રવિવારે (23 નવેમ્બર) કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ દિલ્હીમાં ‘સિંધી સમાજ સંમેલન’ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે કાર્યક્રમ દરમિયાન એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું, જે પછીથી ખૂબ વાયરલ પણ થયું. તેમણે ભાષણ આપતા કહ્યું હતું કે સિંધ આજે ભારતનો ભૌગોલિક ભાગ નથી, પરંતુ સાંસ્કૃતિક અને સભ્યતાગત રીતે હંમેશા તે ભારતનું અભિન્ન અંગ રહેશે. તેમણે એ સંભાવના પણ સામે રાખી હતી કે ભૂરાજકીય સરહદો કાયમી નથી, સિંધ ફરીથી ભારતમાં પણ આવી શકે છે.
તેમણે આગળ એવું પણ કહ્યું હતું કે સિંધને પોતાની ભૂમિ અને સિંધુ નદીને માતા માનતા લોકો હંમેશા ભારતના જ રહેશે, તેઓ દુનિયાના કોઈપણ છેડે કેમ ન હોય, પણ તેઓ રહેશે ભારતના જ. તેમણે ભાષણમાં ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણીનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લાલકૃષ્ણ અડવાણીએ તેમનાં પુસ્તકમાં લખ્યું છે કે સિંધી હિંદુઓ, ખાસ કરીને તેમની પેઢીના, સિંધને ભારતથી અલગ થવાને ક્યારેય સ્વીકારી શક્યા નથી.
ભારતમાં રહેતા સિંધી સમુદાય વિશે વાત કરતા તેમણે કહ્યું કે વિભાજન પછી સિંધીઓએ શૂન્યથી નવું જીવન શરૂ કર્યું હતું, પરંતુ તેમની મહેનત અને હિંમતથી આજે તેઓ સફળ થયા છે. સિંધી સમુદાય ભારતના આર્થિક વિકાસ અને વિવિધ સામાજિક પ્રયાસોમાં મહત્વનું યોગદાન પણ આપી રહ્યો છે. રાજનાથ સિંઘનાં આ નિવેદન બાદ સિંધની ચર્ચાએ વેગ પકડ્યો છે.
સિંધ પ્રદેશ અને સિંધુ સમુદાય
હાલ પાકિસ્તાનમાં રહેલો સિંધ પ્રદેશ સભ્યતાગત રીતે ભારતનો એક ભાગ છે. ભારતના રાષ્ટ્રગીતમાં પણ સિંધનો વિશેષ ઉલ્લેખ આવે છે. તેની પાછળનું કારણ એ છે કે સિંધમાંથી જ ભારતની પ્રાચીન સિંધુ ખીણની સભ્યતા શરૂ થઈ હતી. એવું કહેવાય છે કે આ સભ્યતાના વિકાસના કારણે જ સિંધી સમુદાય આજે પણ ઘણો વિકસિત અને સભ્યતાગત છે. સિંધ પ્રદેશમાં મોટાભાગની વસ્તી સિંધી હિંદુઓની હતી/છે. વિભાજન પહેલાંથી સિંધીઓનું વર્ચસ્વ આ પ્રદેશમાં નિર્ણાયક રહ્યું હતું.
રાજકીય, સાંસ્કૃતિક, આર્થિક અને સામાજિક બાબતોમાં સિંધીઓ આગવું સ્થાન ધરાવતા હતા. વિભાજન પહેલાં તે વિસ્તારોનો વિકાસ પણ નોંધપાત્ર થયો હતો અને તેનો શ્રેય પણ તત્કાલીન સિંધી નેતૃત્વને જ જાય છે. તે સમયે સિંધીઓ ન માત્ર આર્થિક, પરંતુ સામાજિક ક્ષેત્રે પણ પરિવર્તનના મશાલચી બની રહ્યા હતા. એવા જ એક સિંધીની આજે વાત કરવાની છે. નામ છે તેમનું ભગત ખેમચંદ.
સિંધી સુધારક ભગત ખેમચંદ
સિંધ પ્રાંતમાં એક જિલ્લો છે થરપારકર. આ જિલ્લાનું મુખ્યમથક છે મીઠી. મીઠી જિલ્લાનું મુખ્યમથક હોવાની સાથે તાલુકો પણ છે અને હિંદુઓની વસ્તી પણ ખાસ્સી છે. થરપારકરની સરહદ રાજસ્થાનને અડકે છે. એટલે એક રીતે મીઠીમાં રાજસ્થાની કે કચ્છી સંસ્કૃતિમાં ઘણા તત્વો પણ જોવા મળે છે. આજે પણ મીઠીની 80 ટકા વસ્તી હિંદુઓની છે. જોકે, મુસ્લિમો પણ ઘણી સંખ્યામાં રહે છે, પરંતું વર્ચસ્વ આજે પણ થોડુંઘણું હિંદુઓ પાસે રહ્યું છે.
આ જ મીઠી ગામમાં એક ભગત ખેમચંદ આસનાણી થઈ ગયા. 1 એપ્રિલ, 1881માં તેમનો જન્મ થયો હતો. તેમના નમ્ર અને મૃદુ સ્વભાવના કારણે તેમની છાપ ‘ભગત’ તરીકેની પડી ગઈ હતી. વિભાજન પહેલાં તેઓ સિંધ સરકારના મહેસૂલ વિભાગના અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. 1936માં તેઓ નિવૃત થયા હતા. અધિકારીની સાથે-સાથે તેઓ સારા કવિ, તત્વચિંતક, શિક્ષક, લેખક અને નાટ્યકાર પણ રહી ચૂક્યા હતા.
હિમાલયથી લઈને છેક કચ્છ સુધી, જ્યાં પણ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળ્યા હતા, ત્યાં તેમણે પ્રવાસ કર્યો હતો અને દસ્તાવેજ પણ તૈયાર કર્યા હતા. દરમિયાન 1899માં છપ્પનિયો દુષ્કાળ પડ્યો હતો. આવી કપરી સ્થિતિમાં ભગત ખેમચંદ લોકોની મદદ માટે આગળ આવ્યા હતા. સરકારી પદ પર રહીને તેમણે અનેક સુવિધાઓ અને મદદ પૂરી પાડી હતી.
તે સિવાય 1927માં તેમણે પ્રથમ વખત સિંધી સમુદાયનું સંમલેન બોલાવ્યું હતું અને સમુદાયની પ્રગતિ માટે ચર્ચા કરી હતી. 1933માં તેમણે યુવા કાર્યકરોની સમિતિની રચના કરી હતી. તેમણે તેમના શિષ્યો તથા સ્થાનિક લોકોને નૈતિકતા, સમાજવિજ્ઞાન અને સાંપ્રત પરિસ્થિતિ વિશે જ્ઞાન પણ આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ભણાવવા માટે વર્ગ પણ ચલાવ્યા હતા. 1902માં યુવાનો અને બાળકોને શારીરિક તાલીમ આપવા માટે અખાડો પણ શરૂ કર્યો હતો.
1918-20 દરમિયાન રોગચાળો ફાટી નીકળતા ખેમચંદ અને તેમના સાથીઓએ ગરીબો અને બિમારોની પુષ્કળ મદદ કરી હતી. આ ઉપરાંત તેમણે શિક્ષણની જ્યોત પણ પ્રજ્વલિત કરી હતી. 1939માં મીઠીમાં તેમણે કન્યા પ્રાથમિક શાળા અને લાઇબ્રેરી ખોલવા માટે ફાળો પણ એકઠો કર્યો હતો. આજે જ્યારે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ના શીર્ષક હેઠળ સરકારી યોજના ચાલી રહી છે, તે હિસાબે 1939માં તેમણે ભરેલું આ પગલું ખૂબ ક્રાંતિકારી ગણાઈ રહ્યું હતું.
વિભાજન બાદ પણ તેઓ પોતાના વતન મીઠીમાં જ રહ્યા હતા. 19 માર્ચ, 1974માં તેમનું અવસાન પણ તેમના વતનમાં થયું હતું. આજે પણ સ્થાનિક સિંધી સમુદાય તેમને સમાજસુધારક ગણે છે અને તેમને સારું એવું સન્માન પણ આપે છે. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન ઘણા પુસ્તકો પણ લખ્યા હતા અને તેમના જીવન પર પણ એક પુસ્તક લખાયું છે. વલીરામ વલભ નામના એક લેખકે તેમના પર પુસ્તક લખ્યું હતું.
1946માં તેમનો પરિવાર કચ્છ સ્થાયી થયો
ભગત ખેમચંદની ત્રીજી પેઢીના વંશજ જયંતી ઠક્કરે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિભાજન પહેલાં થરપારકર જિલ્લા અને મોટાભાગના સિંધમાં સિંધી હિંદુઓનું વર્ચસ્વ સારા પ્રમાણમાં હતું. તેઓ સરકારનાં લગભગ તમામ મોટા પદો ધરાવતા હતા. મોટાભાગે સિંધીઓ અમલદારો હતા અને તેના કારણે પહેલાંથી જ આર્થિક સદ્ધર પણ હતા. તેમણે તેમના પરદાદા ભગત ખેમચંદ વિશે કહ્યું હતું કે વર્ષો બાદ આજે પણ મીઠી અને થરપારકર વિસ્તારમાં તેમને યાદ કરવામાં આવે છે. આજે તે વિસ્તારમાં તેમના પરદાદાના પ્રતાપે ઘણી શાળાઓ અને કન્યા શાળાઓ પણ ખૂલી ગઈ છે.
હાલ જયંતીભાઈ ઠક્કર અને તેમનો પરિવાર કચ્છના આદિપુરમાં રહે છે. તેઓ આયાત-નિકાસ તથા પ્રોપર્ટી લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સિંધોલોજી અને મોર્ડન હાઇસ્કૂલના ટ્રસ્ટી પણ છે. અન્ય સામાજીક સંસ્થાઓ પણ તેઓ સક્રિય છે. તેમના દાદા ગેહીમલને અગાઉ 1946માં કચ્છ આવવાનું બન્યું હતું. તેઓ કોઠારામાં પોસ્ટ માસ્તર હતા. પછી છેવટે તેમનો આખો પરિવાર જ કચ્છના આદિપુરમાં સ્થાયી થઈ ગયો હતો.
જોકે, જયંતીભાઈએ એવું પણ કહ્યું છે કે તેમનું આખું કુટુંબ આજે પણ સિંધમાં જ રહે છે અને મીઠીમાં પૈતૃક ઘરોમાં સ્થાયી છે. વારે-તહેવારે તેમની સાથે વાતચીત થતી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.


