બાંગ્લાદેશમાં (Bangladesh) ફરી એક વખત હિંદુ મદિરને નિશાન (Hindu Temple) બનાવવામાં આવ્યું છે. અહીંના જમાલપુર જિલ્લામાં આવેલા એક મહાકાલી મંદિરમાં તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે. તોડફોડ ઉપરાંત મંદિરમાંથી ઘરેણાં અને રોકડ રકમની ચોરી પણ કરવામાં આવી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક હિંદુ સમુદાય મંદિરે દોડી આવ્યો હતો. પોતાના ઇષ્ટના મંદિરની અવદશા જોઈને હિંદુઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના બાંગ્લાદેશના જમાલપુર જિલ્લામાં આવેલા સરિસાબાડીના મહાશ્મશાન કાલી મંદિરની છે. વહેલી સવારે જ્યારે મંદિરના પૂજારી પૂજા કરવા પહોંચ્યા, ત્યારે તેમણે ત્યાં પ્રસ્થાપિત કરેલી મૂર્તિઓ ખંડિત અવસ્થામાં જોઈ. તેમણે તરત જ આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને કરતાં હિંદુઓ મંદિરે દોડી આવ્યા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે મંદિરમાં મહાકાળી માતાની મૂર્તિ સહિત કુલ સાત મૂર્તિઓ ખંડિત કરવામાં આવી હતી.
આટલું જ નહીં, મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરનારા લોકોએ માતાજીના શણગારનાં ઘરેણાં અને રોકડ રકમની લૂંટ કરી હોવાનું પણ સામે આવ્યું હતું. આ મામલે પૂજારી ઉત્તમ કુમાર તિવારીએ જણાવ્યું હતું કે, દેશમાં સાંપ્રદાયિક તણાવ વધારવા માટે ઉપદ્રવીઓના સમુહે આ કૃત્ય કર્યું હોય શકે છે. તેમણે મંદિરની સાત મૂર્તિઓ ખંડિત કરીને લૂંટ કરવામાં આવી હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે પ્રશાસન અને પોલીસ સમક્ષ આ હીન કૃત્ય કરનારની તાત્કાલિક ધરપકડ કરીને કડક સજાની માંગ કરી હતી
બીજી તરફ આ મામલે સ્થાનિક પોલીસ અધિકારી સોહેલ મસૂદેપણ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ તેઓ પોલીસ કાફલા અને સ્થાનિક પ્રશાસન સહિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ સ્થાનિક પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. તપાસ બાદ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ચટ્ટગાંવમાં હિંદુનું ઘર અને ગાય જીવતી સળગાવી હોવાના આરોપ
બીજી તરફ બાંગ્લાદેશના વોઈસ ઓફ હિંદુ નામના X હેન્ડલ પરથી જણાવવામાં આવ્યું છે કે ચટ્ટગાંવમાં બાબુ કાંતિ દે નામના એક હિંદુના ઘરને કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાંએ સળગાવી નાખ્યું છે. દાવો તેવો પણ કરવામાં આવ્યો છે કે આ આગચંપીમાં ઘરમાં વાડામાં બાંધેલી ગાય જીવતી સળગી ગઈ હતી. X હેન્ડલ દ્વારા ઘટનાનો એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે.
Last night, the house of minority Hindu Babu Kanti Dey in Fatikchhari was locked and set on fire by Islamists. Although no one was home, the family survived, but their pet cow was burnt alive.
— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) December 14, 2024
Location: Victim's name Babu Kanti Dey, Amtali East Bhujpur. Chittagong, #Bangladesh… pic.twitter.com/0tniGJTPwV
બાંગ્લાદેશી હિંદુઓ દ્વારા સંચાલિત હેન્ડલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઘટના સમયે પરિવારના સભ્યો બહાર હોવાથી કોઈ જાનહાનિ નહોતી થઈ. જોકે ઘરની તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શેર કરવામાં આવેલા વિડીયોમાં પણ જોઈ શકાય છે કે એક આખેઆખા ઘરની ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે.