લોકસભા ચૂંટણી 2024 જાહેર થઈ ચૂકી છે. શનિવારે ઇલેક્શન કમિશને પ્રેસ કોન્ફરન્સ કરીને તે વિશેની માહિતી આપી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કોન્ફરન્સ દરમિયાન ચૂંટણીને લઈને અનેક જાણકારીઓ દેશ સામે રજૂ કરી છે. તેમણે કહ્યું છે કે, દેશમાં કુલ 96.8 કરોડ મતદારો મતદાન કરશે, સાથે જ તેમણે કહ્યું કે, 1.82 કરોડ યુવા મતદાતાઓ છે, જે આ વખતે પ્રથમ વાર પોતાનો અમૂલ્ય મત આપશે. આ ઉપરાંત જણાવવામાં આવ્યું કે, કમિશને ચૂંટણીની તમામ તૈયારીઓ કરી લીધી છે. સ્થાનિક સ્તરે પણ કમિશનની ટીમોને રાજકીય પક્ષોની બેઠક બોલાવીને આ વિશેની ચર્ચાઓ કરી છે.
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ લોકસભા ચૂંટણીમાં કુલ 96.8 કરોડ મતદારો મતદાન કરશે. મતદારોમાં પુરુષો 49.7 કરોડ, જ્યારે મહિલાઓની સંખ્યા 47.1 કરોડ જેટલી છે. જેમાંથી 1.82 કરોડ મતદારો પહેલી વખત મતદાન કરશે. 20થી 29 વર્ષની વયજૂથમાં હોય તેવા મતદારોની સંખ્યા 19.74 કરોડ જેટલી છે. 85થી વધુ ઉંમરના કુલ 82 લાખ વૃદ્ધો આ ચૂંટણીમાં મતદાન કરશે.
Celebrating Inclusivity!
— Election Commission of India (@ECISVEEP) March 16, 2024
Growth in voter categories, especially women, youth & PwDs reflects ECI commitment to inclusive rolls. With ~82 lakhs PwDs, 2.2 lakh 100+ & 48k Third gender voters, our rolls reflect a diverse mosaic of electorate.#ECI #ChunavKaParv #DeshKaGarv pic.twitter.com/zlLIUOaAiH
ચૂંટણી માટે દેશભરમાં સાડા દસ લાખ મતદાન કેન્દ્રો ઊભાં કરવામાં આવશે. મતદાન માટે કુલ 55 લાખ ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે કુલ 1.5 કરોડ પોલિંગ અધિકારીઓ-સુરક્ષાકર્મીઓ મળીને આ ચૂંટણી સંપન્ન કરાવશે. સમગ્ર પ્રક્રિયામાં 4 લાખ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણીની તમામ તૈયારીઓ પણ કમિશન દ્વારા પૂર્ણ થઈ હોવાનું કહેવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાને લઈને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.
હિંસામુક્ત ચૂંટણી પર કમિશનનો ભાર
આ ઉપરાંત CECએ કહ્યું કે, ચૂંટણી યોજવા અંગે ECI (ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા) સામે ચાર પડકારો છે. મસલ પાવર, મની પાવર અને ફેક ન્યૂઝ તથા MCCનું ઉલ્લંઘન. તેમણે કહ્યું કે, “અમે હિંસામુક્ત ચૂંટણી કરાવવા માંગીએ છીએ. તેથી ચૂંટણી દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના સહન કરવામાં આવશે નહીં. ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોને અખબારો અને અન્ય મીડિયા આઉટલેટ્સમાં ત્રણ વખત પોતાની માહિતી પ્રકાશિત કરવાની રહેશે. જેથી મતદાતાઓને ખ્યાલ રહે કે, તેમનો ઉમેદવાર કોણ છે. સાથે જ પાર્ટીએ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારને ટિકિટ શા માટે આપી તેનો પણ ખુલાસો કરવાનો રહેશે.”