કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ કાયદા (Waqf Act) માટે સંશોધનની બાબત રજૂ કર્યા બાદ વક્ફ ખૂબ વિવાદોમાં ઘેરાયેલું છે. વક્ફ તેની અસિમિત શક્તિઓને કારણે કોઈ પણ મિલકતો પર પોતાનો દાવો ઠોકી બેસાડે છે. ત્યારે મધ્ય પ્રદેશ હાઈકોર્ટે મધ્યપ્રદેશ વક્ફના આદેશને ફગાવી દીધો છે. શાહ શુજાની કબર, નાદિર શાહની કબર, બીબી સાહેબની મસ્જિદ અને બુરહાનપુરના કિલ્લામાં આવેલો મહેલ વકફ મિલકત છે એવો દાવો વક્ફ દ્વારા કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે (Madhya Pradesh High Court) આ દાવો ફગાવી વક્ફને ફટકાર લગાવી છે.
ઉલ્લેખનીય છે કે 26 જુલાઇના રોજ હાઇકોર્ટના જસ્ટિસ ગુરપાલ સિંઘ આલ્હુવાલિયાની (Justice G.S. Alhuwaliya) એકલ પીઠે જણાવ્યુ હતું કે જે મિલકતો પર વક્ફે દાવો કર્યો હતો તે 1904ના પ્રાચીન સ્મારકો જાળવણી અધિનિયમ હેઠળ જારી કરાયેલી સૂચનાઓ દ્વારા આ મિલકતો પ્રાચીન સ્મારકો તરીકે જાહેર કરાયેલી હતી. આ તમામ મિલકતોને 1913 અને 1925 સુધી પ્રાચીન સ્મારકો તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી હતી. અહીં એવો કોઈ રેકોર્ડ પણ હતો નહીં કે જેનાથી સાબિત કરી શકાય કે, આ મિલકતો પ્રાચીન સ્મારકો જાળવણી અધિનિયમ, 1904ની કલમ 11 હેઠળ પૂરી પાડવામાં આવેલ ચીફ કમિશનરના વાલીપણામાંથી મુક્ત કરાયેલી છે.
કોર્ટે આ દાવાને ફગાવી દેતાં વક્ફને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે કાલે ઊઠીને તમે તાજમહેલ (Tajmahal) અને લાલકિલ્લાને (Red Fort) પણ વક્ફની સંપત્તિ ઘોષિત કરી દેશો, સમગ્ર ભારતને વક્ફને સંપત્તિ ઘોષિત કરી દેશો. જસ્ટિસે કહ્યું હતું કે લાલકિલ્લો આપણાં માટે ફક્ત લાલકિલ્લો છે, પણ જેઓ ઇતિહાસના જાણકાર છે તેમના માટે લાલકિલ્લાની એક એક ઈંટ ઇતિહાસની સાક્ષી પૂરે છે. તેમણે ભારતીય સંસ્કૃતિના પ્રાચીન મંદિરો માટે પણ કહ્યું હતું કે આવી સંરચના આજ સુધી કોઈ બનાવી શક્યું નથી, આજના એન્જિનિયર્સ કમ્પ્યુટર દ્વારા પણ એ સંરચનાની બનાવટનો ઉકેલ શોધી શકતા નથી.
ઉલ્લેખનીય છે કે 1904ના પ્રાચીન સ્મારક સંરક્ષણ અધિનિયમ હેઠળ જે સંપત્તિઓ સંરક્ષિત હતી તે સંપત્તિઓ પર વક્ફે 2013માં દાવો કર્યો હતો. આ બાદ વક્ફ બોર્ડે (Waqf Board) ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને (ASI) જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. વક્ફે જે સંપત્તિ દાવો કર્યો હતો તે આશરે 4.448 હેક્ટરમાં ફેલાયેલી છે. આ સંપત્તિ 1904ના પ્રાચીન સ્મારકો સંરક્ષણ અધિનિયમ હેઠળ સંરક્ષિત તરીકે ઘોષિત કરવામાં આવી છે. તેથી ASIએ આ દાવાના વિરોધમાં હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન દાખલ કરી હતી.
નોંધનીય છે કે કોર્ટ અનુસાર વક્ફ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયું છે કે 1904ના પ્રાચીન સ્મારકો જાળવણી અધિનિયમ હેઠળની એ મિલકતો જેના પર વક્ફે દાવો કર્યો હતો, તે કેન્દ્ર સરકાર કે કમિશ્નરના વાલીપણામાંથી મુક્ત કરવામાં આવી છે. પૂરતા પુરાવા કે દલીલો ન હોવાને કારણે હાઈકોર્ટે વક્ફના આદેશને ફગાવી દીધો છે.
વક્ફની આ જ અસીમિત શક્તિઓ પર અંકુશ મૂકવા કેન્દ્ર સરકાર વક્ફ કાયદામાં સુધારા લાવવા પ્રયાસો કરી રહી છે. સરકારે આ માટે 40 સંશોધનોનો સમાવેશ કર્યો છે અને પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં 8 ઓગસ્ટે આ બિલ સંસદમાં રજૂ થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.