Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજાહેરાતજીવી કેજરીવાલ સરકાર: શિક્ષકોને 29 લાખના પુરસ્કારો આપવા માટે ખર્ચી નાંખ્યા 144...

    જાહેરાતજીવી કેજરીવાલ સરકાર: શિક્ષકોને 29 લાખના પુરસ્કારો આપવા માટે ખર્ચી નાંખ્યા 144 લાખ: 70 લાખ માત્ર છાપાંમાં જાહેરાતો આપવા માટે ખર્ચાયા

    કેજરીવાલ સરકારે શિક્ષકોને 29 લાખના પુરસ્કાર આપ્યા, પરંતુ સામે પાંચ ગણા રૂપિયા જાહેરાતો આપવામાં અને આયોજન પાછળ ખર્ચી નાંખ્યા.

    - Advertisement -

    ગઈકાલે શિક્ષક દિવસ હતો ત્યારે એક આરટીઆઈ મારફતે જાણવા મળ્યું છે કે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે ગત વર્ષે શિક્ષકોને પુરસ્કાર આપવા માટેનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. જેમાં 117 શિક્ષકોને 29.25 લાખ રૂપિયાના પુરસ્કારો આપવા માટે કાર્યક્રમના આયોજન અને જાહેરાતો પાછળ 144 લાખ રૂપિયા ખર્ચી નાંખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

    આ બાબતો ગુજરાતના આરટીઆઈ એક્ટિવિસ્ટ સુજીત પટેલ દ્વારા કરવામાં આવેલ આરટીઆઈના જવાબમાં મળેલી વિગતો બાદ બહાર આવી છે. આરટીઆર દ્વારા વર્ષ 2021ના શિક્ષક દિને દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલ કાર્યક્રમમાં થયેલ ખર્ચની વિગતો માંગવામાં આવી હતી. 

    જેના જવાબમાં જાણવા મળ્યું હતું કે, શિક્ષકોને પુરસ્કાર આપવા માટે આયોજિત કાર્યક્રમ માટે દિલ્હી સરકારે એક કરોડ એકાવન લાખ રૂપિયા ફાળવ્યા હતા. જેમાંથી DTTDC, શિક્ષકોને આપવામાં આવતી શૉલ, બસ પાછળ કુલ 73 લાખ 22 હજાર 963નો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, દરેક શિક્ષકને પુરસ્કાર આપવા માટે 29.25 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 117 શિક્ષકોને વ્યક્તિદીઠ 25 હજાર રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 

    - Advertisement -

    જોકે, એક શિક્ષકને 25 હજાર એમ 117 શિક્ષકોને પુરસ્કાર આપવા માટે કેજરીવાલ સરકારે જે કાર્યક્રમ આયોજિત કર્યો હતો તેની પાછળ અને તેની જાહેરાતો આપીને પ્રચાર કરવા પાછળ કેજરીવાલ સરકારે પાંચ ગણો ખર્ચ કરી નાંખ્યો હતો. 

    શિક્ષક દિવસે આયોજિત થયેલા આ કાર્યક્રમની પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાતો આપવા માટે કરવામાં આવેલ ખર્ચની વિગતો માંગવામાં આવતાં તેના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે કેજરીવાલ સરકારે શિક્ષક દિવસે આ કાર્યક્રમ આયોજિત કરવા માટેની જાહેરાતો આપવા માટે કુલ 70 લાખ 86 હજાર 792 રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ તમામ જાહેરાતો અખબારોમાં આપવામાં આવી હતી. ઇલેક્ટ્રોનિક મીડિયામાં કોઈ જાહેરાત આપવામાં આવી ન હતી. 

    જેથી, કાર્યક્રમમાં કુલ 117 શિક્ષકોને પુરસ્કાર આપવા માટે માત્ર 29.25 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. પરંતુ આ કાર્યક્રમ આયોજિત કરવા માટે અને તેની જાહેરાતો આપવા માટે કેજરીવાલ સરકારે તેનાથી પાંચ ગણા રૂપિયા ખર્ચી નાંખ્યા હતા. જે કુલ ખર્ચ 1 કરોડ 44 લાખ રૂપિયા થયો હતો. 

    આ વિગતો બહાર આવ્યા બાદ કેજરીવાલ સરકાર ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી ગઈ હતી. ભાજપ નેતાઓ શેહઝાદ પૂનાવાલા અને તજિન્દર પાલ સિંધ બગ્ગાએ આ અંગે ટ્વિટ કરી કેજરીવાલ સરકાર પર લોકોના પૈસા જાહેરાતો અને પ્રસિદ્ધિ મેળવવા પાછળ ખર્ચી નાંખવાના આરોપ લગાવ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં