કોલકાતાની RG કર મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે રેપ અને ત્યારબાદ હત્યાની ઘૃણાસ્પદ ઘટના બાદ એક તરફ CBIની તપાસ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ રાજ્યમાં ન્યાયની માંગ સાથે પ્રદર્શનો થઈ રહ્યાં છે. બુધવારે (14 ઑગસ્ટ) મધ્ય રાત્રિએ આવું જ એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, પરંતુ તેને નુકસાન પહોંચાડવા માટે અમુક ઉપદ્રવીઓના ટોળાએ હૉસ્પિટલમાં ઘૂસીને ડૉક્ટરો સાથે મારપીટ કરી હતી અને ઇમરજન્સી વૉર્ડમાં તોડફોડ મચાવી હતી. આ મામલે જ્યારે પોલીસ પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે તેને સમર્થન આપતી નવી વિગતો સામે આવી છે.
ઘટના બની ત્યારે હૉસ્પિટલમાં હાજર નર્સોનું કહેવું છે કે પોલીસ તેમને હુમલો કરનારાઓથી બચાવવાના સ્થાને પોતે જ છુપાઈ ગઈ હતી અને જ્યારે તેમણે પ્રશ્ન કર્યા તો કહેવામાં આવ્યું હતું કે તેમની સુરક્ષા એ પોતાની જવાબદારી છે. ABPની બંગાળી ચેનલ સાથે વાત કરતાં નર્સે આ મામલે વધુ વિગતો જણાવી હતી.
એક નર્સે ચેનલને કહ્યું કે, “એવું થયું હતું કે પોલીસકર્મીઓ બાથરૂમમાં ઘૂસી ગયા હતા અને સંતાવા માટે અમને જગ્યા કરી આપવાનું કહ્યું હતું.” તેમણે આગળ કહ્યું કે, “તેઓ અમારા વૉર્ડમાં આવ્યા અને સંતાવા માટે જગ્યા આપવા માટે કહ્યું હતું.” આગળ કહ્યું કે, હૉસ્પિટલમાં તોડફોડ રોકવાની જગ્યાએ પોલીસકર્મીઓ સંતાવાના પ્રયાસ કરી રહ્યા હતા.
નર્સે આગળ કહ્યું કે, “અમે જ્યારે તંત્રને પૂછ્યું કે આવું શા માટે થયું, ત્યારે તેમણે અમને કહ્યું કે, તમારી સુરક્ષા એ તમારી જવાબદારી છે.”
મધ્ય રાત્રિએ થઈ હતી તોડફોડ
ઉલ્લેખનીય છે કે હૉસ્પિટલમાં તોડફોડની આ ઘટના રાત્રે લગભગ 12:40 વાગ્યે બની. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલો કરનારાઓએ ઈમરજન્સી વૉર્ડ પણ છોડ્યો ન હતો અને દવાઓ તેમજ સાધનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર જે વિડીયો સામે આવ્યા છે તેમાં ટોળાને હૉસ્પિટલ પરિસરમાં ઘૂસીને તોડફોડ કરતાં, પોલીસ વાહનોને નુકસાન પહોંચાડતાં અને હાજર ડૉક્ટરો સાથે મારપીટ કરતાં જોઈ શકાય છે. દરમ્યાન પથ્થરમારો પણ થયો હોવાનું કહેવાય છે. આ બધું બન્યું ત્યારે સ્થળ પર પોલીસ પણ હાજર હતી.
આ મામલે અમુક ડૉક્ટરોએ પોલીસ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, તેમણે ઉપદ્રવીઓને બહાર એકઠા થતા જોયા હતા. જેથી તેમણે પોલીસને પણ જાણ કરી હતી, પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં ન આવી. જ્યારે ધમાલ શરૂ થઈ તો બચવા માટે પોલીસકર્મીઓ પણ પરિસરમાં આવી ગયા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં શુભેન્દુ મલિક નામના એક વરિષ્ઠ ડૉક્ટરે કહ્યું કે, ઉપદ્રવીઓના કારણે વિરોધ પ્રદર્શન કરતા ડૉક્ટરોએ ભગવું પડ્યું હતું. હુમલો કરનારાઓએ ક્રાઇમ સીન જ્યાં છે તે ઈમારતમાં પણ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ મૂકદર્શક બનીને બેસી રહી.”