Friday, December 27, 2024
More
    હોમપેજરાજકારણસંભલ હિંસાના આરોપીઓને મુરાદાબાદમાં જેલના નિયમો વિરુદ્ધ મળ્યા સપા નેતાઓ: મુખ્ય-ડેપ્યુટી જેલર...

    સંભલ હિંસાના આરોપીઓને મુરાદાબાદમાં જેલના નિયમો વિરુદ્ધ મળ્યા સપા નેતાઓ: મુખ્ય-ડેપ્યુટી જેલર સસ્પેન્ડ, સુપ્રિટેન્ડેન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવા સરકારને લખાયો પત્ર

    જેલની નિયમાવલી અનુસાર સાંસદો અને ધારાસભ્યોને તેમના જિલ્લાની જેલમાં બંધ કેદીઓને મળવાનો વિશેષ અધિકાર મળતો હોય છે. જે અંતર્ગત સપા ધારાસભ્યો તેમને મળ્યા હતા, પરંતુ તેમની સાથે અન્ય નેતાઓ પણ આરોપીઓને મળવા પહોંચી ગયા હતા.

    - Advertisement -

    સંભલ હિંસા (Sambhal Violence) બાદ પોલીસ હિંસાના આરોપીઓને શોધી રહી છે તો બીજી તરફ સમાજવાદી પાર્ટીનું પ્રતિનિધિમંડળ 2 ડિસેમ્બરે મુરાદાબાદ જેલમાં (Moradabad Jail) કેદ આરોપીઓને મળવા પહોંચ્યું હતું. જેમાંથી અમુક સપા નેતાઓ જેલના નિયમો વિરુદ્ધ આરોપીઓને મળ્યા હતા. જે પછી ઉત્તર પ્રદેશ સરકારે મુરાદાબાદ જેલના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ મામલે સરકારે જિલ્લા જેલના જેલર અને ડેપ્યુટી જેલરને સસ્પેન્ડ (Suspend) કર્યા હતા. તેમજ જેલ સુપ્રિટેન્ડેન્ટ સામે કાર્યવાહી કરવા માટે સરકારને પત્ર લખવામાં આવ્યો છે.

    નોંધનીય છે કે સંભલ હિંસા મામલે પકડાયેલા આરોપીઓને ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાની જેલમાં રાખવામાં આવ્યા છે. ત્યારે આ જ દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતાઓનું ટોળું જેલ ખાતે આરોપીઓને મળવા પહોંચ્યું હતું. જેની માહિતી સમાજવાદી પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શેર કરવામાં આવી હતી.

    અહેવાલો અનુસાર આ મામલે સરકારે કાર્યવાહી કરીને મુરાદાબાદ જેલના જેલર પીપી સિંઘ અને ડેપ્યુટી જેલર વિક્રમ સિંઘ યાદવને સસ્પેન્ડ કર્યા હતા. તેમજ જેલ સુપ્રિટેન્ડેન્ટ સામે કાર્યવાહી કરવા માટે સરકારને પત્ર લખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સંભલ જિલ્લામાં જિલ્લા જેલ આવેલી નથી તેથી હિંસાના આરોપીઓને મુરાદાબાદ જિલ્લા જેલમાં રાખવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ત્યારે સમાજવાદી પાર્ટીના નેતાઓ આ આરોપીઓને મળવા પહોંચ્યા હતા, જેમાં સપાના પૂર્વ સાંસદ એસટી હસન, ઠાકુરદ્વારાના ધારાસભ્ય નવાબ જાન, અમરોહાના ધારાસભ્ય સમરપાલ સિંઘ સામેલ હતા. આરોપ છે કે પૂર્વ સાંસદ અને ધારાસભ્ય સાથે કેટલાક અન્ય નેતાઓ પણ પરવાનગી વિના હિંસાના આરોપીઓને મળ્યા હતા.

    જેલની નિયમાવલી અનુસાર સાંસદો અને ધારાસભ્યોને તેમના જિલ્લાની જેલમાં બંધ કેદીઓને મળવાનો વિશેષ અધિકાર મળતો હોય છે. જે અંતર્ગત સપા ધારાસભ્યો તેમને મળ્યા હતા, પરંતુ તેમની સાથે અન્ય નેતાઓ પણ આરોપીઓને મળવા પહોંચી ગયા હતા. ત્યારે આ મામલે જેલના અધિકારીઓ વિરુદ્ધ સરકારે કાર્યવાહી કરી હતી.

    મસ્જિદના સરવેને લઈને ફાટી હતી સંભલ હિંસા

    સંભલમાં 24 નવેમ્બરે જામા મસ્જિદના સરવેને લઈને હિંસા ફાટી નીકળી હતી, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને 28 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે અઢી હજારથી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જેમાં સમાજવાદી પાર્ટીના સંભલના સાંસદ ઝિયા ઉર રહેમાન બર્ક અને સંભલના ધારાસભ્ય ઈકબાલ મહમૂદના પુત્ર સોહેલ ઈકબાલનો પણ સમાવેશ થાય છે.

    નોંધનીય છે કે મામલે વિપક્ષ રાજકારણ કરી રહ્યું છે. સપા અને કોંગ્રેસના નેતાઓ સંભલ જવા માટે જિદ્દ પકડીને બેઠા છે. ગઈકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની આ જિદ્દના લીધે સામાન્ય જનતાને ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે હજુ સુધી વહીવટી તંત્રએ કોઈને સંભલ જવાની પરવાનગી આપી નથી. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ પર 10મી ડિસેમ્બર સુધી સંભલમાં બહારના લોકોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં