Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની, નવા ભારતના જયઘોષની…': ચંદ્રયાનના સફળ લેન્ડિંગ બાદ...

    ‘આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની, નવા ભારતના જયઘોષની…’: ચંદ્રયાનના સફળ લેન્ડિંગ બાદ PM મોદીએ કહ્યું- ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા પ્રેરિત કરશે આજનો દિવસ

    આવી ઐતિહાસિક ઘટનાઓ રાષ્ટ્રજીવનની ચિરંજીવ ચેતના બની જાય છે. આ પળ અવિસ્મરણીય છે. આ ક્ષણ અભૂતપૂર્વ છે- વડાપ્રધાન

    - Advertisement -

    ભારતે અંતરિક્ષ ક્ષેત્રમાં આજે ઈતિહાસ રચી દીધો છે. ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલું ચંદ્રયાન-3 (Chandrayaan-3) સફળતાપૂર્વક ચંદ્ર પર લેન્ડ થઇ ચૂક્યું છે. આ સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જનારો પહેલો દેશ ભારત બન્યો છે. વિક્રમ લેન્ડર આજે ચંદ્રના સાઉથ પોલ પર ઉતર્યું હતું, જ્યાં આજ સુધી એક પણ દેશ પહોંચી નથી શક્યો. ISRO દ્વારા આજે ચંદ્રયાન-3ના લેન્ડિંગ પ્રક્રિયાનું લાઈવ સ્ટ્રીમીંગ કરવામાં આવ્યું હતું. સફળ લેન્ડિંગ થયા બાદ વડાપ્રધાન મોદીએ દેશને શુભેચ્છા પાઠવી હતી.

    વડાપ્રધાન મોદીએ લેન્ડરના સફળ લેન્ડિંગ પર દેશને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, “જ્યારે આપણે ઈતિહાસ રચાતા જોઈએ છીએ, ત્યારે જીવન ધન્ય થઈ જતું હોય છે. આવી ઐતિહાસિક ઘટનાઓ રાષ્ટ્રજીવનની ચિરંજીવ ચેતના બની જાય છે. આ પળ અવિસ્મરણીય છે. આ ક્ષણ અભૂતપૂર્વ છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે. આ ક્ષણ મુશ્કેલીઓના મહાસાગરને પાર કરવાની છે. આ ક્ષણ જીતના ચંદ્રપથ પર ચાલવાની છે. આ ક્ષણ 140 ધડકનોના સામર્થ્યની છે. આ ક્ષણ ભારતમાં નવી ઉર્જા, નવા વિશ્વાસ અને નવી ચેતનાની છે. આ ક્ષણ ભારતના ઉદયમાનના આહવાનની છે.” 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, “હું હાલ બ્રિકસ સમિટ માટે દક્ષિણ આફ્રિકામાં છું. પરંતુ મારો જીવ સતત ચંદ્રયાન-3માં હતો. હું ચંદ્રયાન-3 માટે ISROના વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાથે જ આ અદ્ભુત ક્ષણ માટે દેશની 140 કરોડ જનતાને પણ શુભેચ્છા પાઠવું છું.” પોતાના આ શુભેચ્છા સંદેશમાં વડાપ્રધાને જણાવ્યું કે, “ભારત ચંદ્રમાના એ દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યો છે, જ્યાં દુનિયાનો કોઈ પણ દેશ હજુ સુધી નથી પહોંચી શક્યો. હવે ચંદ્રમાને લઈને લોકોની મિથ્યા બદલાઈ જશે. એક સમયે કહેવામાં આવતું હતું કે ચાંદા મામા દૂર છે, પણ હવે બાળકો કહેશે કે ચાંદા મામા ખાલી એક ટૂરના છે.”

    - Advertisement -

    વડાપ્રધાને કહ્યું કે, “ચંદ્રયાન મહાઅભિયાનની આ ઉપ્લબ્ધિ ભારતની ઉડાનને ચંદ્રમાની કક્ષાઓથી આગળ લઇ જશે. આપણે આપણી સૌરમંડળની સીમાઓનું સામર્થ્ય પારખીશું અને માનવ માટે બ્રહ્માંડની અનેક સંભાવનાઓને સાકાર કરવા માટે પણ જરૂર કામ કરીશું. અમે ભવિષ્ય માટે અનેક મોટા અને મહત્વકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યા છે. જલ્દીથી જ સૂર્યના વિસ્તૃત અધ્યયન માટે ઈસરો આદિત્ય L-1 મિશન લૉન્ચ કરવા જઈ રહ્યું છે. શુક્ર પણ ઈસરોના મિશનોમાં સામેલ છે. ગગનયાન દ્વારા દેશ પહેલા હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશન માટે પણ તૈયારીઓ સાથે લાગેલો છે.” 

    તેમણે ઉમેર્યું કે, “ભારત વારંવાર એ સાબિત કરી રહ્યો છે કે ‘સ્કાય ઇઝ નોટ ધ લિમિટ. વિજ્ઞાન અને ટેક્નોલોજી દેશના ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે. આજના દિવસને હંમેશા માટે યાદ  રાખશે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા પ્રેરિત કરશે અને સંકલ્પોની સિદ્ધિ સુધી પહોંચવાનો રસ્તો દેખાડશે. આ મિશન એ વાતનું પ્રતીક છે કે હાર પરથી શીખ લઈને જીત કઈ રીતે મેળવી શકાય છે.” 

    ઉલ્લેખનીય છે કે જુલાઈના મધ્યભાગમાં મોકલવામાં આવેલું યાન 40 દિવસની યાત્રા પૂર્ણ કરીને બુધવારે (23 ઓગસ્ટ, 2023) સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. મિશન ચંદ્રયાન-3 સફળ થયો છે. આ સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જનારો પહેલો દેશ ભારત બન્યો છે. વિક્રમ લેન્ડર આજે ચંદ્રના સાઉથ પોલ પર ઉતર્યું હતું, જ્યાં આજ સુધી એક પણ દેશ પહોંચી શક્યો ન હતો. આજે 6 કલાકને ચાર મિનિટે ભારતે ત્યાં સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને આમ કરનારા પ્રથમ દેશ તરીકે નામ અંકિત કર્યું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં