Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશથરાદ-અમદાવાદ વચ્ચે 6 લેન હાઇ-વે, અયોધ્યામાં 4 લેન રિંગ રોડ: દેશમાં નવા...

    થરાદ-અમદાવાદ વચ્ચે 6 લેન હાઇ-વે, અયોધ્યામાં 4 લેન રિંગ રોડ: દેશમાં નવા 8 હાઇ-વે પ્રોજેક્ટ માટે મોદી સરકારની મંજૂરી, કુલ ₹50 હજાર કરોડનો થશે ખર્ચ

    આ હાઈસ્પીડ કોરિડોરની કુલ લંબાઈ 936 કિમી હશે. તેને બનાવવામાં ₹50,655 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. સરકારનો દાવો છે કે આ માર્ગ પ્રોજેક્ટ્સ 4.42 કરોડ દિવસ સમકક્ષ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પણ ઉભા થશે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની કેબિનેટ સમિતિએ શુક્રવારે આઠ નેશનલ હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી, જેનો કુલ ખર્ચ અંદાજે ₹50,655 કરોડ હશે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બાબતની માહિતી આપી. ત્યારબાદ પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “મંત્રીમંડળે ₹50,000 કરોડથી વધુના ખર્ચે 8 નેશનલ હાઈસ્પીડ રોડ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આનાથી દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે અને રોજગારની નવી તકો ઉભી થશે. આ નિર્ણય ભારતને ભવિષ્ય માટે તૈયાર કરવા અને દેશને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે.”

    આ મામલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં કહ્યું હતું કે, “140 કરોડ દેશવાસીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઐતિહાસિક જનાદેશ આપ્યો છે. આજે દેશભરમાં 8 મોટા નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. આ લગભગ 50 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓ છે, જેને વિઝન 2047ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.”

    તેમણે કહ્યું કે, “અયોધ્યાના સર્વાંગી વિકાસ માટે મેજર રિંગ રોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. ગુવાહાટી શહેર માટે રિંગરોડને પુણે માટે હાઇવે માટે મંજૂરી આપવામાં આવી છે. પઠાલ ગામથી ગુમલા સુધી રાયપુર અને રાંચી માટે એક કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત આ હાઇવે પ્રોજેક્ટ્સમાં થરાદથી અમદાવાદ ગુજરાતમાંથી પસાર થતા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસને જોડતો હાઇવે અને રાજસ્થાનના હાઇવેનો પણ સમાવેશ થાય છે. ખડગપુરથી મુર્શિદાબાદ સુધી 4 લેનનો હાઇવે બનાવવામાં આવશે. આ ઉપરાંત આગ્રાથી ગ્વાલિયરને જોડતો હાઇવે અને કાનપુરની આસપાસનો 6 લેન રિંગ રોડ પણ તેમાં સામેલ છે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે જે પરિયોજનાઓને મંત્રીમંડળની મંજૂરી મળી છે તેમાં આગ્રા-ગ્વાલિયર નેશનલ હાઈ-સ્પીડ કોરિડોરને છ માર્ગીય બનાવવો, ખડગપુર-મોરગ્રામ નેશનલ હાઈ-સ્પીડ કોરિડોરને ચાર માર્ગીય બનાવવો અને થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ કોરિડોરને 6 લેન બનાવવો સામેલ છે. સરકારના વિઝન મુજબ આ પ્રોજેક્ટથી યાતાયાતમાં તો ફાયદો થશે જ, સાથે-સાથે રોજગારની નવી તકો પણ ઉભી થશે.

    શું છે પ્રોજેક્ટની વિગતે માહિતી? શું હશે તેના ફાયદા?

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટીએ શુક્રવારે આ 8 કોરિડોરના નિર્માણકાર્યને મંજૂરી આપી દીધી છે. આ હાઈસ્પીડ કોરિડોરની કુલ લંબાઈ 936 કિમી હશે. તેને બનાવવામાં ₹50,655 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. સરકારનો દાવો છે કે આ માર્ગ પ્રોજેક્ટ્સ 4.42 કરોડ દિવસ સમકક્ષ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પણ ઉભા થશે.

    થરાદ-ડિસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ કોરીડોર

    આ પ્રોજેક્ટ કૂલ 214 કિલોમીટર લાંબો છે. આ પ્રોજેક્ટમાં ₹10,534 કરોડના ખર્ચે 6 લેન હાઈવે બનાવવામાં આવશે. આ હાઇવે બનતાંની સાથે જ તેને અમૃતસર જામનગર કોરિડોર અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે સાથે લિંક કરી દેવામાં આવશે. આ હાઈસ્પીડ રોડ પ્રોજેક્ટથી ગુજરાતની પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર વચ્ચે કનેક્ટિવિટી મજબૂત થશે અને થરાદથી અમદાવાદ વચ્ચેના અંતરમાં 20% ઘટાડો આવશે. આ ઘટાડાથી સમય અને ઇંધણ બંનેની બચત થશે. અન્ય રાજ્યો વચ્ચે વધેલી કનેક્ટિવિટીના કારણે વ્યાપાર પણ વધશે.

    અગ્રા-ગ્વાલિયર નેશનલ હાઈસ્પીડ કોરિડોર

    આ 88 કિલોમીટર લાંબો એક્સેસ કંટ્રોલ ગ્રીનફિલ્ડ કોરિડોર 6 લેનનો હશે. તેને બિલ્ટ ઓપરેટ ટ્રાન્સફર મોડલ (BOT Model) પર બનાવવામાં આવશે. આ હાઈવેના નિર્માણનો અંદાજિત ખર્ચ ₹4,613 કરોડ રાખવામાં આવ્યો છે. શ્રીનગરથી કન્યાકુમારી હાઈવે પર આ બંને શહેરો વચ્ચે બનેલા નેશનલ હાઈવે પર હાલ ભારે ટ્રાફિક જોવા મળે છે. આ નવા પ્રોજેક્ટથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી જશે. આગ્રા અને ગ્વાલિયર વચ્ચેનું અંતર લગભગ 7 ટકા અને મુસાફરીના સમયમાં લગભગ 50 ટકાનો ઘટાડો થશે.

    ખડગપુર-મોરેગ્રામ નેશનલ હાઈ સ્પીડ કોરીડોર

    આ 231 કિલોમીટર 4 લેન એક્સેસ કંટ્રોલ કોરિડોર ₹10,247 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ સાથે ખડગપુરથી મોરેગ્રામ હાઇવેની ક્ષમતા 5 ગણી વધી જશે. આ હાઈસ્પીડ કોરિડોરથી પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત થશે. અત્યારે આ અંતર કાપવામાં 9થી 10 કલાકનો સમય લાગે છે. આ હાઈવે બન્યા બાદ આ સમય ઘટીને માત્ર 3થી 5 કલાકનો થઈ જશે.

    અયોધ્યા રિંગ રોડ

    જાહેર થયેલી પરિયોજનામાં અયોધ્યા માટે પણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની ઘોષણા કરવામાં આવી છે. અહીં અંદાજે ₹3,935 કરોડના ખર્ચે 68 કિલોમીટરનો આ 4 લેનનો એક્સેસ કંટ્રોલ રિંગ રોડ બનાવવામાં આવશે. તે ભગવાન શ્રીરામની નગરીને અનેક રાજમાર્ગો સાથે જોડશે. આ કોરિડોર રામ મંદિર દર્શન કરવા આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે વરદાનરૂપ સાબિત થશે. તે લખનૌ અને અયોધ્યાના એરપોર્ટ અને રેલવે સ્ટેશનોને પણ કનેક્ટિવિટી આપશે.

    રાયપુર-રાંચી નેશનલ હાઈસ્પીડ કોરિડોર

    આ 4-લેન એક્સેસ કંટ્રોલ કોરિડોર 137 કિમીનો હશે. તેને અંદાજે ₹4,473 કરોડના ખર્ચે પાથલગાંવથી ગુમલા વચ્ચે બનાવવામાં આવશે. આ કોરિડોર માઇનિંગ અને ઉત્પાદન ક્ષેત્રો વચ્ચે જોડાણ પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ ભાગ ભજવશે. કોરિડોર બન્યા બાદ તે આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.

    કાનપુર રિંગરોડ

    આ 47 કિલોમીટર 6 લેનના એક્સેસ કંટ્રોલ રિંગ રોડને ₹3,298 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. આ કોરિડોર પૂર્વના ઔદ્યોગિક શહેર કાનપુરને વર્તમાનન ટ્રાફિકની પળોજણમાંથી મુક્ત કરશે. તે કાનપુરને અનેક એક્સપ્રેસ વે અને હાઇવેને પણ જોડશે. તેનાથી ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ વચ્ચે પરિવહન પણ ઝડપી બનશે.

    ગુવાહાટી બાયપાસ અને રિંગરોડ

    121 કિલોમીટર લાંબા આ 4 લેન એક્સેસ કંટ્રોલ પ્રોજેક્ટને ₹5,729 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. પ્રોજેક્ટ અંતર્ગત બ્રહ્મપુત્રા નદી પર નવો પુલ પણ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્વોત્તર રાજ્યો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

    નાસિક-પૂણે કોરિડોર

    પુણેના નાસિક ફાટા અને ખેડ વચ્ચે 30 કિલોમીટર લાંબો 8 લેનનો એલિવેટેડ હાઇ સ્પીડ કોરિડોર ₹7,827 કરોડના ખર્ચથી બનાવવામાં આવશે. આ રસ્તો આ બંને શહેરો વચ્ચે આવતા ઔદ્યોગિક કેન્દ્રોને જોડશે. આ સાથે જ પિંપરી ચિંચવાડ નજીક થતા અત્યંત ટ્રાફિક જામનો પણ અંત લાવશે.

    ઉલ્લેખનીય છે કે આ તમામ હાઈવે બન્યા બાદ તે દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવળી સરકાર વિઝન 2047ને ધ્યાનમાં રાખીને આ પરિયોજના લાવવામાં આવી છે. આનાથી દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે અને રોજગારની નવી તકો ઉભી થશે. આ નિર્ણય ભારતને ભવિષ્ય માટે તૈયાર કરવા અને દેશને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં