કોલકાતા રેપ-મર્ડર કેસમાં CBIએ હવે RG કર હોસ્પિટલ અને મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ કરી છે. આ પહેલાં તેમને એજન્સીએ કોલેજ-હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારના કેસમાં પકડ્યા હતા, હવે ટ્રેની ડોક્ટર રેપ-હત્યા કેસમાં FIR નોંધવામાં વિલંબ અને પુરાવાઓ સાથે છેડછાડ મામલે ધરપકડ કરવામાં આવી છે. તેમને કોર્ટમાં રજૂ કરીને કસ્ટડી માંગવામાં આવશે.
આ કેસમાં અન્ય એક પોલીસકર્મીની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમની ઓળખ તાલા પોલીસ મથકના SHO અભિજિત મંડલ તરીકે થઈ છે.
એજન્સીએ શનિવારે (14 સપ્ટેમ્બર) સાંજે CBI કોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરીને સંદીપ ઘોષની કસ્ટડી માંગી હતી, જેમાં તેમની ઉપર ‘અન્યો સાથે મળીને ષડ્યંત્ર રચી FIR નોંધવામાં વિલંબ કરવાનો’ અને ‘અગત્યના પુરાવાઓ સાથે છેડછાડ કરવાનો’ આરોપ લગાવ્યો હતો. સાથે એમ પણ કહેવામાં આવ્યું કે, ઘોષે મુખ્ય આરોપી અને (જો કોઇ હોય તો) અન્ય આરોપીઓને બચાવવા માટે બદઇરાદાપૂર્વક આ ગુનો આચર્યો હતો.
CBIએ જણાવ્યું કે, કેસની તપાસ દરમિયાન RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પણ સંડોવણી ધ્યાને આવી છે, જેમણે જાણ થતાંની સાથે જ તાત્કાલિક પીડિતાનું મૃત્યુ ઘોષિત ન કર્યું અને પછીથી FIR નોંધવામાં પણ વિલંબ કર્યો હતો. જેના કારણે પછીથી રેપ અને મર્ડર જેવા ગંભીર ગુનામાં પણ અગત્યના પુરાવા સાથે ચેડાં કરવામાં આવ્યાં. એજન્સીએ અરજીમ કહ્યું કે, આ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 238, 199 અને 61(2) હેઠળ સ્પષ્ટ રીતે ગુનો ગણાય છે.
આ મામલાની તપાસ કરવા માટે અને સંદીપ ઘોષની પૂછપરછ કરવા માટે એજન્સીએ તેમની કસ્ટડી માંગી હતી. બીજી તરફ, શનિવારે સ્થાનિક પોલીસ મથકના SHO અભિજિત મંડલની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. એજન્સીએ લગભગ સાતેક કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી પરંતુ જવાબો સંતોષકારક ન લાગતાં આખરે સાંજે તેમની ધરપકડ કરી લેવામાં આવી. તેમની ધરપકડ પણ FIRમાં વિલંબ મામલે થઈ હોવાનું સામે આવ્યું છે.
આ કેસમાં અત્યાર સુધી ત્રણ ધરપકડ થઈ છે. અગાઉ મુખ્ય આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી. જે રેપ અને હત્યાનો આરોપી છે. જ્યારે હવે સંદીપ ઘોષ અને મંડલની ધરપકડ FIRમાં વિલંબ અને પુરાવા સાથે ચેડાં કરવા મામલે થઈ છે.