આમ આદમી પાર્ટી સુપ્રીમો અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કોરોનાના સમયે કરોડોના ખર્ચે પોતાનું સત્તાવાર નિવાસસ્થાન રિનોવેટ કરાવ્યું હતું, જે હવે ‘શીશમહેલ’ નામથી વધુ જાણીતું છે. શીશમહેલ (Sheesh Mahal) પાછળ થયેલા ખર્ચ અને તેમાં જોવા મળેલી અનિયમિતતાને લઈને એજન્સીઓ તપાસ કરી રહી છે ત્યારે કોમ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા (CAG) દ્વારા પણ આ મામલે એક તપાસ કરવામાં આવી હતી. જેનો રિપોર્ટ સુપરત કરવામાં આવ્યા બાદ વધુ વિગતો સામે આવી છે. રિપોર્ટ જણાવે છે કે, કેજરીવાલના નિવાસસ્થાનના સમારકામ માટે શરૂઆતમાં ₹7 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પણ કામ પૂરું થતાં આ રકમ છેક ₹33 કરોડ સુધી પહોંચી ગઈ. ઉપરાંત, આટલો ખર્ચ શેમાં થયો તેની પણ જાણકારી આપવામાં આવી છે.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર, કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે આવાસના રિનોવેશન પાછળ એસ્ટિમેટેડ રકમ કરતાં ત્રણ ગણા વધારે રૂપિયા ખર્ચી નાખ્યા હતા. શરૂઆતમાં આ રકમ ₹7.91 કરોડ હતી. વર્ષ 2020માં આખરે ₹8.62 કરોડના બજેટ સાથે કામ શરૂ કરવામાં આવ્યું. અંતમાં જ્યારે PWD દ્વારા તેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું, ત્યાં સુધીમાં તો આ ખર્ચ અધધ ₹33.66 કરોડને આંબી ગયો હતો.
અખબાર ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા CAGના રિપોર્ટના આધારે એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેમાં આ જાણકારીઓ મળી છે. રિપોર્ટ અનુસાર, કેજરીવાલના નિવાસસ્થાનમાં દીવાલો અને માર્બલ સ્ટોન માટે ₹20 લાખનો અંદાજીત ખર્ચ કરવામાં આવનાર હતો, પરંતુ નિયત રકમ કરતાં તે વધી ગયો અને આખરે ₹66.89 કરોડને વટી ગયો. ઉપરાંત અન્ય બાબતોની વાત કરવામાં આવે તો, બંગલામાં ₹5 લાખનો મિનિબાર બનાવવામાં આવ્યો છે. આ સિવાય પડદા પાછળ ₹96 લાખ ખર્ચાયા છે. ₹39 લાખનો માત્ર રસોડાનો સમાન છે. ₹20 લાખનું ટીવી કન્સોલ છે અને ₹18 લાખ ટ્રેડમિલ અને જીમના સામાન માટે ખર્ચવામાં આવ્યા. જ્યારે ₹16 લાખનો ખર્ચ સિલ્ક કાર્પેટ માટે કરવામાં આવ્યો.
4.8 लाख का मिनी बार, जिम के सामान पर 18 लाख खर्च… CAG की रिपोर्ट बता रही कैसे खड़ा हुआ फर्जीवाल (केजरीवाल) का ‘शीशमहल’
— Vineet Vats Tyagi (@vineetvatstyagi) January 5, 2025
•CAG की ऑडिट रिपोर्ट आई है, जिसमें पता चला है कि उस घर का रिनोवेशन प्रस्तावित लागत से तीन गुना अधिक रुपये में किया गया।
•ऑडिट रिपोर्ट के अनुसार शुरू में इस… pic.twitter.com/WDvfLA5WF0
CAGનો આ રિપોર્ટ નવેમ્બર, 2024માં રજૂ કરવામાં આવ્યો હતો. નિવૃત્તિના 10 દિવસ પહેલાં જ CAG ગિરીશચંદ્ર મુર્મૂએ તેની ઉપર હસ્તાક્ષર કર્યા હતા. રિપોર્ટ દિલ્હી વિધાનસભામાં રજૂ કરવાનો બાકી છે.
શું છે CAGના રિપોર્ટમાં?
એક્સપ્રેસના રિપોર્ટ મુજબ CAGના રિપોર્ટમાં પીડબ્લ્યુડી દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર પરના હાલના આવાસના ‘પુનર્નિર્માણ’ અને ‘વધારાના માળના નિર્માણ’ સાથે સંબંધિત અનિયમિતતાઓ પર આખો એક વિભાગ છે. રિપોર્ટના આ ભાગમાં સલાહકારોની શંકાસ્પદ પસંદગી, ખર્ચ પાછળના અનુમાનમાં વારંવાર ફેરફાર અને નિર્ધારિત કરતા ઊંચા ભાવની વસ્તુઓની પસંદગી જેવી બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ માટે ‘પ્રતિબંધિત ટેન્ડરિંગ’ને લગતા મુદ્દાઓને રેખાંકિત કરતા કેગના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, ઑક્ટોબર, 2020માં પાંચ કોન્ટ્રાક્ટરો પાસેથી ટેન્ડર મંગાવવામાં આવ્યાં હતાં, જેમાંથી ફક્ત ત્રણ જણાએ જ તેમની બિડ સબમિટ કરી હતી અને પીડબ્લ્યુડી દ્વારા તૈયાર કરવામાં આવેલી સંભવિતોની સૂચિમાંથી સૌથી ઓછી બોલી લગાવનારને કામ આપવામાં આવ્યું હતું.
આ અંગે ખુલાસો કરતાં CAG રિપોર્ટમાં જણાવ્યું છે કે, બાકીના ચાર કોન્ટ્રાકટરોએ શાળાઓના વર્ગખંડો, અટલ સમાધિ ખાતે પાર્કના વિકાસ સાથે સંકળાયેલા કામો કર્યાં હતાં. આ બાબત PWDના એ દાવાની ચાડી ખાય છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમને VIP વિસ્તારોમાં આ પ્રકારનું કામ કરવાનો કોઈ જ અનુભવ નહોતો.
કરોડોની વસ્તુઓનાં વાઉચર નહીં, ખર્ચ પણ વધારી ચઢાવીને દર્શાવાયો
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર CAGનાં તારણોનો એક મુખ્ય નિષ્કર્ષ એ છે કે, શીશમહેલમાં જે કુલ ₹33.66 કરોડનો ખર્ચ થયો હતો, તેમાંથી ₹18.88 કરોડ રૂપિયા માત્ર બહુ ઊંચી કિંમતની ચીજવસ્તુઓ, કલાત્મક વસ્તુઓ અને સુશોભનની ચીજો ખરીદવામાં જ વપરાયા હતા, જેને PWD દ્વારા ‘એકસ્ટ્રા આઇટમ’ જણાવવામાં આવી છે. રિપોર્ટમાં અંતે આવી વસ્તુઓની યાદી પણ આપવામાં આવી છે.
રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બર 2020થી જૂન 2022 સુધીમાં પાંચ સુધારેલા એસ્ટિમેટ રજૂ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી અંતિમ અનુમાનિત ખર્ચમાં કહેવામાં આવ્યું હતું કે, ઑક્ટોબર, 2021માં જે એસ્ટિમેટ રજૂ કરવામાં આવ્યું હતું તેના સિવાય કલાત્મક અને સુશોભન કાર્ય માટે ₹5.07 કરોડ, ડિઝાઇનર એસેસરીઝ અને ફિટીંગ્સ માટે ₹48.27 લાખ અને માર્બલ વર્ક માટે ₹1.97 કરોડનો વધારાનો ખર્ચ થશે.
ઉપરાંત, સીએમ આવાસને જોડતા સ્ટાફ બ્લૉક અને કેમ્પ ઑફિસના નિર્માણ માટે ખર્ચમાં કરવામાં આવેલા વધારા પર પણ CAGના રિપોર્ટમાં આખો એક ખંડ છે. જે અનુસાર, આ બંનેના નિર્માણ માટે શરૂઆતમાં ₹3.86 કરોડ ફાળવવામાં આવ્યા હતા, પણ ખર્ચ તેના કરતાં ઘણો વધુ થઈ ગયો હતો.
કરોડોની લગતની જીમખાના સહિતની વસ્તુઓને ‘વધારાની વસ્તુઓ’ તરીકે ઉલ્લેખી
ઓડિટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે નિવાસસ્થાન પર સેનિટરી વસ્તુઓ, ફર્નિચર અને જિમના સાધનોના માટે ₹1.87 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને આ વસ્તુઓનો ‘વધારાની વસ્તુઓ’ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ઓડિટ રિપોર્ટ જણાવે છે કે, તપાસ દરમિયાન દિલ્હી સરકારે જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા ન હતા અને વાઉચર ન હોવાના કારણે કોન્ટ્રાક્ટરે જે ચીજવસ્તુઓ પૂરી પાડી હતી તે કેટલી જેન્યુઇન છે અને યોગ્ય દરે ખરીદવામાં આવી હતી કે કેમ તે તો જાણી શકાયું જ નથી.