓર્ગેનાઈઝેશનના પ્રવક્તા લિયાકત અલી હાશમીએ દાવો કર્યો છે કે આ મસ્જિદ વક્ફ બોર્ડની જમીન પર છે અને તેને 125 વર્ષ પહેલાં બનાવવામાં આવી છે. માત્ર ઉપર કરવામાં આવેલા બાંધકામને લઈને વિવાદ છે. નમાજ પઢવાવાળા લોકો વધી જતા ઉપર બીજું બાંધકામ કરવામાં આવ્યું હતું.
અહીં નોંધવું જરૂરી છે કે પોશ વિસ્તારમાં કોઈ જ પરવાનગી વગર ગેરકાયદેસર ઉભી કરી દેવામાં આવેલી આ 5 માળની મસ્જિદનો વિવાદ આજકાલનો નહીં, પરંતુ છેલ્લાં 14 વર્ષથી ચાલી રહ્યો છે. સ્થાનિક કોર્ટમાં આ મામલે કેસ પણ એટલા જ સમયથી ચાલી રહ્યો છે. બીજી તરફ લાંબી લડત બાદ પણ કોઈ જ પરિણામ ન આવતાં હિંદુઓની ધીરજે હવે જવાબ આપી દીધો છે. સ્થાનિક હિંદુ સમુદાય અને સંગઠનોએ પ્રશાસનને ચેતવણી આપી હતી કે 14 વર્ષથી ચાલી રહેલા કોર્ટ કેસમાં જો આગામી સુનાવણીમાં નિર્ણય ન કરવામાં આવે તો ગેરકાયદેસર મસ્જિદ વિરુદ્ધ ઉગ્ર આંદોલન થશે અને ઢાંચાને તોડી પાડવામાં આવશે.
મંડીમાં પણ ચાલી રહ્યો છે મસ્જિદ વિવાદ, પ્રશાસનને યાદ અપાવી સમય મર્યાદા
હિમાચલ પ્રદેશના મંડીમાં પણ છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર મસ્જિદ તોડવાની માંગ સાથે પ્રદર્શનો થઈ રહ્યાં છે. હિંદુઓએ રસ્તા પર ઉતરી આવીને અતિક્રમણ હટાવવાની માંગ કરી હતી. હિંદુઓએ પ્રશાસનને ચીમકી ઉચ્ચારી હતી કે જો વહેલો નિર્ણય નહીં લેવામાં અવે તો ઉગ્ર દેખાવ કરાશે. જોકે પ્રશાસને સમય મર્યાદા આપીને તેને હટાવવાનું આશ્વાસન આપ્યું હતું અને કામગીરી શરૂ કરી હતી. ત્યારે તે સમય અવધી આ 12 ઓકટોબરના રોજ પૂર્ણ થવાની હોવાથી, હિંદુ સમાજે ફરી એક વાર પ્રશાસનને તેમનું આશ્વાસન યાદ અપાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલે મુસ્લિમ પક્ષને હજુ સુધી કોઈ રાહત ન મળી હોવાના અહેવાલો છે. સ્થાનિક હિંદુઓના સંગઠન ‘દેવભૂમિ સંઘર્ષ સમિતિ’ના પદાધિકારીઓએ પણ આ મામલે બુધવારે (9 ઓકટોબર 2024) એક બેઠક કરી હતી. આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે જો મસ્જિદ સંપૂર્ણ રીતે નહીં હટે તો અગામી સમયમાં શું પગલા લેવામાં આવશે. સમિતિએ નક્કી કર્યું હતું કે સમય અવધી પૂર્ણ થવામાં હજુ 2 દિવસ આડા છે. જો 2 દિવસમાં મસ્જિદનું ગેરકાયદેસર બાંધકામ હટાવીને જગ્યા સમતળ ન કરવામાં આવી તો હિંદુઓ નિગમ કાર્યાલયનો ઘેરાવો કરીને ઉગ્ર પ્રદર્શન કરશે.
હિંદુઓનો આરોપ છે કે કોર્પોરેશન દ્વારા 45 ચોરસ મીટર જગ્યા આપવામાં આવી હતી. તેની જગ્યાએ મસ્જિદ સમિતિએ સરકારી જમીન પર દબાણ કરીને 232 ચોરસ મીટરની જગ્યા પર મસ્જિદ તાણી બાંધી હતી. જેને લઈને હવે વિરોધ થઈ રહ્યો છે અને સરકારી જમીન પરથી દબાણ હટાવવાની માંગ થઈ રહી છે.