એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે જણાવ્યું હતું કે તેણે કથિત મહાઠગ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં એક ડઝન સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે, જેના પર જમ્મુ અને કાશ્મીર પ્રશાસનને પીએમઓ અધિકારી તરીકેનો ઢોંગ કરીને લોકોને છેતરવાનો આરોપ છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 19 મેના રોજ હાથ ધરવામાં આવેલી સર્ચમાં ‘અત્યંત વાંધાજનક’ સામગ્રીની વસૂલાત ઉપરાંત સ્થાવર મિલકતો સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે અમદાવાદના ઈસનપુરનો મૂળ રહેવાસી મહાઠગ કિરણ પટેલ ભારતનો લેટેસ્ટ બ્લફ માસ્ટર (ઠગભગત) બની ચૂક્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ દેશના સૌથી સંવેદનશીલ રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં કિરણ પટેલે પોતાને PMOનો એડિશનલ ડાયરેક્ટર જણાવીને એવા તો સોટ્ટા પાડ્યા કે ભલભલા થાપ ખાઈ ગયા. PMOના નામે દેશભરના લોકોને છેતરનારા મહાઠગ કિરણ પટેલનાં રાઝ ખોલવા તાજેતરમાં 12 સ્થળોએ EDએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અમદાવાદ, ગાંધીનગર, મોરબી અને મહેસાણામાં EDની તપાસ ચાલી રહી છે.
“J-K અને અન્ય સ્થળોએ તેની પ્રવૃત્તિઓના સંદર્ભમાં વધુ તપાસ ચાલુ છે,” EDએ વધુમાં જણાવ્યું હતું.
અહેવાલો મુજબ કિરણભાઈ જગદીશભાઈ પટેલ અને તેના સાગરિતો જય સવજીભાઈ સીતાપરા, હાર્દિક કિશોરભાઈ ચંદારાણા, વિઠ્ઠલભાઈ મોતીભાઈ પટેલ, અમિત પંડ્યા અને પિયુષ કાન્તિભાઈ વસીતને લગતી તપાસમાં ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મોરબી અને મહેસાણામાં કુલ 12 સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું.
EDએ આરોપ લગાવ્યો છે કે કિરણ પેટેલે ગુનાહિત ઈરાદાથી છેતરપિંડી આચરવા માટે ખોટા દસ્તાવેજોના આધારે ખોટી PMO અધિકારી તરીકેની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી આચરી છે. જમ્મુ-કાશ્મીરના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી FIRના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.