ઉત્તર પ્રદેશના ઉન્નાવમાંથી એક પાંચ વર્ષીય બાળકનું ધર્મપરિવર્તન કરાવવાનો મામલો સામે. અહીં એક મૌલવીએ હિંદુ બાળકનું સુન્નત કરી નાંખ્યું હતું. જોકે, બાળકને ઇજા થઇ હોવાનું અનુમાન કરીને પરિજનો તેને હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં ભાંડો ફૂટ્યો હતો. આ મામલે હિંદુ સંગઠનોના ઉગ્ર વિરોધ બાદ પોલીસે કાર્યવાહી કરી આરોપી અસલમની ધરપકડ કરી લીધી છે.
આ મામલો યુપીના ઉન્નાવના શુક્લગંજનો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. અહીં રહેતા પાંચ વર્ષીય હિંદુ બાળકની માતા મૃત્યુ પામી છે અને પિતા મજૂરીકામ કરે છે. તે પિતા અને દાદી સાથે રહેતો હતો. તેમની પાડોશમાં જ રહેતો મદ્રેસાનો મૌલવી મોહમ્મદ અસલમ તેમના ઘરે આવતો-જતો રહેતો હતો. તેના કહેવાથી પરિજનોએ બાળકનું એડમિશન અસલમની મદ્રેસામાં કરાવી દીધું હતું.
આરોપ છે કે ગત શુક્રવારે મૌલવી અસલમે ધર્માંતરણના ઉદ્દેશ્યથી હિંદુ બાળકને બહેલાવી-ફોસલાવીને મદ્રેસાથી થોડે દૂર ગામની બહાર લઇ જઈને બાળકનું સુન્નત કરી નાંખ્યું હતું.
બાળકને પીડાતું જોઈને સ્વજનોને લાગ્યું કે તેને ઇજા થઇ છે, જેના કારણે તેઓ તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં ફરજ પર હાજર તબીબોએ તપાસ કરી બાળકની યોગ્ય પૂછપરછ કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. ત્યારબાદ હિંદુ સંગઠનોને પણ આ બાબતની જાણ થતાં વિસ્તારમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
આ મામલે વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા મંત્રીએ શનિવારે મોડી સાંજે પોલીસ મથકે પહોંચીને આરોપી સામે ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે પોલીસે FIR દાખલ કરીને ગણતરીના કલાકોમાં આરોપી મૌલવીની ધરપકડ કરી લીધી હતી.
આ ઘટના અંગે વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા મંત્રી મનોજ સેંગરે કહ્યું કે, તહેવારોના અવસર પર જિલ્લામાં સૌહાર્દ બગાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ મથકે પહોંચીને ફરિયાદ દાખલ કરાવી હતી. આરોપીને પોલીસે પકડી લીધો છે. બીજી તરફ, બાળકની સારવાર કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ અંગે પોલીસ અધિકારીએ જાણકારી આપતાં કહ્યું હતું કે, મનોજ સિંહ સેંગરની ફરિયાદ પર છળપૂર્વક બાળકના અંગભંગ કરવાની ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.