પ્રયાગરાજમાં (Prayagraj) આ સદીનું સૌથી દૈવિક, પવિત્ર અને વિશ્વનું સૌથી મોટું આયોજન કરવામાં આવ્યું છે. 144 વર્ષ બાદ યોજાઈ રહેલા આ ભવ્ય મહાકુંભના (Maha Kumbh) સાક્ષી બનવા માટે અને પવિત્ર સ્નાનનો લ્હાવો મેળવવા માટે દેશ-વિદેશથી સનાતનીઓ આવી રહ્યા છે. 13 જાન્યુઆરીથી પ્રારંભ થયાના બે જ દિવસ થયા છે, પરંતુ અત્યાર સુધીમાં કરોડો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરી ચૂક્યા છે અને દરરોજ કરોડો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. 26 ફેબ્રુઆરી સુધી આ મહાકુંભ ચાલશે. જેમાં કુલ ચાળીસ કરોડ લોકો ભાગ લેશે, પરંતુ આયોજન કુલ 100 કરોડ લોકો માટે કરવામાં આવ્યું છે. યોગી સરકારે જબરદસ્ત તૈયારીઓ કરી છે અને બહુ મોટાપાયે એક સુવ્યવસ્થિત માળખા હેઠળ આયોજન કરવામાં આવ્યું છે.
આ મહાકુંભ દરમિયાન હજારો સુરક્ષાકર્મીઓ, અન્ય સ્વયંસેવકો, સ્વાસ્થ્ય કર્મચારીઓથી માંડીને સફાઈ કર્મચારીઓની પણ મદદ લેવામાં આવી રહી છે. દરરોજ હજારો કર્મચારીઓ સાફસફાઈનું ધ્યાન રાખી રહ્યા છે, જેથી મહાકુંભમાં ભાગ લેવા માટે આવતા શ્રદ્ધાળુઓ સ્વચ્છ વાતાવરણમાં હરીફરી શકે અને સ્નાનનો લાભ મેળવી શકે. પરંતુ એક મોટો પ્રશ્ન હતો આ સાફસફાઈનું કામ કરતા શ્રમિકોનાં બાળકોનો. પરંતુ તેમના માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેમના અભ્યાસમાં કોઈ વિક્ષેપ ન પડે અને તેમનો અભ્યાસ ચાલુ રહે. જેને ‘વિદ્યા કુંભ’ નામ આપવામાં આવ્યું છે.
મહાકુંભની શરૂઆત 13 જાન્યુઆરીથી થઇ પરંતુ ‘વિદ્યા કુંભ’ 17 ડિસેમ્બરથી જ શરૂ કરી દેવામાં આવ્યા હતા. યોગી સરકારે દિવ્ય કુંભમેળાના વિશિષ્ટ આયોજન સાથે શ્રમિકોનાં બાળકોના અભ્યાસની પણ ચિંતા કરી છે. જે અંતર્ગત મહાકુંભમાં બેઝિક એજ્યુકેશન કાઉન્સિલ વતી પાંચ પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવી છે.
આ શાળાઓ ફેબ્રુઆરી મહિના સુધી મેળામાં રહેશે અને વિવિધ વિભાગોમાં કામ કરશે. બાળકોના શિક્ષણમાં કોઈ અવરોધ ન આવે તે માટે ‘વિદ્યા કુંભ’ દ્વારા 5 શાળાઓ ચલાવવામાં આવી રહી છે, જ્યાં નર્સરીથી પાંચમા ધોરણ સુધીના બાળકોને સંપૂર્ણપણે મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વહીવટીતંત્રે સ્વચ્છતા કર્મચારીઓના હજારો બાળકોને વિશ્વકક્ષાની સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે.
Supporting families and strengthening communities, Vidya Kumbh Schools—a UP government initiative at #MahaKumbh2025—provide free primary education, resources, and certificates to the children of sanitation workers, bridging the gap between every child and education.… pic.twitter.com/aJy0bXlYTX
— Mahakumbh (@MahaKumbh_2025) January 11, 2025
નોંધનીય છે કે નર્સરીથી લઈને પ્રાથમિક શિક્ષણ એ વિદ્યાર્થીનો પાયો હોય છે. તેથી આ જ પાયો મજબૂત કરવા માટે યોગી સરકારે આ પહેલ કરી છે. દરેક વર્ગના બાળકને શિક્ષણનો અધિકાર છે તે આ પહેલ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે. આ પહેલની ખૂબ પ્રશંસા પણ કરવામાં આવી રહી છે. સરકાર અનુસાર આ કાર્યક્રમ શિક્ષા કરતા પણ પરિવારોનું ઉત્થાન, સમુદાયોને સશક્ત બનાવવા અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે.
આ શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. 17 ડિસેમ્બરથી શરૂ થયેલ આ ‘વિદ્યા કુંભ’માં 17 ડિસેમ્બર સુધીમાં જ 400 વિદ્યાર્થીઓએ અભ્યાસ શરૂ કરી દીધો હતો. જે સંખ્યા અત્યાર સુધી હજારોમાં પહોંચી ચૂકી છે. આ પહેલનો ઉદ્દેશ્ય શ્રમજીવી પરિવારોના બાળકોને મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનો છે.
મહાકુંભમાં 5 સેક્ટરમાં ઉભા કરાયા છે ‘વિદ્યા કુંભ’
નોંધનીય છે કે આ પહેલ હેઠળ, મહાકુંભમાં 5 પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવી છે. જેમાં ‘વિદ્યા કુંભ’ સેક્ટર-1, સેક્ટર-2, સેક્ટર-7, સેક્ટર-10 અને સેક્ટર-13નો સમાવેશ થાય છે, જ્યાં આ બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ શાળાઓમાં, ડિજિટલ વર્ગખંડો, શૈક્ષણિક કીટ અને રમત દ્વારા શિક્ષણ દ્વારા રસપ્રદ અને સર્વાંગી શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
कुंभ का अनोखा स्कूल देख दिल खुश हो जाएगा!
— Khabargaon (@khabar_gaon) January 13, 2025
Kumbh Mela 2025 | Prayagraj | Yogi Adityanath @Bhupinder_35 @Gauraw2297 pic.twitter.com/8YkF2INNx7
આ ઉપરાંત ‘ઉમંગ કીટ’ હેઠળ, બાળકોને પુસ્તકો, પેન્સિલો, નકલો, શાળા ગણવેશ, સ્વેટર અને અન્ય શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી છે. આ સાથે ‘જ્ઞાન કા પિટારા’ નામની એક ખાસ શૈક્ષણિક કીટ પણ આપવામાં આવી છે. આ ‘વિદ્યા કુંભ’માં રમતનાં મેદાનો અને મધ્યાહન ભોજન માટેના વિસ્તારો બનાવવામાં આવ્યા છે. નર્સરીથી ધોરણ 5 સુધીના હજારો બાળકો ડિજિટલ ટૂલ્સ, ઑડિયો-વિઝ્યુઅલ કન્ટેન્ટ અને ગેમ્સ દ્વારા ઇન્ટરેક્ટિવ શિક્ષણનો લાભ મેળવી રહ્યા છે. નાના બાળકોમાં, ખાસ કરીને નર્સરી વર્ગોમાં, શીખવાનો પ્રેમ કેળવવા માટે ખાસ રમત-આધારિત શિક્ષણ પદ્ધતિઓ ડિઝાઇન કરવામાં આવી છે.
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મેળા વિસ્તારમાં નર્સરીથી ધોરણ 5 સુધીના ગરીબ પરિવારોના બાળકોને શિક્ષણ આપવા માટે શરૂ કરાયેલી પ્રાથમિક શાળાઓ ડિજિટલ અને સ્માર્ટ વર્ગખંડોનો ઉપયોગ કરીને મફત શિક્ષણ પૂરું પાડે છે. આ ઉપરાંત વિદ્યા કુંભમાં રજિસ્ટ્રેશન કરાયેલ વિદ્યાર્થીઓને મફત ગણવેશ, પુસ્તકો અને જૂતાં પણ આપવામાં આવ્યાં છે. આ શૈક્ષણિક કેન્દ્રોનું સંચાલન સરકાર દ્વારા નિયુક્ત શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યું છે.