ગાંધીનગરના ધોળાકુવા ખાતે આવેલી બાંધકામની સાઈટ પરથી સગીર વયની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક સગીરા આ સાઈટ પર જ કામ કરતા પરપ્રાંતીય શ્રમિકની બહેન હતી, જેને મોહમ્મદ હસન નામનો મુસ્લિમ યુવક લગભગ એક મહિના પહેલા ફોસલાવીને ભગાવી ગયો હતો. મૃતક સગીરા અહીં પોતાના ભાઈ ભાભી સાથે રહેતી હતી અને તે ‘થોડીવારમાં આવું છું’ કહીને ઘરેથી ગાયબ થઇ ગઈ હતી. ત્યારે હવે મોહમ્મદ હસન જે હિંદુ સગીરાને ઉપાડી ગયો હતો તેની લાશ ગાંધીનગરના ધોળાકુવાથી મળી આવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ધોળાકુવા ખાતે બોગનવેલી નામની કન્સ્ટ્રકશન સાઈટ પર છેલ્લા 6 મહિનાથી ઉત્તર પ્રદેશનો હિંદુ પરિવાર મજુરી કામ કરે છે. તેવામાં ગત 28 મેના રોજ મૃતક સગીરા ઘરે ‘થોડીવારમાં આવું છું’ કહીને ક્યાંક ચાલી ગઈ હતી. તપાસ કરતા ત્યાં જ મજુરીકામ કરતો મોહમ્મદ હસન પોતાની 17 વર્ષીય સગીર બહેનને ફોસલાવીને ભગાડી ગયો હોવાનું પરિવારના મોભીને ખબર પડી હતી. જે બાદ યુવકે મોહમ્મદ હસનને અનેક ફોન કર્યા, પરંતુ હસને તેમનો એક પણ ફોન ઉપાડ્યા વગર સગીરાના ભાઈનો નંબર બ્લોક કરી દીધો.
એક મહિના બાદ સાઈટ પરથી મળ્યો સગીરાનો મૃતદેહ
આ ઘટના બાદ સગીરાના ભાઈ તેમજ અન્ય કુટુંબીઓએ ગાંધીનગરથી માંડીને છેક બિહાર સુધી બંનેની શોધખોળ કરી હતી, પરંતુ બંનેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. તેવામાં ગત રવિવારે રાતના 10 વાગ્યા આસપાસ મોહમ્મદ હસન જે હિંદુ સગીરાને ઉપાડી ગયો હતો તેની લાશ ગાંધીનગરના ધોળાકુવાથી મળી આવતા સગીરાના ભાઈ પર બોગનવેલી સાઈટના કોન્ટ્રકટરનો ફોન આવ્યો હતો. કોન્ટ્રાક્ટરે તેને તાત્કાલીક બોગનવેલી આવવા જણાવ્યું હતું. યુવક જયારે ત્યાં પહોંચ્યો, ત્યારે તેણે એક ઓરડીમાં પોતાની બહેનને મૃત હાલતમાં જોઈ હતી.
ડઘાઈ ગયેલા શ્રમિકે જયારે આ વિશે અન્ય મજૂરોને પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે મહોમ્મદ હસન શનિવારે રાત્રે સગીરાને અહીં મુકીને ભાગી ગયો હતો. મૃતક સગીરાના હાથમાં બોટલ ચઢાવવાની સોઈ પણ લાગેલી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જયારે મોહમ્મદ હસન વિરુદ્ધ અપહરણ તથા પોક્સો (POCSO) સહિતના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.