ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંઘ પન્નુ અવારનવાર ભારત વિરુદ્ધ ઝેર ઓકે છે. નવી-નવી ધમકીઓ આપીને વિડીયો જાહેર કરે છે. આ પહેલાં પણ તેણે અનેકવાર ધમકીઓ આપી હતી. જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે ફરી એકવાર પન્નુએ ધમકીભર્યો વિડીયો બનાવીને જાહેર કર્યો છે. તેણે અમદાવાદ ખાતે રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ICC વર્લ્ડ કપ ફાઇનલને ‘શટડાઉન’ કરવાની ધમકી આપી છે. સાથે તેણે હિંદુ, મુસ્લિમ રમખાણો અને શીખ વિરોધી રમખાણોનો ઉલ્લેખ પણ કર્યો છે.
પ્રતિબંધિત ખાલિસ્તાની આતંકી સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ના વડા ગુરપતવંત સિંઘ પન્નુએ ફરી એકવાર ધમકીભર્યો વિડીયો જાહેર કર્યો છે. તેણે રવિવારે (19 નવેમ્બરે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી વર્લ્ડ કપ ફાઇનલને લઈએ ધમકી આપી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આ મેચને બંધ કરવા ધમકી આપી છે. પન્નુનો આ વિડીયો સામે આવ્યા બાદ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને ગુજરાત પોલીસને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
શીખ અને મુસ્લિમ સમુદાયને ભડકાવવા પ્રયાસો
ખાલિસ્તાની આતંકી પન્નુના સામે આવેલા વિડિયોમાં તે ‘શટડાઉન ટેરર કપ’ (Shutdown Terror Cup) કહેતો સાંભળવા મળી રહ્યો છે. સાથે જ તેણે 1984ના શીખ નરસંહાર અને 2002ના ગુજરાત રમખાણોનો હવાલો આપીને ભારતના શીખો અને મુસ્લિમોને ભડકાવવાના પ્રયાસો કરતો નજરે પડે છે. એટલું જ નહીં પણ તે આ વિડિયોમાં ગાઝાને લઈને ભારતના સ્ટેન્ડ વિશેની ટીકા કરીને ખોટો પ્રચાર પણ કરતો જોવા મળી રહ્યો છે. સાથે જ તે ભારતમાં રહેતા મુસ્લિમો અને શીખોને ભારત વિરુદ્ધ ભડકાવવા અને ગુમરાહ કરવા માટેના પ્રયાસો કરી રહ્યો છે.
આ પહેલાં પણ આપી હતી ધમકી
આ કોઈ પહેલી ઘટના નથી કે આતંકી પન્નુએ વિડીયો જાહેર કરીને ધમકી આપી હોય. આ પહેલાં 5 નવેમ્બરે પન્નુએ ભારત સરકારને ધમકી આપી હતી. તે વિડિયોમાં આતંકી ગુરપતવંત પન્નુએ એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. તેણે દુનિયાભરના શીખોને 19 નવેમ્બર બાદ એર ઇન્ડિયામાં યાત્રા ન કરવાની અપીલ કરી હતી. સાથે તેણે એવું પણ કહ્યું હતું કે, 19 નવેમ્બરે દુનિયાભરમાં કોઈપણ જગ્યાએથી એર ઇન્ડિયાની ફ્લાઇટ નહીં ઊડે અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ તે દિવસે બંધ રહેવો જોઈએ.
તેણે તે વિડિયોમાં વધુ કહ્યું હતું કે, “આ તે જ 19 નવેમ્બર છે જે દિવસે ટેરર વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે. દુનિયાને જણાવવામાં આવશે કે ભારતમાં શીખોનો નરસંહાર થયો હતો અને તે ભારતે કર્યો હતો. જ્યારે અમે પંજાબને આઝાદ કરીશું ત્યારે તે એરપોર્ટના નામ શહીદ બેઅંત સિંઘ અને શહીદ સતવંત સિંઘ એરપોર્ટ રાખીશું.” નોંધનીય છે કે 19 નવેમ્બરે જ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ છે.
જોકે, આતંકી પન્નુએ તે પહેલાં પણ અનેકવાર ધમકીઓ આપી હતી. વર્લ્ડ કપ ચાલુ થયા પહેલાં તેણે ધમકી આપી હતી કે જો વર્લ્ડ કપ મેચ શરૂ થઈ તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવામાં આવશે.