કોલકાતા ખાતે RG કર હોસ્પિટલમાં (RG Kar Hospital) 31 વર્ષીય મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાએ સમગ્ર દેશને ઝકઝોળી મૂક્યો હતો. સમગ્ર દેશમાં લોકો આ ઘટનાનો વિરોધ કરી રહ્યા હતા. સમગ્ર કેસની (Kolkata Doctor Rape-Murder Case) તપાસ CBI અંતર્ગત ચાલી રહી હતી. ત્યારે ડોક્ટરના મૃત્યુ બાદ હોસ્પિટલ પ્રશાસન દ્વારા પીડિતાના માતા-પિતાને કોલ કરીને તેણે આત્મહત્યા કરી હતી એવી માહિતી આપવામાં આવી હતી. આ અંગે હાલ 3 કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે.
હોસ્પિટલના અસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા 9 ઓગસ્ટના રોજ તાલીમાર્થી ડોક્ટરની હત્યા બાદ તેમના માતા-પિતાને ઘટના અંગે ગોળગોળ ફેરવવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલે મૃતકના માતા-પિતાને કરેલા કોલના રેકોર્ડિંગ સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસ અનુસાર પીડિતાના પરિવારને માત્ર એક કોલ કરવામાં આવ્યો હતો, પરંતુ પીડિતાના માતા-પિતાએ કોર્ટમાં જણાવ્યુ હતું કે હોસ્પિટલમાંથી તેમને 3 કોલ આવ્યા હતા. જેમાંથી પ્રથમ કોલ સાવરે 10:53 કલાકે આવ્યો હતો.
‘તાત્કાલિક હોસ્પિટલમાં આવો, તમરી દીકરીએ આત્મહત્યા કરી હોય એમ લાગે છે’
પ્રથમ કોલ હોસ્પિટલના મહિલા અસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. કોલ રેકોર્ડિંગ અનુસાર પીડિતાના પિતા પૂછે છે કે, “મહેરબાની કરીને મને કહો કે શું થયું?” સામેથી જવાબ આવે છે કે, “તમારી પુત્રીની તબિયત ખૂબ ખરાબ છે, તમે બની શકે એટલી જલ્દી હોસ્પિટલ આવો.” પીડિતાના પિતા ફરીથી પૂછે છે કે શું થયું, ત્યારે સામેવાળી વ્યક્તિ જવાબ આપે છે કે, “ડોક્ટર તમને માહિતી આપશે, તમે જલદી આવો.” ત્યારે પીડિતાના પિતા પૂછે છે કે “તમે કોણ બોલો છો?” ત્યારે કોલમાં બોલતી વ્યક્તિ હોસ્પિટલના અસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ તરીકે પોતાની ઓળખ આપે છે. પીડિતાના પિતા તેમને ડોક્ટર અંગે પૂછે છે, પરતું અસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ કહે છે કે, “અમે તમારી પુત્રીને તાત્કાલિક ધોરણે દાખલ કરી છે, તમે આવો અને અમારો સંપર્ક કરો. ત્યારે પીડિતાની માતા પૂછે છે કે, “શું થયું તેને, તે તેની નોકરી પર હતી.” “તમે બને તેટલું જલદી આવો” એમ કહી કોલ કપાઈ જાય છે. આ સાંભળીને પીડિતાના માતા-પિતા તાત્કાલિક હોસ્પિટલ જવા નીકળી જાય છે. તે દરમિયાન જ બીજો કોલ આવે છે.
બીજા કોલમાં કોઈ પુરુષ વાત કરી રહ્યો હોય છે. તે પીડિતાની માતાને પૂછે છે કે, “તમે આવો છો ને?” ત્યારે પીડિતાના માતા હકારમાં જવાબ આપે છે અને પુત્રીની તબિયત અંગે પૂછે છે. ત્યારે સામેથી જવાબ આવે છે કે, “તમે આવો, પછી આપણે વાત કરીએ.” પીડિતાના માતા પિતાને RG કર હોસ્પિટલના ચેસ્ટ ડિપાર્ટમેન્ટના HOD પાસે બોલાવવામાં આવે છે. આ બાદ અસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ત્રીજો કોલ કરવામાં આવે છે.
ત્રીજા કોલમાં અસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ પીડિતાના માતા-પિતાને કહે છે કે, “તમારી દીકરીએ આત્મહત્યા કરી છે અને તે મૃત્યુ પામી છે. પોલીસ અહીં હાજર છે, અમે બધા અહીં હાજર છીએ, કૃપા કરીને શક્ય તેટલી વહેલી તકે આવો.”
સુપ્રીમ કોર્ટે લગાવી હતી ફટકાર
આ સિવાય સુપ્રીમ કોર્ટે હોસ્પિટલ પ્રશાસન અને પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને પણ ફટકાર લગાવી હતી કે, આ મામલે હોસ્પિટલે કેમ ફરિયાદ નોંધાવી નહોતી. તથા કોલકાતા પોલીસને ફરિયાદ લેવામાં વિલંબ કરવા માટે ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કોલકાતા પોલીસ દ્વારા અકુદરતી મૃત્યુની નોંધણી કરવામાં વિલંબને ‘અત્યંત ખરાબ’ ગણાવ્યો. કોર્ટે ખાસ કરીને અકુદરતી મૃત્યુની નોંધણી અને ત્યારપછીના પોસ્ટમોર્ટમમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવતી કાનૂની ઔપચારિકતાઓના ક્રમ અને સમય અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
CBIએ કોર્ટ સમક્ષ રજૂ કરેલા સ્ટેટ્સ રિપોર્ટ અનુસાર પશ્ચિમ બંગાળ પોલીસે પહેલાં મૃતકના માતા-પિતાને તેણે આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું. પછીથી કહેવામાં આવ્યું કે હત્યા થઈ છે. ત્યારે આ મામલે સામે આવેલ કોલ રેકોર્ડિંગ દ્વારા હજી વધુ ખુલાસા થવાની સંભાવનાઓ રહેલી છે.