મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાહુલ નાર્વેકરની જીત થયા બાદ હવે આજે શિંદે-ફડણવીસ સરકાર ગૃહમાં બહુમત સાબિત કરવા માટે જઈ રહી છે. તે પહેલાં જ ઉદ્ધવ જૂથને વધુ એક ઝટકો મળ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાએ એકનાથ શિંદેને ગૃહમાં ધારાસભ્ય પક્ષના નેતા તરીકે માન્યતા આપી છે તેમજ ભરત ગોગાવાલેને ચીફ વ્હીપ તરીકેની માન્યતા આપવામાં આવી છે.
એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના ધારાસભ્યોએ બળવો કર્યા બાદ ઉદ્ધવ જૂથ તરફથી એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવી દેવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ અજય ચૌધરીને શિવસેનાના ધારાસભ્ય પક્ષના નેતા ઘોષિત કરી દીધા હતા. જેમની અરજી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝીરવાલે માન્ય પણ રાખી હતી. પરંતુ હવે શિંદેને ફરી નેતા ઉદ્ધવ જૂથને વધુ એક ઝટકો મળ્યો છે.
ગઈકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકરની ચૂંટણી થઇ હતી. જેમાં ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરને 164 મતો મળ્યા હતા, જ્યારે તેમની વિરુદ્ધમાં 107 મતો મળ્યા હતા. જીત માટે જરૂરી 145 મતોનો આંકડો પાર કરી લેતા રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
રાહુલ નાર્વેકર સ્પીકર પદે ચૂંટાયા બાદ ગઈકાલે જ તેમણે એકનાથ શિંદે અને ભરત ગોગાવાલેને અનુક્રમે ધારાસભ્ય પક્ષના નેતા અને ચીફ વ્હીપ તરીકેની માન્યતા આપી હતી. જેની સાથે જ હવે શિંદે જૂથ વ્હીપ જારી કરી શકશે. અને જો આદિત્ય ઠાકરે સહિત ઉદ્ધવ ઠાકરે જૂથના 16 ધારાસભ્યો તેમના સમર્થનમાં મતદાન નહીં કરે તો તેમની વિરુદ્ધ પગલાં પણ લેવાઈ શકે છે.
શિવસેનાના એકનાથ શિંદે જૂથના ચીફ વ્હીપ ભરત ગોગાવાલેએ વિધાનસભા સ્પીકરને અરજી કરીને વ્હીપના ઉલ્લંઘન બદલ પાર્ટીના 16 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ 16 ધારાસભ્યોને સસ્પેનશનની નોટીસ ફટકારવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
Maharashtra | Bharat Gogawale, Chief whip of Shiv Sena (Eknath Shinde faction) has given a petition to the Assembly Speaker for the suspension of 16 MLAs of the party for violation of whip. The 16 MLAs will be issued notice for suspension, confirms the Speaker's office.
— ANI (@ANI) July 4, 2022
બીજી તરફ, જાણવા મળ્યું છે કે, ફ્લોર ટેસ્ટ પહેલાં ઉદ્ધવ ઠાકરે જૂથના વધુ એક ધારાસભ્ય બળવાખોર બની ગયા છે. રિપોર્ટ અનુસાર, તેઓ શિંદે જૂથના સમર્થનમાં મતદાન કરી શકે છે. ઉદ્ધવ જૂથના ધારાસભ્યો પર હવે ડિસ-ક્વોલિફિકેશનની તલવાર લટકી રહી છે. બીજી તરફ, ફ્લોર ટેસ્ટ પહેલાં એનસીપી નેતા અને પૂર્વ ઉપ-મુખ્યમંત્રી અજિત પવારને વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા છે.