મહારાષ્ટ્રમાં અકોલા જિલ્લાના જૂના શહેરમાં શનિવારે (13 મે 2023) રાત્રે બે જૂથ વચ્ચેનો ઝઘડો હિંસામાં પલટાયો હતો. આ દરમિયાન સામસામે પથ્થરમારો અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અકોલામાં હિંસા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી એક પોસ્ટને લઈને થઈ હતી. આ ઘટના બાદ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
અકોલામાં હિંસા બાદ કલમ 144 લાગુ, ટોળાંએ વાહનોને નુકસાન પહોંચાડ્યું
જિલ્લા કલેક્ટર નીમા અરોડાએ કહ્યું કે, અકોલામાં હિંસા બાદ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યા મુજબ, હિંસક બનેલા ટોળાંએ કેટલીક ગાડીઓમાં તોડફોડ કરી હતી. તેમણે કેટલાક ક્ષતિગ્રસ્ત વાહનોમાં આગ પણ લગાવી હતી. એ પછી પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
આ ઘટનાનો કથિત વિડીયો પણ સામે આવ્યો છે જેમાં બે જૂથના લોકો રસ્તા પર ઉતરીને એકબીજા પર પથ્થરમારો કરે છે. આ ઝડપ બાદ જૂના શહેરના પોલીસ સ્ટેશન પર પણ ભારે ભીડ થઈ ગઈ હતી.
इंस्टाग्राम पर विवादित पोस्ट के बाद अकोला में हिंसा, एक की मौत । महाराष्ट्र के अकोला में दो समुदायों के बीच हिंसक झड़प हो गई, इस दौरान उपद्रवियों ने तोड़फोड़ के साथ ही आगजनी की अकोला में धारा 144 लागू ।#अकोला #AkolaViolance #Maharashtra pic.twitter.com/xVkBIYCPmd
— Namrata Dubey (@namrata_INDIATV) May 14, 2023
હિંસામાં 1નું મૃત્યુ, 25ની ધરપકડ
અકોલામાં હિંસા બાદ તણાવભર્યો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં અત્યારસુધીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો એક વ્યક્તિનું મૃત્યુ થયાના અહેવાલ પણ છે. પોલીસે આ મામલે 120 લોકો સામે એફઆઈઆર કરી છે. હિંસા બાદ ફાયર બ્રિગેડની મદદથી વાહનોમાં લાગેલી આગ કાબૂમાં લેવામાં આવી હતી. ઘટનામાં સામેલ લોકોની ઓળખ માટે CCTV ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે.
પોલીસ વિભાગે કહ્યું- ‘સ્થિતિ હવે નિયંત્રણમાં છે’
હિંસક અથડામણની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને બંને જૂથોનો ઘટનાસ્થળેથી પીછો કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટના વિશે માહિતી આપતા અકોલાના એસપી સંદીપ ઘુગેએ કહ્યું કે, “બે જૂથો વચ્ચે ઝઘડાની માહિતી મળી હતી, પરંતુ બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે લોકો રસ્તા પર આવી ગયા અને પથ્થરમારો કરવા લાગ્યા. આ સમયે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ સમગ્ર અકોલા શહેરમાં કલમ 144 લગાવવામાં આવી છે.”
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અકોલામાં હિંસાની આ બીજી ઘટના બની છે. થોડા દિવસો પહેલા અકોટ ફાઈલ વિસ્તારના શંકર નગરમાં પણ હિંસક અથડામણ થઈ હોવાનું સામે આવ્યું હતું.