દિલ્હીના શાસક પક્ષ આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય આતિશી મારલેનાએ ટ્વીટ કરીને દિલ્હીના શિક્ષણ મોડેલ અંગે અભ્યાસ કરવા માટે કેરળના અધિકારીઓએ દિલ્હીની એક શાળાની મુલાકાત લીધી હોવાનો દાવો કર્યો હતો. જોકે, ત્યારબાદ કેરળ સરકાર દ્વારા આ દાવાનું ખંડન કરીને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમના કોઈ પણ અધિકારી દિલ્હી ગયા નહતા!
23 એપ્રિલના (શનિવાર) રોજ આમ આદમી પાર્ટી નેતા અને કાલકાજીનાં ધારાસભ્ય આતિશી મારલેનાએ ટ્વીટ કરતાં કહ્યું હતું, “કાલકાજી ખાતેની શાળામાં કેરળના અધિકારીઓની યજમાની કરવાની તક મળી. તેઓ અમારા શિક્ષણ મોડેલને સમજવા અને પોતાના રાજ્યમાં લાગુ કરવા માટે ઈચ્છુક હતા. આ અરવિંદ કેજરીવાલ સરકારની રાષ્ટ્રનિર્માણ માટેની વિચારધારા છે.”
ઉપરાંત, આ જ પ્રકારનું એક ટ્વીટ આમ આદમી પાર્ટીના અધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી પણ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું કે, ‘કેરળના મહાનુભાવોએ શિક્ષણ ક્રાંતિ અંગે જાણવા માટે દિલ્હીની સરકારી શાળાઓની મુલાકાત લીધી અને એમ પણ કહ્યું કે, આ કક્ષાની સુવિધાઓ હશે તેવી તેમને અપેક્ષા ન હતી.’ વધુમાં કહેવામાં આવ્યું કે, ‘કેજરીવાલ સરકારના હેપ્પીનેસ ક્લાસથી પ્રભાવિત થઈને શિક્ષણવિદોએ કેરળમાં પણ આ પ્રણાલી લાગુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.’
જોકે, આમ આદમી પાર્ટીનો આ દાવો લાંબો સમય ટકી શક્યો નહીં અને ‘આપ’ ધારાસભ્ય આતિશી મારલેના અને પાર્ટી દ્વારા કરવામાં આવેલ ટ્વીટ ધ્યાને આવતાં કેરળ સરકારે આ મામલે સ્પષ્ટતા કરવી પડી હતી. કેરળ સરકારે સ્પષ્ટતા કરીને કહ્યું કે, તેમના કોઈ અધિકારીઓ દિલ્હી ગયા ન હતા.
કેરળ રાજ્યના શિક્ષણ પ્રધાને દિલ્હીના શિક્ષણ મોડેલ અંગે અભ્યાસ કરવા કે અન્ય કોઈ પણ કારણોસર રાજ્યના અધિકારીઓને દિલ્હી મોકલવા અંગેના અહેવાલો નકારી કાઢ્યા હતા. કેરળના શિક્ષણમંત્રી વી શિવનકુટ્ટીએ કહ્યું, ‘દિલ્હી મોડેલ’ અંગે જાણકારી મેળવવા માટે કેરળ શિક્ષણ વિભાગે કોઈને પણ મોકલ્યા નથી.
તેમણે વધુમાં કહ્યું કે, “બીજી તરફ, ગયા મહિને કેરળ મોડેલનો અભ્યાસ કરવા માટે દિલ્હીથી મુલાકાત લેવા માટે આવેલ અધિકારીઓને અમે તમામ મદદ પૂરી પાડી હતી. ‘આપ’ ધારાસભ્ય દ્વારા કયા અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું એ અમે પણ જાણવા માંગીએ છીએ.”
જોકે, દિલ્હીની શાળાઓની મુલાકાત લેનારાઓમાં CBSE સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનના સેક્રેટરી અને કેરળ સહોદય સંઘના કોષાધ્યક્ષ સહિતના વ્યક્તિઓ સામેલ હોવાનું ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જાણવા મળ્યું છે.