રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ કરવા બદલ જેલમાં ગયેલી મરાઠી અભિનેત્રી કેતકી ચિતળેને જામીન મળ્યા બાદ વધુ એક રાહત મળી છે. મુંબઈ પોલીસે બૉમ્બે હાઇકોર્ટને કહ્યું છે કે તેઓ બાકીની 21 FIR મામલે કેતકીની ધરપકડ કરશે નહીં. કેતકીને ગત સપ્તાહે જ કોર્ટે જામીન આપ્યા હતા.
[Post Aimed At Sharad Pawar]
— Live Law (@LiveLawIndia) June 27, 2022
Breaking : Maharashtra police tells #BombayHighCourt that it will not arrest Marathi Actor #KetakiChitale in over 21 FIRs pending against her. Chitale was recently granted bail in the 22nd FIR.
HC accepts statement. pic.twitter.com/p6A5KTdLU2
ગયા અઠવાડિયે થાણેની સેશન્સ કોર્ટે કેતકી ચિતળેને રાહત આપતા જામીન મંજૂર કર્યા હતા. તે પહેલાં પોલીસે કોર્ટમાં જવાબ દાખલ કરીને કહ્યું હતું કે તેઓ કેતકીના જામીનનો વિરોધ કરશે નહીં. જે બાદ કોર્ટે સોમવારે પોલીસે કોર્ટને કહ્યું હતું કે તેઓ બાકીની એફઆઈઆર મામલે પણ કેતકીની ધરપકડ કરશે નહીં. જે બાદ કોર્ટે કેસની આગલી સુનાવણી 12 જુલાઈ સુધી મોકૂફ રાખી હતી.
કેતકી ચિતળેની 14 મેના રોજ શરદ પવાર વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક પોસ્ટ શૅર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. કેતકીએ કથિત રીતે ફેસબુક પર એડવોકેટ નીતિન ભાવે દ્વારા લખાયેલી એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં ‘80 વર્ષીય વ્યક્તિ પવાર’ અંગે ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાદ થાણેના એક પોલીસ મથકે એનસીપીના કાર્યકર્તા દ્વારા FIR દાખલ કરવામાં આવી હતી.
કેતકી ચિતળે વિરુદ્ધ એક નહીં પરંતુ રાજ્યભરમાં કુલ 22 જેટલી એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાંથી મોટાભાગની NCP પાર્ટીના સભ્યો દ્વારા નોંધાવવામાં આવી હતી. ફરિયાદોમાં આરોપ લગાવવામાં આવ્યા હતા કે પોસ્ટ પવારનું અપમાન કરવા માટે અને બે સમૂહો વચ્ચે વૈમનસ્ય ફેલાવવા અને એનસીપી સભ્યોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કરવામાં આવી હતી.
કેતકીની ધરપકડ બાદ 27 મેના રોજ થાણેના લોકલ મેજિસ્ટ્રેટે કેતકીની જામીન અરજી પર સુનાવણી કરતા જામીન નામંજૂર કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, કેતકીએ ગંભીર ગુનો કર્યો છે અને જો તેને કાયદાનો કોઈ ડર રહેશે નહીં અને ભવિષ્યમાં આવી જ ભૂલ ફરીથી કરી શકે છે અને લોકોમાં તેનાથી ખોટો સંદેશ જશે. તેમજ કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપી હતી.
જોકે, 22 જૂને થાણેની સેશન્સ કોર્ટે કેતકીને જામીન આપી દીધા હતા. જામીનનો આદેશ આપતા કોર્ટે નોંધ્યું હતું કે પોલીસે કેતકીની ધરપકડ દરમિયાન જરૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યું ન હતું. કેતકીના વકીલે કોર્ટને કહ્યું હતું કે કાયદા અનુસાર ધરપકડ પહેલાં નોટીસ આપવી પડે છે, તે પણ કેતકીને આપવામાં આવી ન હતી. જે દલીલ કોર્ટે માન્ય રાખી હતી.
કોર્ટે કહ્યું હતું કે, “તપાસ પહેલેથી જ પૂર્ણ થઇ ગઈ છે, હવે તેને કસ્ટડીમાં રાખવાનો કોઈ અર્થ નથી.” જે બાદ કોર્ટે જામીન આપ્યા હતા. આ ઉપરાંત કોર્ટે એ પણ નોંધ્યું હતું કે જે પોલીસે અગાઉ કેતકીના જામીનનો વિરોધ કર્યો હતો, તેના જ તપાસ અધિકારીએ બાદમાં કેતકીને જામીન મળે તેમાં તેમને કોઈ વાંધો ન હોવાનું કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં બૉમ્બે હાઇકોર્ટે 21 જૂને (બુધવાર) 21 વર્ષીય નિખિલ ભામરેને જામીન આપ્યા હતા. નિખિલ ભામરેની કથિત રીતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ શરદ પવાર વિરુદ્ધ ટિપ્પણી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
તદુપરાંત, કોર્ટે ગોરેગાંવ અને ભોઈવાડા પોલીસ મથકે નોંધાયેલ અન્ય બે FIR મામલે નિખિલની ધરપકડ પર રોક લગાવી દીધી હતી. નિખિલ વિરુદ્ધ મહારાષ્ટ્રમાં છ જેટલી FIR દાખલ કરવામાં આવી હતી. જેમાંથી બે કેસમાં તેને પહેલેથી જ જામીન મળી ગયા છે, જ્યારે અન્ય બેમાં જામીન મળ્યા હતા. તેમજ બાકીના બેમાં ધરપકડ પર રોક લગાવવામાં આવી છે.