જ્યારથી બાગેશ્વર ધામ દ્વારા ગુજરાતના અલગ અલગ શહેરોમાં કથા અને દિવ્ય દરબાર લગાવવાની ઘોષણા કરવામાં આવી છે, ત્યારથી આખા ગુજરાતમાં ક્યાંક સમર્થનના સુર તો ક્યાંક વિરોધના વંટોળ ફૂંકાયા છે. કેટલાક લોકોએ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે પડકારો ફેંક્યા છે તો વળી કોઈએ સમર્થનમાં આવી વિરોધ કરવાવાળાઓનો વિરોધ નોંધાવ્યો છે. આ બધા વચ્ચે સાળંગપુર ધામના કોઠારી સ્વામી વિવેક સાગરજીનું બાગેશ્વર ધામને સમર્થન આપતું નિવેદન સામે આવ્યું છે.
મળતા અહેવાલો અનુસાર બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અગામી સમયમાં ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ દરમિયાન ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં બાગેશ્વર ધામના દિવ્ય દરબાર પણ લાગવાના છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં અનેક લોકોએ બાગેશ્વર ધામનો વિરોધ નોંધાવ્યા બાદ જગવિખ્યાત સાળંગપુર ધામના કોઠારી સ્વામી વિવેક સાગરજીનું બાગેશ્વર ધામને સમર્થન આપતું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ” હું પણ હનુમાનભક્ત છું અને ધીરેન્દ્ર શાસ્ત્રી પણ હનુમાનભક્ત છે. અમે કષ્ટભંજનદેવને પ્રાર્થના કરીએ કે બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આ કાર્યક્રમો સફળ થાય.”
બાગેશ્વર ધામના સમર્થનમાં તેમણે આગળ જણાવ્યું હતું કે, “અત્યારે સત્ય સનાતન હિંદુ ધર્મનો ડંકો વાગી રહ્યો છે. બાગેશ્વર ધામથી ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાનજી મહારાજને લઈ દેશ-દુનિયામાં નીકળ્યા છે. ત્યારે તેમનો વિરોધ થાય તેના ઉપર ધ્યાન ન આપવું જોઈએ. બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી. વિરોધ કરનારને શંકા હોય તો તે પણ દરબારમાં જોડાઈ શકે છે.”
નોંધનીય છે કે બાગેશ્વર ધામના દરબારો લાગવાની ઘોષણા થયા બાદ અનેક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મુખ્ય રાજકોટ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અગામી 26 અને 27 મેના રોજ સુરત ખાતે આવેલા નિલગીરી મેદાનમાં બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર યોજવાનો છે. ત્યાર બાદ 29 મેના રોજ અમદાવાદના ઘાટલોડીયાના ચાણક્યપુરી ખાતે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દરબાર લગાવશે. અને તેની પુર્ણાહુતી બાદ 1 જૂન અને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામનો દિવ્ય દરબાર લાગશે. આ તમામ સ્થળોએ હાલ બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આગમનની તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને ‘Y’ કેટેગરીની સુરક્ષા ફળવાઈ
નોંધનીય છે કે, પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને અવારનવાર મળતી ધમકીઓના કારણે મધ્યપ્રદેશ સરકારે તેમને Y શ્રેણીની સુરક્ષા આપી છે. આ આદેશ મધ્યપ્રદેશના કાયદો અને વ્યવસ્થા સુરક્ષાના આઈજી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તેની નકલ તેમણે અન્ય રાજ્યોના પોલીસ વિભાગને પણ મોકલી છે. તાજેતરમાં જ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ અજાણ્યા લોકો દ્વારા હુમલાની ધમકી મળી હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તો બીજી તરફ સુરક્ષા ફાળવણીનો આદેશની નકલ અન્ય રાજ્યોને મોકલવામાં આવતા બની શકે ગુજરાત પ્રવાસ દરમિયાન બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ગુજરાતમાં પણ ‘Y’ કેટેગરીની સુરક્ષા આપવામાં આવે. Y કેટેગરીની સુરક્ષામાં 11 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે તેમની પાસે પહેલેથી જ બે PSO (ખાનગી સુરક્ષા ગાર્ડ) પણ છે. આ શ્રેણીમાં કમાન્ડો તેનાત કરવામાં આવતા નથી.