બિહારના ભાગલપુરમાં (Bhagalpur) આવેલા શિવ મંદિરમાં તોડફોડ (Temple Vandalism) કરનાર આરોપી મોહમ્મદ શાહબાઝની (Mohammad Shahbaz) ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા કહેવાય રહ્યું છે કે, આરોપી શાહબાઝ ‘માનસિક વિકૃત’ છે. જોકે, આ ઘટનાને લઈને આખા વિસ્તારમાં હોબાળો થઈ ચૂક્યો હતો. ઘટનાની જાણ થયા બાદ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવો કર્યો હતો. ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી તેજ કરી હતી અને 6 હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓને તોડી પાડનાર આરોપી મોહમ્મદ શાહબાઝની ધરપકડ કરી લીધી હતી.
ઘટના શનિવાર (19 ઑક્ટોબર)ના રોજ રાત્રે બનવા પામી હતી. ભાગલપુરમાં આવેલા સન્હૌલા શિવ મંદિરમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી. મંદિરમાં બિરાજમાન ભગવાન રામ, લક્ષ્મણ, માતા સીતા, રાધા-કૃષ્ણ અને માતા દુર્ગાની મૂર્તિઓ તોડી પાડી હતી. જે બાદ ઘટનાની જાણ થતાં જ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને હજારોનું ટોળું લાકડી-દંડા લઈને રસ્તા પર ઉતરી આવ્યું હતું.
बीती रात्रि सन्हौला थाना क्षेत्र की घटना के संबंध में अपडेट …..@bihar_police@dmbhagalpur#BhagalpurPolice #BiharPolice #bhagalpur #HainTaiyarHum #silkcitybhagalpur pic.twitter.com/MwoFA4JKEn
— Bhagalpur Police (@PoliceBhagalpur) October 20, 2024
લોકોએ પોલીસ સ્ટેશનનો પણ ઘેરાવો કરી લીધો હતો અને ઝડપી કાર્યવાહીની માંગણી કરી હતી. આ ઉપરાંત લોકોએ અનેક રસ્તાઓ પણ જામ કરી દીધા હતા. સન્હૌલાથી ઝારખંડને જોડતા મુખ્ય માર્ગને પણ લોકોએ બ્લોક કરી દીધો હતો. સ્થાનિક લોકોએ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટેની માંગણી કરી હતી અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે પોલીસ ફોર્સ તહેનાત કરી દેવામાં આવી હતી. હાલ પણ વિસ્તારમાં તણાવ હોવાનું સામે આવ્યું છે. જોકે, આસપાસના જિલ્લામાંથી પોલીસની ટીમોને બોલાવીને વિસ્તારમાં ખડકી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના બાદ ભાગલપુર પોલીસે કાર્યવાહી તેજ કરી હતી અને એક આરોપીની ધરપકડ કરી હતી. માહિતી અનુસાર, આરોપીની ઓળખ મોહમ્મદ શાહબાઝ તરીકે થઈ છે. આ ઉપરાંત પોલીસ તેને ‘માનસિક રીતે બીમાર’ ગણાવી રહી છે. જોકે, હજુ સુધી અન્ય આરોપીઓની ધરપકડ થઈ શકી નથી. પોલીસે જણાવ્યું છે કે, હાલ પણ આ કેસને લઈને તપાસ ચાલી રહી છે અને અન્ય સંકળાયેલા આરોપીઓને પણ જલ્દીથી ઝડપી પાડવામાં આવશે. પોલીસે આ મામલે વિવિધ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી અને માહિતીના આધારે એક આરોપીની ધરપડક કરી હતી. હાલ વધુ તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.