કેદારનાથ-બદ્રીનાથ જ્યોર્તિમઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ફરી એક વાર ચર્ચામાં છે. તાજેતરમાં તેમણે દાવો કર્યો હતો કે કેદારનાથ મંદિરમાંથી 228 કિલો સોનું ગાયબ થયું છે. જેના આક્ષેપો મંદિર સમિતિ પર લગાવ્યા હતા. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના આક્ષેપો પર શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે શંકરાચાર્યએ આ મુદ્દે પુરાવા રજૂ કરવા જોઈએ.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આક્ષેપો હતા કે, કેદારનાથમાં થયેલા સોનાના કૌભાંડનો મુદો ઉઠાવવામાં નથી આવી રહ્યો. વધુમાં કહ્યું કે, “કેદારનાથ મંદિરમાં કૌભાંડ થયા પછી હવે દિલ્હીમાં કેદારનાથનું નિર્માણ થશે. પછી દિલ્હીમાં પણ કૌભાંડ થશે.” નોંધનીય છે કે દિલ્હીમાં નિર્માણ થનારા કેદારનાથ મંદિરનો ઘણા દિવસોથી વિરોધ થઈ રહ્યો છે.
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આવા આક્ષેપો પર શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “એક સંત તરીકે હું સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીને માન આપું છું, પરંતુ તેઓ આખો દિવસ પ્રેસ કોન્ફરન્સ કરતા રહે છે. વિવાદ ઊભો કરવો, સનસનાટી મચાવી અને સમાચારમાં રહેવું એ સ્વામી અવિમુક્તેશ્વરાનંદની આદત બની ગઈ છે. કેદારનાથ ધામમાં સોનું ગાયબ થવા પર તેમનું નિવેદન ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હું તેમને તથ્યો અને પુરાવા સામે લાવવા પડકાર આપું છું.”
#WATCH | Uttarakhand: Shri Badrinath-Kedarnath Temple Committee President Ajendra Ajay says, "I respect Swami Avimukteshwaranand but he keeps holding press conferences throughout the day…Stoking controversy, create sensationalism and being in the news is a habit of Swami… https://t.co/Efo9oz6I7g pic.twitter.com/bQNHM5BtDS
— ANI (@ANI) July 17, 2024
અજયે આગળ કહ્યું, “તેમણે અધિકારીઓ પાસે જવું જોઈએ, પુરાવા રજૂ કરવા જોઈએ અને તપાસની માંગ કરવી જોઈએ. જો તેમને અધિકારી પર વિશ્વાસ ન હોય, તો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ, પીઆઈએલ દાખલ કરવી જોઈએ અને જો તેમની પાસે ખરેખર પુરાવા હોય તો તપાસની માંગણી કરવી જોઈએ.” આગળ કહ્યું કે, “માત્ર વિરોધ કરવા માટે કે કોંગ્રેસના એજન્ડાને આગળ વધારવા માટે તેઓ આમ કરતા હોય તો તે બાબત અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.”
આગળ સ્પષ્ટતા કરતાં કહેવામાં આવ્યું કે, “કેદારનાથ ધામમાં જે ગર્ભગૃહ સ્વર્ણમંડિત કરવામાં આવ્યું હતું તેમાં બદરી-કેદારનાથ મંદિર સમિતિની કોઇ ભૂમિકા રહી નથી કે ન રાજ્ય સરકારે આમાં કોઇ હસ્તક્ષેપ કર્યો છે. આ કાર્ય મુંબઈના એક દાતાએ પોતાના જ્વેલર્સના માધ્યમથી સંપાદિત કરાવ્યું હતું. ન તો મંદિર સમિતિએ સોનું ખરીદ્યું હતું કે ન આપ્યું હતું. તેમણે સ્વયં જ એ કામ કર્યું છે. તેમણે દેશનાં અન્ય મંદિરોમાં પણ આ પ્રકારનાં દાન આપ્યાં છે.” તેમણે કહ્યું કે, આ પ્રકારનાં નિવેદનોથી જે દાતાઓ હિંદુ ધર્મનું સંરક્ષણ કરે છે અને સંવર્ધન કરે છે તેમની ભાવનાઓને પણ ઠેસ પહોંચે છે.
સોનું ગાયબ થયું હોવાના ખોટા આરોપોની સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે, “દાવો કરવામાં આવ્યો હતો કે 228 કિલો સોનું ગાયબ થયું હતું, પરંતુ હકીકતે ગર્ભગૃહમાં 23 કિલો સોનું વપરાયું હતું. તે પહેલાં પરંતુ ચાંદીની પ્લેટ હતી, જેનું વજન 230 કિલો હતું, જેના કારણે મીડિયામાં ગેરસમજ ફેલાઇ હતી. પરંતુ સોના અને ચાંદીની પ્લેટમાં તફાવત હોય છે. ચાંદી સંપૂર્ણ ચાંદીની જ બને છે, જ્યારે સોનાની પ્લેટ કોપર પર કોટિંગ કરીને તૈયાર કરવામાં આવે છે. આ તકનીક દેશનાં તમામ મંદિરોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેથી એક સંત તરીકે સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ સદ્ભાવના સંદેશ આપવા જોઈએ, આ પ્રકારે નિવેદનો આપવાં ન જોઈએ.”
અવિમુક્તેશ્વરાનંદ સ્વામીની શંકરાચાર્ય તરીકે નિમણૂકને લઈને પણ ચાલી રહ્યો છે વિવાદ
ઉલ્લેખનીય છે કે 11 સેપ્ટેમ્બર 2022ના રોજ જ્યોતિર્મઠના પૂર્વ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદનું નિધન થતાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની જ્યોતિર્મઠના ઉત્તરાધિકારી તરીકે જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત થતાં જ સંન્યાસી અખાડાએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને શંકરાચાર્ય માનવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. નિરંજની અખાડાના સચિવ અને અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રાજેન્દ્ર પુરીએ એવો દાવો કર્યો હતો કે અવિમુક્તેશ્વરનંદની નિયુક્તિમાં શંકરાચાર્યની નિયુક્તિ માટે જે પ્રક્રિયા થાય છે તેવી પ્રક્રિયા કરવામાં નથી આવી.
આ સિવાય પણ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ઘણા વિવાદોમાં ઘેરાઈ ચૂક્યા છે. તાજેતરમાં જ 15 જુલાઈને સોમવારે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ઉદ્ધવ ઠાકરેના નિવાસ માતોશ્રી ગયા હતા. આ મુલાકાત બાદ તેમણે ઉદ્ધવ ઠાકરે સાથે વિશ્વઘાત થયો છે તેવું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે જ્યાં સુધી ઉદ્ધવ ફરીથી મુખ્યમંત્રી નહીં બને તેમની પીડા ઓછી નહીં થાય.