કેન્દ્ર સરકારે જ્યારથી વક્ફ એક્ટમાં (Waqf Act) સુધારણા માટે સંસદમાં બિલ રજૂ કર્યું ત્યારથી મુદ્દો ચર્ચામાં છે. દરમ્યાન અનેક એવા વિવાદો પણ સામે આવી રહ્યા છે, જેમાં વક્ફ બોર્ડ દ્વારા ગેરકાયદેસર રીતે કબજો જમાવી લેવામાં આવ્યો હોય. તાજેતરનો કેસ કેરળના કોચીના મુનમ્બમ (Munambam) વિસ્તારનો છે. જાણવા મળ્યું છે કે અહીં મોટા પ્રમાણમાં જમીન પર વક્ફ બોર્ડે દાવો માંડી દીધો છે, જેના કારણે લગભગ 600 જેટલા પરિવારો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. અસરગ્રસ્તમાંથી મોટાભાગના ખ્રિસ્તી પરિવારો છે. જેમના માટે એક ચર્ચે અવાજ ઉઠાવ્યો છે અને સરકારના વક્ફ બિલને સમર્થન આપ્યું છે તો ભાજપે પણ બનતી મદદ કરવાની ખાતરી આપી છે.
મુનમ્બમ એ કોચીનો ઉપનગરીય વિસ્તાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ક્ષેત્રમાં લગભગ 1000 લેન્ડ ટાઇટલ છે અને આ જમીન પર વિવિધ સમુદાયના લગભગ 600 પરિવારોની માલિકી છે. તેમનું કહેવું છે કે આ માલિકી પુરવાર કરતા તમામ દસ્તાવેજો પણ તેમની પાસે છે અને જે અનુસાર આ જમીન પર વર્ષ 1989થી તેમની માલિકી બોલે છે. પરંતુ પાંચ વર્ષ પહેલાં અહીં વક્ફ બોર્ડે દાવો માંડી દીધો હતો અને હવે આ પરિવારોને પોતાના જ ઘરમાંથી હાંકી કાઢવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ વિસ્તારો એર્નાકુલમ જિલ્લાના મુનમ્બમ, ચેરાઈ અને પલ્લિકલ ટાપુઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ મામલે કેરળ કૅથલિક બિશપ્સ કાઉન્સિલના માઇકલ પુલિકલે મીડિયાને જણાવ્યું હતું કે, “આ જમીનનો ઇતિહાસ છેક 1902થી શરૂ થાય છે. તે સમયે ત્રાવણકોરના રાજાએ ગુજરાતથી ખેતી માટે કેરળ આવેલા એક અબ્દુલ સત્તાર મુસા હાજી શેઠ નામના વ્યક્તિને 404 એકર જમીન અને 60 એકર પાણી ધરાવતી જમીન લીઝ પર આપી હતી. તે પહેલાં આ જમીનની લીઝ સ્થાનિક માછીમારોને આપવામાં આવતી હતી, જેઓ વર્ષોથી અહીં રહીને વ્યવસાય કરતા હતા.”
Shocking revelation by BJP leader @AnoopKaippalli : Waqf Board is trying to grab an entire village of 600 Christian families in Kochi (Kerala).
— Mr Sinha (@MrSinha_) September 27, 2024
These families have been living there for centuries and have proper documents…
pic.twitter.com/27vhfowux7
વિવાદનાં મૂળિયાં નખાયાં વર્ષ 1948માં, જ્યારે હાજી શેઠના વારસદારે લીઝ પર મળેલી આ જમીન એર્નાકુલમ સબ-રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવીને જમીન પોતાના નામે કરી લીધી હતી. બીજી તરફ સમુદ્રના ધોવાણ અને ભારે વરસાદના કારણે ઘણો ભૌગોલિક ફેરફાર આવ્યો. ભારે વરસાદ અને સમુદ્રી લહેરોના કારણે ‘પંડારા સમુદ્રતટ’ નામનો આ વિસ્તાર જ નષ્ટ થવાના આરે આવી ગયો અને આમ તો રાજાએ આ જમીનનો અમુક જ ભાગ હાજી શેઠને આપ્યો હતો પણ પછીથી તેના વારસદારે જે જમીન નામે કરી હતી તેમાં એ ભૂભાગ પણ આવી ગયો, જ્યાં માછીમારો છેલ્લા સૈકાઓથી રહેતા હતા.
રહી જતું હતું તો વર્ષ નવેમ્બર, 1950માં સિદ્દીકીએ આ જમીન ફારુક કોલેજને ભેટમાં આપી દીધી હતી. જોકે તે સમયે કરારમાં શરતો એવી મૂકવામાં આવી હતી કે કોલેજ આ જમીનનો ઉપયોગ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સિવાય અન્ય કોઈ હેતુ માટે કરશે નહીં અને કોઈ પણ તબક્કે જો ફારૂક કોલેજનું અસ્તિત્વ ન રહે તો જમીન વારસદારો પાસે પરત આવી જશે. પરંતુ આ દસ્તાવેજોમાં જાણીજોઈને કે ‘અજાણ્યે’ ‘વક્ફ’ શબ્દ ઉમેરી દેવામાં આવ્યો હતો. જેના કારણે આ સમગ્ર વિવાદ સર્જાયો છે.
થોડાં વર્ષો બાદ કોલેજ મેનેજમેન્ટ અને સ્થાનિકો વચ્ચે જમીનના ઉપયોગને લઈને વિવાદ પણ થયો હતો અને મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. વર્ષો સુધી કેસ ચાલ્યા બાદ જમીનની તપાસમાં સામે આવ્યું કે તે કોલેજને ભેટમાં આપવામાં આવી હતી. જેથી કોર્ટનો આદેશ પણ સ્થાનિકોના પક્ષો આવ્યો નહીં.
પુલિકલે કહ્યું કે, કોર્ટ સામે અમારો પક્ષ એ જ છે કે આ જમીન પર વક્ફ દાવો કરી શકે નહીં અને આવી જમીન વક્ફની સંપત્તિ ઘોષિત ન કરી શકાય કારણ કે અગાઉ ઘણા નિર્ણયોમાં તેને ફારૂક કોલેજને ભેટમાં આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવી ચૂક્યો છે. ઉપરાંત, વક્ફ એક્ટના 2013ના સંશોધન અનુસાર, જમીનને વકફ તરીકે નામિત કરવાનો દાવો ત્રણ વર્ષની અંદર કરવામાં આવવો જોઈએ. પરંતુ 2019માં વક્ફ બોર્ડે આ દાવો કર્યો હતો અને નિવાસીઓને સૂચિત કરવા માટે કોઈ કાયદાકીય પ્રક્રિયા પણ હાથ ધરવામાં ન આવી.
ચર્ચનું વકફ એક્ટને સમર્થન, ભાજપે પણ ઉઠાવ્યો મુદ્દો
આ મામલે કેરળની સાયરો-માલાબાર ચર્ચે વક્ફ પર બનાવવામાં આવેલી સંયુક્ત સંસદીય સમિતિને એક પત્ર મોકલીને એક્ટનું સમર્થન કર્યું હતું અને તેમાં આ વિવાદ પણ ટાંક્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, મુનમ્બમ અને તેની આસપાસના વિસ્તારો દ્વારા નોંધપાત્ર પ્રમાણમાં જમીન વક્ફ દ્વારા ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવી છે અને તેના માટે કાયદાકીય લડત પણ ચાલી રહી છે. સાથે આ મામલો ધ્યાન પર લેવા માટે અપીલ કરવામાં આવી હતી. આ સિવાય 27 સપ્ટેમ્બરના રોજ મુનમ્બમમાં ચર્ચ અને અન્ય સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેને ભારતીય જનતા પાર્ટીએ સમર્થન આપ્યું છે.
સમગ્ર વિવાદને લઈને કેરળ ભાજપ ચર્ચ અને ખ્રિસ્તી પરિવારોની મદદે આગળ આવ્યું છે. ભાજપે કહ્યું છે કે આ ભૂમિ પર ગેરકાયદેસર દાવો કરવું અયોગ્ય છે. પાર્ટી વિરોધ પ્રદર્શનને સમર્થન આપશે. આ જમીન પર વસતા 600 પરિવારો તેનાથી પ્રભાવિત થઇ શકે તેમ છે. આ મામલે ભાજપ નેતા શોન જોર્જે કહ્યું હતું કે, “મુનમ્બમ ભૂસંરક્ષણ સમિતિ દ્વારા તેમની જગ્યાના રક્ષણ માટે કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનને ભાજપ સમર્થન આપશે.” બીજી તરફ જિલ્લા અધ્યક્ષ કેએસ શૈજુ અને પ્રવક્તા કેવીએસ હરિદાસે પણ ભૂમિ અતિક્રમણ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધમાં સાથ આપવાનું જણાવ્યું છે.