કુસ્તીબાજ સાક્ષી મલિકે (Sakshi Malik) દાવો કર્યો છે કે બબીતા ફોગાટે (Babita Phogat) પહેલવાન આંદોલનનું (Wrestlers’ Protest) બીજ રોપ્યું હતું. તેમણે જ ખેલાડીઓને બૃજભૂષણ વિરુદ્ધ ઉશ્કેર્યા હોવાનું સાક્ષી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આમ કરવા પાછળનું કારણ કુસ્તી મહાસંઘના પ્રમુખની ખુરશી હોવાનો દાવો સાક્ષી કરી રહ્યા છે.
સોમવારે (21 ઓકટોબર 2024) ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા સાક્ષી મલિકે તેવો પણ દાવો કર્યો હતો કે બબીતાએ બેઠકો બોલાવીને પહેલવાનોને એકઠા કર્યા હતા. આ બેઠકમાં છેડતીના મામલા સહિત કથિત કુકર્મો વિરુદ્ધ વિરોધ ઉભો કરવાનો માહોલ તૈયાર કરવામાં આવ્યો હતો. સાક્ષીએ જણાવ્યું હતું કે બબીતા ઇચ્છતી હતી કે બૃજભૂષણની જગ્યાએ (Brij Bhushan Singh) તેમને કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બનાવી દેવામાં આવે.
બબીતાએ બોલાવી હતી બેઠક- સાક્ષી
સાક્ષીએ ઇન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે, “આંદોલન શરૂ થયું તેના ત્રણ-ચાર દિવસ પહેલા એક બેઠક કરવામાં આવી હતી. તે સમયે બબીતાએ મને ફોન કરીને બોલાવી હતી. મેં તેમને પૂછ્યું કે શેના માટે છે, તો તેમણે કહ્યું કે તને મારા પર ભરોસો છે કે નહીં. હું તેમની સાથે 15-20 વર્ષથી છું. મેં બજરંગ પૂનિયાને ફોન કર્યો તો તેમણે પણ મને કહ્યું કે હું આવી રહ્યો છું, તું પણ આવી જા.”
સાક્ષીએ દાવો કર્યો હતો કે, ત્યાં જઈને તેમને ખબર પડી હતી કે આંદોલન થવાનું છે. તેમણે એમ પણ કહ્યું કે આ આંદોલનની પરવાનગી બબીતા અને તીરથ રાણાએ લીધી હતી. કારણકે તેઓ ઈચ્છતા હતા કે બૃજભૂષણ સિંહને કુસ્તી મહાસંઘના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવે અને તેમની જગ્યાએ આ બંનેમાંથી કોઈ એકને બેસાડી દેવામાં આવે. સાક્ષીએ તેમ પણ કહ્યું કે તેઓ બધા ખુશ હતા કે અંતે કોઈએ તો આ મામલે અવાજ ઉઠાવ્યો.
અંદોલન 1 જ દિવસનું હતું- સાક્ષી મલિક
સાક્ષીએ કહ્યું કે, “મને લાગ્યું કે મારે જવું જોઈએ. અમને એમ જ હતું કે અમારું નામ છે અને અમે પહેલવાનો 11 વાગ્યે બેસીશું, એક વાગ્યા સુધીમાં અમને સાંભળી લેવામાં આવશે અને બાદમાં બધું ઠીક થઇ જશે. અમારું આંદોલન માત્ર એક જ દિવસનું હતું. અમને ત્યાં ખાવા-પીવાથી લઈને તમામ બાબતોની તકલીફો હતી. અમને એમ હતું કે જો અમને નહીં સાંભળવામાં આવે તો કોને સાંભળવામાં આવશે?”
નોંધવું જોઈએ કે સાક્ષીએ આ તમામ બાબતો તેમની આત્મકથાના પુસ્તક વિમોચન સમયે આપેલા એક ઈન્ટરવ્યું દરમિયાન કહી છે. તેમનું કહેવું છે કે તેમણે આ તમામ બાબતો આ પુસ્તકમાં પણ ટાંકી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પહેલવાનોના આંદોલનથી બજરંગ અને બબીતાને છૂટ મળી તેમાં માત્ર તેમનો જ સ્વાર્થ છલકાઈ રહ્યો હતો. તેમણે કહ્યું છે કે તેમના આ પુસ્તક ‘વિટનેસ’માં તેમની સાથે બાળપણમાં થયેલી છેડછાડ વિશે પણ લખ્યું છે. તેમણે તેનો આરોપ તેમના ટ્યુશન શિક્ષક પર લગાવ્યો છે.