સામાન્ય નાગરિકોને આશરે 2 મહિનાથી મણિપુરમાં ચાલી રહેલા હિંસા અને રમખાણોનો સામનો કરવો પડી રહ્યો છે. જે વિવાદ વાતચીત દ્વારા પણ શાંત થઈ શકતો હોવાનું માનવામાં આવી રહ્યું છે પરંતુ વાતચીત માટે કોઈ તૈયાર જ નથી થતું. તાજેતરમાં એક ભયાનક વિડીયો સામે આવ્યો છે, જેમાં 2 કુકી મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવતા દોડાવાઈ હતી. ઘણા લોકો મહિલાઓ સાથે રસ્તા પર ચાલતા જોવા મળે છે. મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાઓ સાથે સામુહિક બળાત્કાર પણ કરવામાં આવ્યો છે. આ આરોપ એક આદિવાસી સંગઠને લગાવ્યો હતો. આ ઘટના કાંગપોકપી જિલ્લાની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જો કે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આ વિડીયો ભલે અત્યારે સામે આવ્યો હોય પરંતુ તે 4 મે 2023નો છે એટલે કે આશરે અઢી મહિના પહેલાનો છે. આ ઘટના રાજ્યની રાજધાની ઈમ્ફાલથી 35 કિલોમીટરના અંતરે બની હતી. ‘ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ’ (ITLF) એ આ માહિતી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના પહેલા મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ભારે સંઘર્ષ અને હિંસા થઈ હતી. કુકી સંગઠન ITLFનું કહેવું છે કે આ બંને પીડિતાઓ કુકી સમુદાયની હતી.
નોંધનીય છે કે, ઘણા લોકો તેને તાજેતરના વિડિયો તરીકે રજૂ કરી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે મણિપુરમાં સ્થિતિ હજુ પણ એવી જ છે. સંગઠને દાવો કર્યો છે કે બે કુકી મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ખુલ્લેઆમ પરેડ કરાવી દોડાવાઈ હતી અને મૈતેઈ સમુદાયના ટોળાએ તેમને ડાંગરના ખેતરમાં લઈ જઈને સામૂહિક બળાત્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વિડીયોમાં મહિલા રડતી અને મદદ માંગતી જોઈ શકાય છે. કુકી અને મૈતેઈ સમુદાયના ઘર્ષણમાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
https://t.co/NYvMNMTHgu
— India Today NE (@IndiaTodayNE) July 19, 2023
The Indigenous Tribal Leaders’ Forum has condemned the molestation of two Kuki-Zo tribal women in Manipur.#Manipur #kukis #molestation
NCW પાસે કાર્યવાહીની અપેક્ષા
હવે ‘નેશનલ કમિશન ફોર વુમન’ (NCW) પાસે આ મામલે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. ત્રિપુરાની રાજકીય પાર્ટી ટીએમપીના ચીફ પ્રદ્યોત બિક્રમે કહ્યું કે બે સમુદાયો વચ્ચે ખૂબ જ કડવાશ છે અને મહિલાઓના આવા વિડીયો સામે આવે તે નિંદનીય છે. તેમણે કહ્યું કે મણિપુરમાં આખરે દ્વેષની જીત થઈ છે. ઘટના બી ફૈનોમ ગામની જણાવવામાં આવી રહી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ મહિલાઓ સાથે લોકોની સામે જ મારપીટ પણ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટની કઠોર ટિપ્પણી
આજે સુપ્રીમ કોર્ટે આ બાબતે કહ્યું હતું કે, મણિપુરમાં 2 મહિલાઓને નગ્ન કરી દોડાવાઈ હતી તેનો વિડીયો સામે આવ્યો હતો જે ખરેખર નિંદનીય છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચુડે સરકારને કાર્યવાહી કાર્યવાહી કરવા કહ્યું છે. CJIએ કહ્યું કે, સાંપ્રદાયિક ઝઘડાઓના મામલામાં મહિલાઓને નુકસાન પહોંચાડવું તે અસ્વીકાર્ય છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, “મણિપુરની ઘટનાના વિડીયો અમે પણ જોયા છે તે બાબતે સરકાર કંઈ કાર્યવાહી નહીં કરે તો અમે કરીશું.” કેન્દ્ર અને મણિપુર સરકાર દ્વારા આરોપીઓ સામે કરેલ કાર્યવાહી સુપ્રીમ કોર્ટને પણ જાણ કરવા કહ્યું. સુપ્રીમ કોર્ટે આગલી સુનાવણી આવતા શુક્રવારે નક્કી કરી છે.