યુપીના (UP) સહારનપુર (Saharanpur) જિલ્લાના નકુડ વિસ્તારમાં લવ જેહાદનો (Love Jihad) એક ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં એક દલિત યુવતીએ (Dalit Girl) આરોપ લગાવ્યો છે કે, મોહમ્મદ આસિફ (Mohammad Asif) નામના યુવકે પહેલાં તેનું નામ છુપાવીને તેને પ્રેમજાળમાં ફસાવી અને પછી બળજબરીથી ધર્માંતરણ માટે દબાણ કરી રહ્યો હતો. આ કેસમાં પોલીસને આપવામાં આવેલી ફરિયાદ મુજબ, આસિફે યુવતીને ‘આશિષ’ (Aashish) તરીકેની ઓળખ આપી અને સંબંધ બનાવ્યા હતા. બાદમાં આપત્તિજનક વિડીયો અને ફોટો દ્વારા યુવતીને બ્લેકમેલ કરવાનું પણ શરૂ કરી દીધું હતું.
દલિત યુવતીની ફરિયાદ મુજબ, આસિફ સહારનપુર જિલ્લાના નકુડ વિસ્તારના જોગિયાનો રહેવાસી છે. તેણે આઠ મહિના પહેલાં યુવતીનો સંપર્ક કર્યો હતો અને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને તેણે પોતાની ઓળખ ‘આશિષ’ તરીકે આપી હતી, જ્યારે તેનું વાસ્તવિક નામ ‘આસિફ’ હતું. આ દરમિયાન આસિફે યુવતી સાથે અનેક વાંધાજનક વીડિયો અને ફોટા પાડ્યા હતા. જ્યારે યુવતીને તેનું અસલી નામ ખબર પડી તો તેણે તરત જ તેની સાથેનો સંબંધ સમાપ્ત કરી દીધો હતો.
તેનાથી નારાજ આસિફે તેના મિત્ર મોહસિન સાથે મળીને યુવતી પર ધર્માંતરણ માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીનો આરોપ છે કે, આસિફ અને મોહસિને તેને જાનથી મારી નાખવાની અને તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ એમ પણ જણાવ્યું કે, બંને આરોપીઓએ તેની સાથે મારપીટ કરી અને બળજબરીથી તેને મલિક કોમ્પ્યુટર સેન્ટરમાં ખેંચી ગયા હતા. યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, જ્યારે તે કોઈ કામ માટે કોમ્પ્યુટર સેન્ટર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે મોહસિન અને આસિફે તેને ત્યાં બોલાવી, મારપીટ કરી અને ધમકી આપી કે, જો તે ઇસ્લામ નહીં સ્વીકારે તો તેની જિંદગી બરબાદ કરી નાંખશે.
પીડિતાએ તેની ફરિયાદમાં જણાવ્યું છે કે, બંને આરોપીઓએ તેને જાતિસૂચક ગાળો પણ આપી હતી અને કહ્યું હતું કે, “હરામ*** ચમા***, તુઝે નહીં છોડેંગે.” એટલું જ નહીં, ઘણી વખત જાતિ આધારિત અપશબ્દોનો ઉપયોગ કરીને તેનું અપમાન પણ કર્યું હતું. પીડિતાએ પોલીસને આપેલી ફરિયાદની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
યુવતીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, આસિફ સાથે મલિક કોમ્પ્યુટર સેન્ટર ચલાવતો મોહસિન પણ અન્ય ઘણી છોકરીઓને પણ આવી જ રીતે ફસાવી રહ્યો છે. યુવતીનું કહેવું છે કે, કોમ્પ્યુટર સેન્ટર પર આવતી અન્ય યુવતીઓને પણ ટાર્ગેટ કરવામાં આવે છે અને તેમના કોન્ટેક નંબર મુસ્લિમ છોકરાઓને આપવામાં આવે છે, જે તેમને લવ જેહાદનો શિકાર બનાવે છે.
પોલીસે યુવતીની ફરિયાદ નોંધી આસિફ અને મોહસિન સામે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ કેસની તપાસની જવાબદારી નકુડ પોલીસ સ્ટેશનના સીઓને આપવામાં આવી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આરોપીઓની ટૂંક સમયમાં જ ધરપકડ કરી લેવામાં આવશે.