કોલકાતામાં (Kolkata) RG કર હોસ્પિટલમાં (RG Kar Hospital) ટ્રેની ડોક્ટર સાથે બનેલ બળાત્કાર અને હત્યા મામલે ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા. આ મામલે RG કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ (Sandip Ghosh) અને તાલા પોલીસ સ્ટેશનના પૂર્વ ઈન્ચાર્જ અભિજીત મંડલની ધરપકડ બાદ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. સામે આવ્યું હતું કે પૂર્વ પ્રિન્સીપાલ સંદીપ ઘોષ આ મામલે કોઈ ફરિયાદ નોધાવવા માંગતા નહોતા. જ્યારે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અભિજીત મંડલે (SHO Abhijit Mandal) આ કેસમાં પુરાવા દબાવવાનો અને આરોપીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
14 સપ્ટેમ્બરે SHO અભિજીત મંડલની ધરપકડ બાદ CBIની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તાલા પોલીસ સ્ટેશન અને RG કર હોસ્પિટલ વચ્ચે 10 મિનિટનું અંતર છે, તેમ છતાં અભિજીત મંડલને હોસ્પિટલ પહોંચવામાં મોડું થયું. સંદીપ ઘોષે 10 ઓગસ્ટે સવારે 10:3એ પોલીસને જાણ કરી હતી, જયારે અભિજીત મંડલ 11 વાગે ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ કેસના મુખ્ય આરોપી સંજય રોયને બચાવવા માટે પુરાવા દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે. મંડલે જાણીજોઈને ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું.
ઉપરાંત અધિકારીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે પોલીસ રેકોર્ડમાં અભિજીત મંડલની સામાન્ય ડાયરીની નોંધણીમાં ખોટી માહિતી હતી. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ડૉક્ટરનો મૃતદેહ “ચેસ્ટ મેડિસિનના સેમિનાર રૂમમાં બેભાન અવસ્થામાં પડેલો” જોવા મળ્યો હતો, જોકે ડૉક્ટરોએ અગાઉ શરીરની તપાસ કરી હતી ત્યારે જ પીડિતાને મૃત જાહેર કરવામાં આવી હતી.
આ સિવાય આ સિવાય પુરાવા સીલ કરતી વખતે મંડલે તેની કોઈ વિડિયોગ્રાફી પણ કરાવી ન હતી. પુરાવાઓ છુપાવવા ઉતાવળે પીડિતાના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરાવી દીધો હતો. ઉપરંત સંજય રોયના કપડા રિકવર કરવામાં પણ બે દિવસનો સમય લાગ્યો હતો. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ બધું પીડિતા સાથે થયેલ બળાત્કાર અને હત્યાના મામલાને દબાવવા માટે કરવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોસ્પિટલના પ્રિન્સિપાલ સંદીપ ઘોષને સવારે 9:58 વાગ્યે મહિલા ડૉક્ટરની બળાત્કાર-હત્યાની જાણ થઈ હતી. પરંતુ તમામ માહિતી હોવા છતાં, તેમણે આ મામલે ફરિયાદ નોંધાવી નહીં. ઉપરાંત તેમણે વકીલ સાથે વાત કરીને મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું. જો કે બાદમાં વાઇસ પ્રિન્સિપાલે કેસ દાખલ કર્યો હતો. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે સંદીપ ઘોષ અને મંડલ ઘટના પછી સવારે 10:03 વાગ્યાથી સંપર્કમાં હતા, પરંતુ બંનેમાંથી કોઈએ કોઈ કાર્યવાહી કરી ન હતી.
આ કેસમાં અત્યાર સુધી મુખ્ય આરોપી સંજય રોય, કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ સંદીપ ઘોષ અને તાલા સ્ટેશનના SHO અભિજીત મંડલની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ ડોક્ટર્સ ન્યાયની માંગ સાથે પ્રદર્શન પણ અડગ છે. ત્યારે CM મમતા બેનરજીએ ડોક્ટર્સ સાથે મળીને વાતચીત કરવા કહ્યું હતું, પરંતુ ડોક્ટર્સે મુકેલી શરતોનું કે તેમની વાતચીતનું લાઇવ સ્ટ્રીમીંગ થવું જોઈએ, તેનું પાલન ન કરતા ડોક્ટર્સ તેમને મળવા આવ્યા નહોતા. હજી પણ ડોક્ટર્સ મૃતક માટે ન્યાયની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે.