ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા ગેંગસ્ટર અતિક અહેમદના પુત્ર અસદને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. ઝાંસીમાં સવારે થયેલા એન્કાઉન્ટરમાં અસદનો સાથી શૂટર મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો છે. આ જ સમય દરમિયાન ઉમેશ પાલ હત્યા કેસમાં માફિયા અતિક અહમદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પ્રયાગરાજ કોર્ટમાં હાજરી દરમિયાન અસદના એન્કાઉન્ટરના સમાચાર સાંભળીને અતિક અહમદ રડી પડ્યો હતો. બીજી તરફ, યોગી સરકારની આ કાર્યવાહીને વધાવી લેતાં કોર્ટમાં ‘યોગી ઝિંદાબાદ’ના નારા લગાવવામાં આવ્યા હતા.
પુત્ર અસદના એન્કાઉન્ટરના સમાચાર સાંભળીને માફિયા અતિક અહમદ કોર્ટરૂમમાં જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. અતિક પોતાની જાત પર કાબૂ રાખી શક્યો ન હતો અને જમીન પર બેસી ગયો હતો. બીજી તરફ કોર્ટમાં યોગી આદિત્યનાથ ઝિંદાબાદના નારા લાગ્યા હતા. અતિક અહમદ રડી પડ્યો ત્યારે કોર્ટમાં હાજર તેના ભાઈ અશરફે તેને સંભાળ્યો હતો.
असद के एनकाउंटर की खबर सुनते ही फूट फूटकर रोने लगा अतीक अहमद
— Divya Gaurav Tripathi (@write2divya) April 13, 2023
खुद को नहीं संभाल पा रहा अतीक।
कोर्ट में लगे योगी आदित्यनाथ ज़िंदाबाद के नारे
ઉમેશ પાલ હત્યાકાંડ બાદ ફરાર હતા અસદ અને ગુલામ
ઉમેશ પાલ હત્યાકાંડ બાદથી જ શૂટર અસદ અને ગુલામ બંને ફરાર હતા. ઉત્તર પ્રદેશ પોલીસે બંને ઉપર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઝાંસીમાં યુપી STFના ડેપ્યુટી એસપી નવેન્દુ અને ડેપ્યુટી એસપી વિમલના નેતૃત્વમાં એન્કાઉન્ટર થયું હતું. STFને અસદ અને ગુલામ પાસેથી એક બ્રિટિશ બુલડોગ રિવોલ્વર અને વોલ્થર પિસ્તોલ મળી આવી છે.
અહેવાલો મુજબ, અસદ અને મોહમ્મદ ગુલામ ઝાંસીમાં પારીછા ડેમ પાસે છુપાયેલા હતા. પારીછા ડેમ ઝાંસીમાં બડા ગાંવ અને ચિરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારની વચ્ચે છે. પોલીસની ટીમ આ વિસ્તારમાં હજુ પણ કોમ્બિંગ કરી રહી છે. ઉત્તર પ્રદેશ STFએ ઝાંસીના બડાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્કાઉન્ટર કર્યું છે. આ જગ્યા કાનપુર-ઝાંસી હાઈવે પર આવેલી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો વારંવાર આભાર, તેમની ઉપર વિશ્વાસ હતો જ: ઉમેશ પાલનો પરિવાર
એન્કાઉન્ટર બાદ ઉમેશ પાલનાં પત્ની અને માતાએ મીડિયા સામે આવીને યોગી સરકારનો આભાર માન્યો હતો. ઉમેશની માતાએ કહ્યું કે, મને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી અને પોલીસ વિભાગ ઉપર પહેલેથી જ વિશ્વાસ હતો અને આજે મારા દીકરાના હત્યારા માર્યા ગયા બાદ એ વિશ્વાસ કાયમ રહ્યો છે.
#WATCH | "This is a tribute to my son," says Shanti Devi, mother of slain lawyer Umesh Pal, on police encounter of former MP Atiq Ahmed's son Asad and his aide in Jhansi today pic.twitter.com/tCIYxDhOHl
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 13, 2023
ઉમેશ પાલની પત્નીએ કહ્યું, “હું માનનીય મુખ્યમંત્રીજીનો આભાર વ્યક્ત કરું છું. તેમણે તેમની પુત્રીના પતિના હત્યારાને સજા અપાવી. હું તેમનો વારંવાર આભાર વ્યક્ત કરું છું. પોલીસ કર્મચારીઓનો પણ આભાર. મેં માનનીય મુખ્યમંત્રીજી પર જ બધું છોડી દીધું છે. તેઓ જે કંઈ કરશે તે સારું જ કરશે.”
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમગ્ર ટીમની પ્રશંસા કરી
ઉમેશ પાલ હત્યાકાંડમાં ફરાર અસદ અહમદ અને શૂટર ગુલામના એન્કાઉન્ટર બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપી STF ઉપરાંત DGP, સ્પેશિયલ DG લૉ એન્ડ ઓર્ડર અને સમગ્ર ટીમની પ્રશંસા કરી છે. તેમણે કાયદા વ્યવસ્થાને લઈને મોટી બેઠક પણ બોલાવી છે. મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદે આ એન્કાઉન્ટર અંગે મુખ્યમંત્રીને માહિતી આપી હતી.
કોર્ટમાંથી બહાર નીકળતી વખતે અતિક પર જૂતું ફેંકવામાં આવ્યું
ઉમેશ પાલ હત્યાકાંડમાં આજે અતિક અહમદ અને અશરફને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે અતિકને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે અતિક પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ, કોર્ટમાં આવતા પહેલા અતિકનું બીપી હાઈ થઈ ગયું હતું. અતિકને સાબરમતી જેલમાંથી બુધવારે ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવ્યો અને અશરફને બરેલી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. યુપી એસટીએફના એડીજી અમિતાભ યશના જણાવ્યા મુજબ, અસદ અને ગુલામને જીવતા પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે STFની ટીમ પર ફાયર કર્યું અને બાદમાં બંને એન્કાઉન્ટરમાં માર્યા ગયા.
24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યા થઈ
ઉલ્લેખનીય છે કે, ગત 24 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ નામના વકીલની હત્યા કરવામાં આવી હતી. તેઓ 2006ના રાજુ પાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી હતા. ઉમેશ પાલ પર ભરબજારમાં ધોળા દિવસે હુમલો કરવામાં આવ્યો હતો. તેમના પર ફાયરિંગ ઉપરાંત બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. આ કેસમાં અતિક અહમદના પુત્ર અસદનું નામ ખૂલ્યું હતું. તેણે જ સાગરીતો સાથે મળીને હત્યાને અંજામ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઉમેશ પાલ હત્યાકાંડના બે આરોપીઓ જુદાં-જુદાં એનકાઉન્ટરમાં માર્યા ગયા હતા.
માટીમાં મેળવાયો, હવે રગદોળાઈ રહ્યો છું: અતિક
ઉમેશ પાલ હત્યાકાંડ બાદ વિધાનસભામાં બોલતી વખતે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, તેઓ માફિયાઓને છોડશે નહીં અને માટીમાં મેળવી દેશે. તાજેતરમાં સાબરમતીથી પ્રયાગરાજ લઈ આવતી વખતે અતિક અહમદે કહ્યું હતું કે તેને માટીમાં તો મેળવી દેવામાં આવ્યો છે. હવે તેને રગદોળવામાં આવી રહ્યો છે. અતિકે તેની પત્ની અને બાળકોને પરેશાન ન કરવાની પણ વિનંતી કરી હતી.