કેરળના (Kerala) કન્નુરમાં કોર્ટે એક NRI વ્યક્તિને બેવડી આજીવન કેદની (Life Imprisonment) સજા ફટકારી છે. આ ઉપરાંત ₹15 લાખનો દંડ પણ ફટકાર્યો છે. આ NRI અબ્બાએ તેની દીકરી પર 7 મહિના સુધી બળાત્કાર (Rape) ગુજાર્યો અને તેને ગર્ભવતી બનાવી હતી. આરોપી અબ્બા કતરમાં રેસ્ટોરન્ટ ચલાવે છે. આ મામલો સામે આવ્યા બાદ તેને ભારત બોલાવીને પકડી લીધો હતો. ત્યારે હવે કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો છે. નોંધનીય છે કે, આ દરમિયાન એક વખત બળાત્કારી અબ્બા જામીન મળ્યા બાદ ગાયબ થઈ ગયો હતો અને તેની અમ્મીએ પણ નિવેદન બદલી નાખ્યું હતું.
અહેવાલ અનુસાર, 2020માં એક NRI પરિવાર કેરળના કન્નુરમાં આવ્યો હતો. કોવિડના નિયમોને કારણે વ્યક્તિને એક અલગ રૂમમાં રાખવામાં આવ્યો હતો અને તેને ખોરાક અને પાણી આપવાની જવાબદારી તેની મોટી પુત્રીને આપવામાં આવી હતી. ત્યારે પીડિતા 13 વર્ષની હતી. 13 વર્ષીય સગીર પુત્રી પર જ તેના અબ્બાએ તે સમયે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાક્રમ સતત 7 મહિના સુધી ચાલતો રહ્યો હતો. સતત બળાત્કારને કારણે સગીરા ગર્ભવતી બની હતી. ત્યારપછી આરોપી અબ્બા કતાર પરત જતો રહ્યો હતો.
પીડિતા ગર્ભવતી થતા બહાર આવ્યો મામલો
સતત બળાત્કારનો ભોગ બન્યા બાદ પીડિતા સતત બીમાર રહેવા લાગી હતી અને એક દિવસ બેભાન થઈ ગઈ હતી. જ્યારે પીડિતાને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી ત્યારે તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. હોસ્પિટલે આ મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે યુવતીએ પહેલાં તેના અબ્બાનું નામ ન લઈને તેના પિતરાઈ ભાઈ પર બળાત્કારનો આરોપ લગાવી દીધો હતો. પીડિતાએ કહ્યું હતું કે, તેનો ભાઈ તેને પોર્ન બતાવીને તેની સાથે બળાત્કાર કરતો હતો. જોકે, બાદમાં તેણે સમગ્ર મામલો તેની એક આંટીને જણાવ્યો હતો, જેના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
છોકરીના અબ્બાને ભારત બોલાવવા માટે બહાનું બનાવવામાં આવ્યું હતું અને જ્યારે તે ભારત આવ્યો ત્યારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. DNA ટેસ્ટથી સ્પષ્ટ થયું હતું કે, પીડિતાને રહેલ ગર્ભ તેના અબ્બાનો હતો. ત્યારપછી તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, ટ્રાયલ દરમિયાન તેને જામીન મળી ગયા હતા અને તે ક્યાંક ભાગી ગયો હતો. આ પહેલાં તેની અમ્મીએ હાઇકોર્ટની પરવાનગી લીધા બાદ સગીરાનો ગર્ભપાત કરાવી દીધો હતો. બાદમાં પીડિતાની અમ્મીએ પણ પોતાનું નિવેદન બદલી દીધું હતું અને તેના શોહરનો પક્ષ લેવા લાગી હતી. આ કારણે મામલો અટકી ગયો હતો અને જુલાઈ 2023 સુધી તેનો અંતિમ નિર્ણય લઈ શકાયો નહોતો.
કોર્ટે ફટકારી ડબલ આજીવન કેદ
આ સમયગાળા દરમિયાન સગીરાને અલગ સુરક્ષા કેન્દ્રમાં રાખવામાં આવી હતી. 5 જાન્યુઆરી 2025ના રોજ પોલીસને માહિતી મળી હતી કે, આરોપી અબ્બા તેના ઘરે આવ્યો છે અને ત્યાં જ રહે છે. ત્યારપછી પોલીસે તેને પકડી લીધો અને બે દિવસમાં જ કોર્ટે આ ચુકાદો આપી દીધો હતો. કોર્ટે પોક્સો (POCSO) કાયદા હેઠળ તેની જ પુત્રી પર બળાત્કાર કરનાર દોષિત અબ્બાને બેવડી આજીવન કેદ અને બે વીસ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સિવાય તેને વધુ 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે તેને ₹15 લાખનો દંડ પણ ફટકાર્યો છે જે તેની પુત્રીને આપવામાં આવશે.