મદ્રાસ હાઇકોર્ટે (Madras High Court) રાજીવ ગાંધી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ યુથ ડેવલપમેન્ટ (RGNIYD) શ્રીપેરુમ્બુદુરના એક વિદ્યાર્થીના નિષ્કાસન (Rustication) પર રોક (Stay) લગાવી છે. અસલમ નામના તે વિદ્યાર્થી પર હોસ્ટેલની દીવાલ પર ‘ફ્રી પેલેસ્ટાઇન’ (Free Palestine) જેવા વિવાદિત નારા લખવાનો આરોપ હતો. આ નિર્ણય જસ્ટિસ ટીવી તમિલસેલ્વીએ અંતરિમ આદેશના ભાગરૂપે આપ્યો છે, જેમાં વિદ્યાર્થી એસ. અસલમને પરીક્ષાઓમાં ભાગ લેવા અને ઈન્ટર્નશિપ પ્રોગ્રામમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.
સમગ્ર કેસની શરૂઆત ત્યારે થઈ હતી, જ્યારે RGNIYDના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અવિનવ ઠાકુર, વોર્ડન અને આસિસ્ટન્ટ વોર્ડન દ્વારા 24 મે 2025ના રોજ હોસ્ટેલના પરિસરની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બીજા વર્ષના પીજીના વિદ્યાર્થી અસલમના હોસ્ટેલ રૂમની દીવાલ પર ‘ફ્રી પેલેસ્ટાઇન’ અને ‘જય ભીમ’ લખેલું જોવા મળ્યું હતું. આના પરિણામે સંસ્થાએ 25 મે 2025ના રોજ અસલમ સહિત ત્રણ વિદ્યાર્થીઓ – એસ. અસલમ, સઈદ એમ.એ. અને નહલ ઈબ્નુ અબુલ્લાઈને ‘દેશવિરોધી સામગ્રી’ સાથે હોસ્ટેલની મિલકતને નુકસાન પહોંચાડવાના આરોપે નિષ્કાસિત કર્યા હતા.
ત્રણેય વિદ્યાર્થીઓને સંસ્થામાંથી હાંકી કાઢ્યા બાદ અસલમે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને સંસ્થાના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેણે અરજીમાં જણાવ્યું હતું કે, આવા નારા બંધારણ હેઠળ ગેરકાયદેસર કે દેશવિરોધી નથી. વધુમાં તેણે એવો પણ દાવો કર્યો હતો કે, તપાસ પ્રક્રિયા ‘પક્ષપાતી’ હતી અને તેને પોતાનો બચાવ કરવાની પૂરતી તક પણ આપવામાં આવી નહોતી.
હાઇકોર્ટે નિષ્કાસન પર લગાવી દીધી રોક
મદ્રાસ હાઇકોર્ટે આ મામલે એસ. અસલમના નિષ્કાસન પર રોક લગાવી હતી. જસ્ટિસ તમિલસેલ્વીએ સંસ્થાને નિર્દેશ આપ્યો કે, તે વિદ્યાર્થી અને અરજદાર અસલમને પરીક્ષામાં બેસવાની અને ઇન્ટર્નશિપમાં ભાગ લેવાની મંજૂરી આપે. પોતાના આદેશમાં કોર્ટે કહ્યું કે, “જો વિદ્યાર્થીને પરીક્ષા અને ઈન્ટર્નશિપ પ્રોગ્રામમાં ભાગ લેવાની મંજૂરી નહીં આપવામાં આવે તો તેના કારણે તેને ખોટી તકલીફ પડશે. તેથી પ્રથમ પ્રતિવાદી (સંસ્થાના નિર્દેશક) દ્વારા 25 મેના રોજ અપાયેલા વિવાદિત આદેશ પર રોક લગાવવાનો આદેશ આપવામાં આવે છે.”
વધુમાં હાઇકોર્ટે સંસ્થાને અરજદાર માટે પરીક્ષા ફરીથી શિડ્યુલ કરવા, તેને સામાજિક કાર્ય વિભાગમાં પ્લેસમેન્ટ કાર્યક્રમમાં હાજરી આપવાની પરવાનગી આપવા અને રિટ અરજીના અંતિમ પરિણામને આધીન રહીને તેનું શિક્ષણ ચાલુ રાખવા માટે તેને સંસ્થાના સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં સામેલ કરવાના નિર્દેશો આપ્યા છે. જોકે, સુનાવણી સમયે અરજદાર અસલમના વકીલે અવિનવ ઠાકુર પર આરોપો લગાવવાના પ્રયાસો પણ કર્યાં હતા. કોર્ટે આ કેસની સુનાવણી 25 જૂન, 2025 સુધી સ્થગિત કરી છે.