નવસારીના ખેરગામની એક હિંદુ તરૂણી પર મુસ્લિમ યુવકે અવારનવાર દુષ્કર્મ ગુજારી ઇસ્લામ કબૂલ કરવા માટે દબાણ કરવાનો મામલો સામે આવ્યો છે. આરોપીની ઓળખ અસીમ નિઝામ શેખ તરીકે થઇ છે. તેમજ તે પરણિત હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ પીડિતા સગીર હતી ત્યારે ફસાવી હતી અને ચારેક વર્ષ સુધી ભોગવતો રહ્યો હતો. બીજી તરફ આરોપી માથાભારે હોવાની છાપ ધરાવતો હોય પીડિતા સહન કરતી રહી હતી.
મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં રહેતી તરૂણી જયારે સગીર વયની હતી તે સમયે તેના જ ગામમાં રહેતા અને પહેલેથી પરણિત અસીમ નિઝામ શેખ નામના વ્યક્તિએ કોઈ રીતે તેનો નંબર મેળવી લીધો હતો. નંબર મેળવ્યા બાદ અસીમ અવાર નવાર પીડિતાએ ફોન કરીને હેરાન કરતો હતો. જ્યારે પીડિતા શાળાએ જતી તે સમયે પણ આરોપી બાઈક પર આવીને સતામણી કરતો હતો. તેમજ બજારમાંથી પણ પસાર થતી વખતે તેનો પીછો કરી પરેશાન કરતો હતો.
ઇસ્લામ કબૂલ કરવા માટે ધમકી આપતો
થોડા સમય બાદ પીડિતા વધુ અભ્યાસ કરવા વડોદરા ગઈ હતી તો અસીમ ત્યાં પણ પહોંચી ગયો અને આરોપ છે કે પીડિતાને પોતાના મિત્રના ત્યાં જવાનું કહીને એક હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક શારીરિક સબંધો બાંધ્યા હતા. અસીમ આટલે જ ન અટક્યો અને તેણે પીડિતાના આપત્તિજનક ફોટા પાડી વિડીયો બનાવી લીધા હતા. ફરિયાદ અનુસાર, આરોપી પીડિતાને કહેતો કે તારે ઇસ્લામ કબૂલ કરવો જ પડશે નહીં તો અંગતપળોના ફોટા-વિડીયો વાયરલ કરી દઈશ તેવી ધમકીઓ આપી હતી.
સમય જતાં આરોપી અસીમ શેખનો ત્રાસ એ હદે વધી ગયો કે અંતે પીડિતાને પોતાનો અભ્યાસ અધુરો જ મૂકી દેવો પડ્યો. પીડિતે જણાવ્યા અનુસાર અસીમ અરબી ભાષામાં કશું બોલતો અને કહેતો કે તે હવે તેની બેગમ બની ગઈ છે. તેણે પીડિતાને સબંધ ન જાળવી રાખે તો આપઘાત કરી લેવાની પણ ધમકીઓ આપી હતી તેમજ જો તે શરીર સબંધ બાંધવા ના પાડે તો ગાળો દઈને શરીરે બચકાં ભરીને જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપતો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે.
લગ્ન નક્કી થતાં ફોટા-વિડીયો મોકલીને તોડાવી નાંખ્યાં હતાં
આ દરમિયાન પીડિતાના પરિવારે તેનાં લગ્ન નક્કી કરી દીધાં. જેની જાણ અસીમને થતાં તેણે પીડિતાના આપત્તિજનક ફોટા અને વિડીયો તેના મંગેતરને મોકલી દેતાં ઘરસંસાર મંડાય તે પહેલાં જ તેનાં લગ્ન તૂટી ગયાં હતાં. સગાઇ તોડાવી નાંખ્યા બાદ પોતે પહેલેથી પરણિત હોવા છતાં હિંદુ તરૂણી સાથે પરણવા માટે અસીમે ષડ્યંત્ર રચ્યું અને તેને જણાવ્યું હતું કે તે લગ્ન માટે તૈયાર છે પરંતુ કોમ જુદી હોવાના કારણે માથાકૂટ થશે. જેથી તે પહેલાં તેના હિંદુ મિત્ર સાથે લગ્ન કરી લે અને થોડા દિવસ પછી છૂટાછેડા કરીને તે પોતે તેની સાથે પરણી જશે. ત્યારબાદ અસીમે એક મંદિરમાં પીડિતાનાં તેના હિંદુ મિત્ર સાથે લગ્ન કરાવ્યાં અને પછીથી છૂટાછેડા કરાવી દીધા હતા.
જોકે આટઆટલું થવા છતાં અસીમ શેખે પીડિતાને હેરાન કરવાનું ચાલુ જ રાખ્યું હતું. અસીમ શેખે તરૂણી અને તેના પરિવારને સતત ધાકધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું. જે બાદ પીડિતાએ ત્રાસીને ખેરગામ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે અસીમ નિઝામ શેખ અને તેના મિત્ર વિરુદ્ધ પોક્સો સહિત અન્ય કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ આખી ઘટનામાં પીડિતની માંગ છે કે અસીમે તેની જેમ અન્ય યુવતીઓને પણ આ રીતે ફસાવી છે, જેની તપાસ કરીને તેને ન્યાય આપવામાં આવે. તો બીજી તરફ ખેરગામની તરૂણી બળાત્કાર અને ધર્માંતરણ કરવા દબાણનો શિકાર બન્યા બાદ સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.