‘સત્યમેવ જયતે’ ભારતનું રાષ્ટ્રીય આદર્શ વાક્ય છે. કદાચ તમે જાણતા જ હશો કે આ મંત્ર ‘મુણ્ડકોપનિષદ્’માંથી લેવામાં આવ્યો છે. કહેવાય છે કે માંડૂક્ય ઋષિએ તેની રચના મદકૂ દ્વીપ પર કરી હતી. આ દ્વીપ આજે છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં સ્થિત છે. પણ શું એ જાણો છો કે આ દ્વીપ પર દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સૌથી મોટો મેળાવડો થાય છે? એ મેળાવડો એક અઠવાડિયા સુધી ચાલતા મસીહી મેળાને લઈને લાગે છે? મસીહી મેળો 113 વર્ષથી લાગી રહ્યો છે?
જોકે, જે રીતે હિંદુઓનું ખ્રિસ્તી ધર્માંતરણ થઇ રહ્યું છે, જે રીતે ખ્રિસ્તી મશીનરીઓ દેશના ખૂણે-ખૂણામાં પ્રસરી રહી છે, એવામાં શક્ય છે કે એક દ્વીપ પર મસીહી મેળો લાગવો કદાચ આશ્ચર્યજનક ન લાગે. પરંતુ મદકૂ દ્વીપની ભૌગોલિક સ્થિતિથી પરિચિત ન થવા પર આ ન માત્ર તમને આશ્ચર્યમાં નાંખી દેશે પરંતુ ખ્રિસ્તી મિશનરીઓના ખતરનાક મનસૂબાથી પણ પરિચિત કરાવશે જેના હેઠળ તેઓ જળ, જંગલ, જમીન…દરેક જગ્યાએ કબજો કરી રહ્યા છે. આ રણનીતિ હેઠળ તેઓ વસ્તી ધરાવતાં મેદાનોથી લઈને નિર્જન ટાપુઓ સુધી ફેલાઈ રહ્યા છે.
શિવનાથ નદીથી ઘેરાયેલો મદકૂ દ્વીપ
છત્તીસગઢના એક મોટા શહેર બિલાસપુરથી મદકૂ દ્વીપ લગભગ 40 કિલોમીટર દૂર છે. આ દ્વીપ પર પહોંચવા માટે તમારે શિવનાથ નદી પાર કરવી પડે છે. નદી પાર કરવા માટે એકમાત્ર વિકલ્પ હોડી છે. નદી સુધી પહોંચવા પહેલાં બૈતલપુર, સરગાંવ જેવા ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થવું પડે છે. રસ્તા પરથી પસાર થતાં ઘરો પર દેખાતાં ક્રોસના નિશાન અને રસ્તા પર આવેલ કબ્રસ્તાન આ વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓની પહોંચ કેટલી છે તેને પૂર્વ જાણકારી આપી દે છે.
નદી પર એક એની કટ (પાણીનો પ્રવાહ રોકવા માટે બનાવવામાં આવતો એક નાનો બંધ) બનાવવામાં આવ્યો છે. નદીમાં જ્યારે પાણી ઓછું હોય ત્યારે લોકો આ એની કટના માર્ગે પણ પગપાળા કે નાનાં વાહનોની મદદથી દ્વીપ સુધી જઈ શકે છે. પરંતુ સપ્ટેમ્બર 2022માં જ્યારે અમે મદકૂ દ્વીપ પહોંચ્યા તો શિવનાથ નદી પૂરેપૂરા વેગથી વહી રહી હતી અને એની કટ ડૂબી ગયો હતો.
નામ મદકૂ દ્વીપ કેમ?
આ જગ્યાનું નામ મદકૂ દ્વીપ હોવા પાછળ બે મુખ્ય તર્ક આપવામાં આવે છે. ઇતિહાસકાર ડૉ. વિષ્ણુ સિંહ ઠાકુર અનુસાર આ જગ્યા માંડૂક્ય ઋષિની તપોભૂમિ હતી. મદકૂને માંડુક્યનો જ અપભ્રંશ માનવામાં આવે છે. બીજો તર્ક એ છે કે શિવનાથ નદીની જલધારાના કારણે આ જગ્યા તરતા દેડકા (હિન્દીમાં મેંઢક) જેવી દેખાય છે. મંડૂકનો એક અર્થ ‘મેંઢક’ પણ થાય છે, જેના કારણે સમય જતાં તે મદકૂમાં પરિવર્તિત થઇ ગયો.
માદકૂ દ્વીપનું હરિહર ક્ષેત્ર
હોડી મારફતે 50 એકર જમીનમાં ફેલાયેલા મદકૂ દ્વીપ પહોંચતા ચારેતરફ ઘનઘોર જંગલ જોવા મળે છે. આ જંગલ વચ્ચે જ સ્થિત છે હરિહર ક્ષેત્ર. હરિહર ક્ષેત્રમાં અનેક મંદિરો છે, જેમાંથી એક પ્રાચીન ગણેશ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા વર્ષ 2021માં થઇ હતી. આ મંદિરમાં ભગવાન ગણેશજીની જે અષ્ટભુજી પ્રતિમા છે, તે 10-11મી સદીની હોવાનું જણાવવામાં આવે છે. આ મંદિર પાસે એક આવાસ આવેલ છે. જેમાં હરિહર ક્ષેત્રના પૂજારી વીરેન્દ્ર શુક્લ પોતાના પરિવાર સાથે રહે છે.
વીરેન્દ્ર શુક્લે ઑપઇન્ડિયાને જણાવ્યું કે તેઓ મૂળ મૂંગેલી જિલ્લાના જ લોરમી તાલુકાના તુરબારી પઠારી ગામના રહેવાસી છે. તેઓ 1985માં તેમના પિતા સાથે આ દ્વીપ પર આવ્યા હતા. મંદિર સમિતિએ પૂજા-પાઠ માટે તેમના પિતાને નિયુક્ત કર્યા હતા. 1990માં તેમના પિતાનું દેહાવસાન ત્યારથી મંદિરની પૂજા-અર્ચનાની જવાબદારી તેમની પાસે છે.
પરિસરમાં એક કુટિર પણ છે. તેમણે જણાવ્યું કે આ કુટિરમાં લગભગ અઢી વર્ષથી એક સાધુ નિવાસ કરે છે, જેઓ અમરકંટકથી આવ્યા છે. જોકે, અમે જે દિવસે ત્યાં પહોંચ્યા ત્યારે સાધુ મદકૂ દ્વીપ પર ન હતા. હરિહર ક્ષેત્રમાં જ એ પ્રાચીન મંદિરો અને મૂર્તિઓના અવશેષો પણ છે જે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને આ દ્વીપ પર ખોદકામ દરમિયાન મળ્યાં હતાં. પરંતુ આ ધરોહરોની સુરક્ષા માટે હોવી જોઈએ એટલી સારી વ્યવસ્થા જોવા મળી ન હતી.
વીરેન્દ્ર શુક્લે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “2010-11માં એનિકટ બન્યા બાદ આવનજાવનમાં થોડી સુવિધાઓ છે. પરંતુ તે જુલાઈથી ઓક્ટોબર સુધી ડૂબેલો રહે છે. આ જગ્યાએ સામાન્ય રીતે કોઈ આવતું નથી. શનિ અને રવિવારે કેટલાક શ્રદ્ધાળુઓ અને પર્યટકો આવે છે. અલગ છત્તીસગઢ રાજ્ય બન્યા બાદ થોડોઘણો વિકાસ થયો છે પરંતુ હજુ પણ ઘણી સુવિધાઓનો અભાવ છે. સૌથી વધુ ભીડ આ દ્વીપ પર ફેબ્રુઆરી મહિનામાં એક અઠવાડિયા સુધી રહે છે, જ્યારે મસીહી મેળો લાગે છે.”
મદકૂ દ્વીપ પર કઈ રીતે શરૂ થયો મસીહી મેળો?
મસીહી મેળો કઈ રીતે શરૂ થયો તેમ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, “સૌથી પહેલાં બૈતલપુરમાં રક્તપિત્તના દર્દીઓ માટે એક હોસ્પિટલ ખોલવામાં આવી હતી. ત્યારબાદ ધીમેધીમે અહીં લોકો આવતા ગયા. થોડાં વર્ષો પછી અહીં મેળો લાગવા માંડ્યો. જોકે મેળાના સમયને છોડીને અહીં મિશનરીના લોકોની ગતિવિધિઓ રહેતી નથી.”
જે દિવસે અમે દ્વીપ પર પહોંચ્યા ત્યારે કેટલાક ગણ્યાગાંઠ્યા શ્રદ્ધાળુ હરિહર ક્ષેત્રમાં હતા. રમાકાંત પટેલ અને કોલારામ પટેલ પોતાના પરિવાર સાથે આવ્યા હતા. બંને સરકારી શિક્ષકો છે. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “રજાના દિવસે અમે બાળકોને લઈને આવીએ છીએ જેથી તેઓ સંસ્કૃતિ વિશે જાણી શકે. અન્ય એક શ્રદ્ધાળુ શચી નારાયણ હૈદરાબાદના રહેવાસી હતા. વ્યવસાયે ડોક્ટર એવા નારાયણે જણાવ્યું કે, તેઓ છત્તીસગઢની યાત્રાએ આવ્યા હતા અને આ જગ્યા વિશે જાણકારી મળી તો ફરવા માટે આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, આ પરિસરને જોઈને દુઃખ પણ થાય છે. આટલી વિશેષ અને પવિત્ર ભૂમિના વિકાસ માટે વિશેષ ધ્યાન આપવામાં આવવું જોઈએ. આવી જગ્યાઓ પર આવવામાં સરળતા રહેવી હોઈએ જેથી વધુને વધુ લોકો સંસ્કૃતિ વિશે જાણી શકે. (મદકૂ દ્વીપ પર ખોદકામ દરમિયાન મળેલ અવશેષો અને અહીંના મંદિરો પર વિસ્તૃત ચર્ચા આગળના રિપોર્ટમાં કરવામાં આવશે.)
મદકૂ દ્વીપ પર ક્રોસ વાળો મંચ
હરિહર ક્ષેત્રમાં થોડા જ અંતરે એક મંચ આવેલ છે. અહીં એનિકટના રસ્તે દ્વીપ પર જતા ડાબી તરફ મંચ જોવા મળશે, જ્યારે જમણી તરફ જતો રસ્તો હરિહર ક્ષેત્ર લઈ જાય છે. મંચ પહેલાં એક તકતી લાગેલી છે. જેની ઉપર મસીહી મેળા વિશે જાણકારી આપવામાં આવી છે. સાથે જણાવવામાં આવ્યું છે કે 2019માં મેળાનાં 110 વર્ષ પૂર્ણ થવા પર આ તકતી લગાવવામાં આવી હતી. આ તકતીથી અમુક અંતરે ક્રોસ નિશાનવાળો લાંબો મંચ છે, જેની ઉપર ઉલ્લેખિત જાણકારી અનુસાર મસીહી મેળાની શરૂઆત 1909માં થઇ હતી. 2008માં 10-17 ફેબ્રુઆરી વચ્ચે મસીહી મેળો લાગ્યો હતો, જ આયોજન શતાબ્દી વર્ષનું હતું.
હોડીથી નદી પાર કરાવનાર સુદર્શન કેવટે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, બૈતલપૂરમાં ખ્રિસ્તી લોકોની વસ્તી છે. અંગ્રેજોના જમાનામાંથી અહીં આ દ્વીપ પર આવનજાવન શરૂ થયું હતું. ત્યારબાદ મેળો લાગવાનો શરૂ થયો. આ જે ક્રોસ છે એ તેમનો જ વિસ્તાર છે. બાકી તેમનું કશું જ નથી. બાકીના તમામ હિંદુઓ છે. તેણે જણાવ્યું હતું કે, આસપાસના તમામ ગામો ખ્રિસ્તી છે. તેઓ (ખ્રિસ્તી મિશનરી) આવતા-જતા રહે છે. ક્યારેક કોઈ ગામમાં કોઈ ખ્રિસ્તી પણ બની જાય છે. તેમણે એ પણ જણાવ્યું કે જ્યારથી છત્તીસગઢમાં ભૂપેશ બઘેલના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર બની છે ત્યારથી આ દ્વીપ પર કામ થયું નથી. વિકાસનું જે કામ દેખાય છે એ રમણસિંહના નેતૃત્વવાળી ભાજપ સરકારના સમયમાં થયાં હતાં.
જે દ્વીપ નિર્જન છે, જ્યાં ખોદકામમાં મળેલા અવશેષો જગ્યાએ સનાતન પરંપરાના એક મહત્વપૂર્ણ અધ્યાય હોવાના પ્રમાણ આપે છે, તે જગ્યા પર યજ્ઞસ્થળથી થોડા અંતરે ક્રોસના નિશાનવાળો મંચ હોવો, ધર્માંતરિત હિંદુઓનો વાર્ષિક મેળાવડો લાગવો, એ દર્શાવે છે કે કઈ રીતે ખ્રિસ્તી મિશનરીઓ આપણા વારસા પર કબજો જમાવી રહી છે.