સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક અરજી પર સુનાવણી કરતી વખતે કહ્યું કે માત્ર ગાળો દીધી હોય કે અપશબ્દો કહ્યા હોય તેનાથી SC/ST એક્ટ હેઠળ કાર્યવાહી ન થઈ શકે અને આ એક્ટ હેઠળ કેસ ચલાવવા માટે જાતિસૂચક અપમાનનો એન્ગલ હોવો અનિવાર્ય છે.
જસ્ટિસ જે. બી પારડીવાલા અને જસ્ટિસ આલોક આરાધેની બેન્ચે 12 જાન્યુઆરીએ આ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટ બિહારના એક કેશવ કુમાર મહતોની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેની ઉપર એક SC સમુદાયની વ્યક્તિને ગાળો ભાંડવા બદલ SC/ST એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ટ્રાયલ કોર્ટે મોકલેલા સમન્સ વિરુદ્ધ મહતોએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, પરંતુ ત્યાંથી રાહત ન મળતાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
કેસની વિગતો
ઘટના બિહારના એક ગામની છે. FIRમાં જણાવવામાં આવ્યું કે અહીં એક આંગણવાડીએ બે મિત્રો બેઠા હતા ત્યાં કેશવ અને અન્ય અમુક વ્યક્તિઓએ આવીને ગાળો ભાંડવાની શરૂ કરી દીધી હતી. આરોપ એવો પણ લગાવવામાં આવ્યો કે ફરિયાદીને તેની જાતિ પરથી પણ ગાળો આપવામાં આવી હતી.
આખરે SC/ST એક્ટ હેઠળ FIR દાખલ કરવામાં આવી. ત્યારબાદ પોલીસે ચાર્જશીટ રજૂ કરી. ચાર્જશીટનું સંખ્યા લઈને કોર્ટે આરોપીઓને સમન્સ મોકલ્યાં હતાં. ત્યારબાદ આરોપીઓએ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા, પણ ત્યાંથી પણ રાહત ન મળતાં આખરે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
સુપ્રીમ કોર્ટ સમક્ષ રાજ્ય સરકારે જણાવ્યું કે કેશવ જે-તે સમયે અન્ય આરોપીઓ સાથે ત્યાં હતો તે હકીકત સિવાય તેનું અન્ય કોઈ સ્પષ્ટ કૃત્ય સામે આવ્યું નથી. જેની ઉપરથી કોર્ટે તારણ કાઢ્યું કે એ બાબત પ્રોસિક્યુશન પણ સ્વીકારે છે કે કેશવે જે-તે સમયે કોઈ ટિપ્પણીઓ કરી ન હતી. ત્યારબાદ કોર્ટે અમુક અગત્યની બાબતો નોંધી.
કોર્ટે શું કહ્યું?
કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ SC/ST સમુદાયમાંથી હોય તેટલા માત્રથી કાયદાની કલમો લગાવી શકાય નહીં અને કાર્યવાહી માટે જે-તે સમુદાયની વ્યક્તિને અપમાન કરતું, ધાકધમકી આપતું કૃત્ય બન્યું હોવું જરૂરી છે.
કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી કે કોઈ SC/ST સમુદાયની વ્યક્તિને માત્ર અપશબ્દો કહ્યા હોય કે અપમાન કર્યું હોય તેનાથી માત્ર આ કાયદો લાગુ નહીં થઈ જાય. એટલું જ નહીં, માત્ર જાતિનું નામ લીધું હોય તેનાથી પણ કાર્યવાહી ન કરી શકાય. એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે એ જરૂરી છે કે આરોપી SC/ST સમુદાયની વ્યક્તિને તેની જાતિના નામ સાથે, જાહેરમાં અપમાનિત કરે, ગાળો ભાંડે કે અપશબ્દો કહે. જેથી આરોપોમાં એ સ્પષ્ટ હોવું જોઈએ કે અપશબ્દો જાતિના નામ સાથે, જાતિના કારણે અપમાનિત કરવા માટે કહેવામાં આવ્યા હતા.
કોર્ટે આ વિગતો અને ટિપ્પણીઓ ટાંકીને કહ્યું કે આ ઘટનામાં આરોપીઓએ જે-તે ફરિયાદીઓને તેમની જાતિના કારણે અપમાનિત કર્યા હોય કે ગાળો ભાંડી હોય તેવી કોઈ વિગતો આપવામાં આવી નથી. ન તો FIRમાં કે ન ચાર્જશીટમાં જાતિસૂચક અપમાન વિશે જણાવવામાં આવ્યું છે. જેથી FIRમાં લગાવવામાં આવેલા આરોપોને ફેસ વેલ્યૂએ સાચા પણ માની લેવામાં આવે તો આ કેસ SC/ST એક્ટનો નથી એ નક્કી છે.
જોકે કોર્ટે એમ પણ કહ્યું કે આ કેસમાં IPC હેઠળ પણ કાર્યવાહી થઈ શકે તેમ નથી અને અરજદારની હાજરી માત્રથી તેની સામે કેસ ચલાવી શકાય નહીં.
આખરે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટનો આદેશ બાજુ પર મૂકીને ટ્રાયલ કોર્ટના સમન્સ પણ રદ કરી દીધા હતા અને કેશવ સામે ચાલતા કેસ પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
ઉલ્લેખનીય છે કે SC/ST એક્ટ વિશે આ સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટ અગાઉ પણ અનેક વખત કરી ચૂકી છે.


