મણિપુરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે, તેને જોતાં રાજ્ય સરકારે બુધવારે (27 સપ્ટેમ્બર, 2023) આખા રાજ્યને ‘સશસ્ત્ર બળ વિશેષ અધિકાર અધિનિયમ (AFSPA)’ હેઠળ 6 મહિના માટે અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યું છે. જોકે, આ સ્થિતિ પાટનગર ઇન્ફાલ સહિત 19 પોલીસ મથકોના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતાં ક્ષેત્રોમાં લાગુ નહીં કરવામાં આવે. સરકારે આ નિર્ણય મૈતેઈ વિદ્યાર્થીઓની હત્યાને લઈને રાજ્યમાં ચાલતા તણાવને જોતાં લીધો છે.
રાજ્ય સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું કે, વિભિન્ન ચરમપંથીઓ અને વિદ્રોહી સમૂહોની હિંસક ગતિવિધિઓના કારણે આખા રાજ્યમાં પ્રશાસનની સહાયતા માટે સશસ્ત્ર બળોના ઉપયોગની જરૂર છે. આગળ કહેવામાં આવ્યું કે, આ સમય જમીની સ્તરે સ્થિતિનું વિસ્તૃત આકલન કરવું સુવિધાજનક નથી, કારણ કે સુરક્ષાબળો હાલ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધારવામાં લાગેલાં છે.
વાસ્તવમાં સરકારે શનિવારે (23 સપ્ટેમ્બર, 2023) જ રાજ્યમાં 5 મહિના માટે લાંબા સમયથી બંધ ઇન્ટરનેટ સેવાઓ બહાલ કરી હતી, પરંતુ ત્યારબાદ સોમવારે સોશિયલ મીડિયામાં લાંબા સમયથી લાપતા બે મૈતેઈ વિદ્યાર્થીઓની લાશોની તસવીરો વાયરલ થઈ ગઈ હતી. ત્યારબાદ મણિપુરમાં ફરીથી તણાવ સર્જાયો અને વિરોધ પ્રદર્શનોનો નવો દોર શરૂ થઈ ગયો.
પ્રદર્શનકારીઓએ સીએમ એન બિરેન સિંઘના નિવાસસ્થાન તરફ માર્ચ કરવાના પ્રયાસ કર્યા હતા, દરમ્યાન તેમને કાબૂમાં લેવા માટે મંગળવારે (26 સપ્ટેમ્બર 2023) પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેમાં 30થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થઈ ગયા. રાજ્યમાં અશાંતિ જોતાં સરકારે 1 ઓક્ટોબર સુધી પાંચ દિવસો માટે ઈન્ટરનેટ સેવાઓ પર રોક લગાવી દીધી. બુધવારથી 29 સપ્ટેમ્બર સુધી શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.
જે વિદ્યાર્થીઓની હત્યા થઈ તેમની ઓળખ ફિઝામ હેમજીત (20) અને હિજામ લિનથોઇનગાંબી (17) તરીકે થઈ છે. મુખ્યમંત્રીએ તેમની હત્યા માટે જવાબદાર તત્વો સામે કડકમાં કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. તેમજ મામલો સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો છે. જે માટે બુધવારે એજન્સી ડાયરેક્ટરની આગેવાનીમાં એક ટીમ મણિપુરની રાજધાની ઈમ્ફાલ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
આ મામલે મણિપુર પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 20 વર્ષીય યુવક અને 17 વર્ષીય કિશોરી 6 જુલાઇના રોજ ભાગી ગયાં હોય શકે. પરંતુ શક્યતા છે કે કુકી બહુમતી વિસ્તારમાં ફસાઈ ગયાં હતાં અને ત્યાં તેમનું અપહરણ કર્યા બાદ હત્યા કરી નાખવામાં આવી.