Wednesday, November 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહાવિકાસ અઘાડીને ઘેરવા BJP તૈયાર, રાજ્યમાં 30 માર્ચથી શરુ થશે વીર સાવરકર...

    મહાવિકાસ અઘાડીને ઘેરવા BJP તૈયાર, રાજ્યમાં 30 માર્ચથી શરુ થશે વીર સાવરકર ગૌરવ યાત્રા, એક કરોડ લોકો સામેલ થવાની શક્યતા

    ઉદ્યોગ મંત્રી અને શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના મંત્રી ઉદય સામંતે કહ્યું કે, આ યાત્રા સાવરકરના વિચારો વિશે જાગૃતિ ફેલાવશે. તેમણે એવો પણ દાવો કર્યો કે રાજ્ય સરકારે આ યાત્રાની જાહેરાત કર્યા બાદ જ ઠાકરે જૂથે કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાં વીર સાવરકરને લઈને રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં શિવસેનાના બંને જૂથ સાવરકરને મહાન ગણાવીને નિવેદનો આપી રહ્યા છે. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉદ્ધવ ઠાકરેના સીધા નિશાન પર આવી ગયા છે. ઉદ્ધવ ઠાકરેની કોંગ્રેસ પાર્ટી સાથેની મિત્રતા પર બીજેપી સતત સવાલો કરી રહી છે અને સાવરકરના અપમાન બદલ પૂર્વ સીએમને પાર્ટી સાથે સંબંધો તોડવા જણાવી રહી છે. હવે બીજેપીએ ‘વીર સાવરકર ગૌરવ યાત્રા’ની જાહેરાત કરીને મહાવિકાસ અઘાડીને ઘેરવાની યોજના તૈયાર કરી છે.

    ભાજપે મંગળવારે જાહેરાત કરી કે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના સાથે સંયુક્ત રીતે ‘વીર સાવરકર ગૌરવ યાત્રા’ શરુ કરવામાં આવશે. 30 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન 288 વિધાનસભા મતવિસ્તારોમાં આ યાત્રા નીકળશે અને સાવરકરના યોગદાનને લોકો સુધી પહોંચાડશે.

    યાત્રાની જાહેરાત કર્યા બાદ બીજેપીએ માત્ર એક જ દિવસમાં યોજના તૈયાર કરી નાખી હતી. પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ મંગળવારે શેડ્યુલની જાહેરાત કરતા જણાવ્યું કે, આ યાત્રા દરેક મતવિસ્તારના ઓછામાં ઓછા બે મુખ્ય શહેરોમાં યોજાશે અને તેમાં એક કરોડ લોકો ભાગ લેશે.

    - Advertisement -

    યાત્રાની વિગતો જણાવતાં બાવનકુલેએ કહ્યું કે, “અમે સાવરકરના યોગદાન અને ઈતિહાસને લોકો સુધી, ખાસ કરીને દેશના યુવાનો સુધી પહોંચાડશું. સાવરકરે 1857 ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનો ઈતિહાસ લખ્યો હતો. તેમને બે વખત કાળા પાણીની સજા થઈ હતી અને અનુસૂચિત જાતિઓ માટે 500થી વધુ મંદિરો ખોલવામાં મદદ કરી હતી. કેટલાક લોકો આ ઈતિહાસને ભૂંસી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ અમે તેવું નહીં થવા દઈએ.”

    BJP રાજ્ય એકમના વડાએ કહ્યું કે સાવરકર અંગે ઉદ્ધવ ઠાકરેના બેવડા ધોરણો હાસ્યાસ્પદ છે અને તેમણે પોતાના પિતા બાળાસાહેબ ઠાકરેના વારસાને વળગી રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે, “બાળાસાહેબે વર્ષો પહેલાં કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐયરના પોસ્ટર પર ચપ્પલ માર્યા હતા. શું ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધીના પૂતળા સાથે આવું કરવાની હિંમત કરી શકે?” તેમણે જાહેર કર્યું કે તેઓ સાવરકરના આ અપમાનને સહન નહીં કરે. તેમના મતે ઉદ્ધવ ઠાકરે તેમનું મુખ્યમંત્રી પદ અને તેમના પુત્ર આદિત્યનું મંત્રાલય બચાવવા માટે ત્રણ વર્ષથી આ અપમાન સહન કરી રહ્યા છે.

    ઉદ્યોગ મંત્રી અને શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના મંત્રી ઉદય સામંતે કહ્યું કે, આ યાત્રા સાવરકરના વિચારો વિશે જાગૃતિ ફેલાવશે. તેમણે એવો પણ દાવો કર્યો કે રાજ્ય સરકારે આ યાત્રાની જાહેરાત કર્યા બાદ જ ઠાકરે જૂથે કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

    તો બીજેપીના મુંબઈ અધ્યક્ષ આશિષ સેલારે કહ્યું કે, ઉદ્ધવ પોતાની જરૂરિયાત પ્રમાણે નિવેદનો આપે છે અને યુટર્ન લેતા રહે છે. તેમણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે સાવરકર પર ફક્ત ભાષણ આપીને ઘરમાં ગૌરવ યાત્રા ન કાઢે. તેમનું ધ્યાન ફક્ત ‘મારો પરિવાર, મારી જવાબદારી’ પર રહે છે.

    રાહુલે સાવરકર અંગે ટિપ્પણી કર્યા બાદ વિવાદ સર્જાયો

    રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સમાં માફી માગવાના સવાલ પર એવો જવાબ આપ્યો હતો કે- “મારું નામ સાવરકર નથી. મારું નામ ગાંધી છે. ગાંધી કોઈની માફી નથી માગતા.” આ ઘટના બાદ બીજેપી નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો અને હવે રાહુલ ગાંધીને આ મુદ્દે ઘેરવા માટે યાત્રાની જાહેરાત કરી છે.

    ઉદ્ધવ ઠાકરેએ પૂર્વ સાંસદને આપી હતી ચેતવણી

    પોતાના નિવેદનોમાં વારંવાર વીર સાવરકરને વચ્ચે લાવવા બદલ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “તમે કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા કરી, સંજય રાઉત તમારી સાથે આવ્યા, હું પણ તમારી સાથે આવ્યો. પરંતુ હું જાહેરમાં તમને કહું છું કે સાવરકર અમારા દેવતા સમાન છે અને અમે તેમનું અપમાન સહન નહીં કરીએ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં