ખેડા જિલ્લાના કઠલાલમાં એક હિંદુ પિતા-પુત્ર પર મુસ્લિમ ટોળાએ વાહન ચલાવવા જેવી નજીવી બાબતમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. શનિવારે સાંજે આ ઘટના બનવા પામી હતી, જેના કારણે હિંદુ સંગઠનો ન્યાયની માંગ સાથે પોલીસ મથકે પહોંચી ગયાં હતાં, જ્યાં મુસ્લિમ ટોળાં પણ એકઠાં થઈ જતાં થોડા સમય માટે માહોલ તણાવપૂર્ણ બન્યો હતો, પણ પછીથી પોલીસે સ્થિતિ કાબૂમાં લઇ લીધી હતી. હાલ પોલીસે આ મામલે વસીમ નામના એક ઇસમ અને બાકીના અજાણ્યા શખ્સો સામે FIR દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ, પોલીસ મથક બહાર ધમાલ બાદ અન્ય એક FIR પણ દાખલ કરાઈ છે.
સતીશકુમાર ગોર નામના એક વ્યક્તિએ પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે કઠલાલ પોલીસે વસીમ ગુલામનબી ખોખર અને અન્ય અજાણ્યા પાંચથી સાત ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.
FIR અનુસાર, આ ઘટના શનિવારે (7 સપ્ટેમ્બર) બનવા પામી હતી. 60 વર્ષીય સતીશ ગોર સાંજના સમયે કોઈ કામ માટે બાઇક લઈને કઠલાલના સરાલી પાટિયા નજીક ગયા હતા. જ્યાંથી કામ પતાવીને તેઓ તેમના ખેતર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ટોલ પ્લાઝા પાસે તેમની બાઇક પાછળ એક કાર આવીને ઊભી રહી હતી. કારચાલકે બાઇકની એકદમ પાછળથી ઓવરટેક કર્યું હતું. જેના કારણે ફરિયાદીએ તેને ઊભા રહેવા માટે ઈશારો કર્યો હતો.
જોકે, કારચાલક ન ઊભો રહેતાં ફરિયાદી પણ આગળ વધી ગયા હતા. દરમિયાન તેઓ ખોખરવાડા બ્રિજ પર પહોંચ્યા, જ્યાં કારચાલક સહિત 5થી 7 લોકો ઊભા હતા. આરોપીઓએ ફરિયાદીની બાઇકને અટકાવી દીધી હતી અને ખરાબ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. આરોપ છે કે, તકરાર દરમિયાન વસીમ નામનો શખ્સ ફરિયાદીને લાફા ઝીંકવા માંડ્યો હતો. ઘટનાની ગંભીરતા બાદ ફરિયાદીએ તેમના પુત્રને જાણ કરીને ત્યાં બોલાવ્યો હતો. ફરિયાદીના પુત્રએ ઘટનાસ્થળ પર પહોંચીને માર કેમ માર્યો તેમ પૂછતાં આરોપીઓએ તેના પર પણ હુમલો કરી દીધો હતો.
ફરિયાદ અનુસાર, આરોપીઓએ તેમના ખિસ્સામાં રાખેલા 4,500 રૂપિયા અને બાઇકની ચાવી પણ ઝૂંટવી લીધી હતી અને ત્યારબાદ પિતા-પુત્ર બંનેને ઢોર માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો પણ ઘટનાસ્થળે ઘસી આવ્યા હતા. જેના કારણે આરોપીઓ ફરિયાદીના રૂપિયા અને બાઇકની ચાવી લઈને જ ભાગી છૂટ્યા હતા. આરોપ છે કે જતાં-જતાં પણ તેમણે હિંદુ પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના બાદ ફરિયાદીના પુત્રએ જણાવ્યું હતું કે, તેમને માર મારનાર અને પૈસા ચોરીને ભાગી ગયેલો આરોપી ખોખરવાડાનો વસીમ ઉર્ફે બકરાવાળો ગુલામનબી ખોખર હતો અને તેની સાથે રહેલા અન્ય શખ્સો પણ ખોખરવાડાના જ હતા.
પીડિત વ્યક્તિએ ઑપઇન્ડિયાને જણાવ્યું- એકઠા થયેલા ટોળામાંથી પણ તેમની સાથે મારપીટ કરાઈ હતી
ફરિયાદીએ ઑપઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન સમગ્ર ઘટનાની અન્ય વિગતો પણ આપી. તેમણે કહ્યું કે, ઓવરટેક કરીને તે જ શખ્સ આગળ જઈને ઊભો રહ્યો હતો અને તેની સાથે 5થી 7 અન્ય લોકો પણ ઊભા રહ્યા હતા. તેમજ તેમના પર હુમલો થયો તે દરમિયાન ત્યાં 40થી 50 મુસ્લિમો એકઠા થઈ ગયા હતા અને તે ટોળાંમાં રહેલા ઘણા લોકોએ પણ તેમની સાથે મારપીટ કરી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ પર એકઠું થયેલું આખું ટોળું ખોખરવાડા ગામનું હતું અને તમામ ખોખરવાડાના મુસ્લિમ સમુદાયના જ હતા.
તેમણે કહ્યું કે, ઘટનાના કારણે મોટી સંખ્યામાં ટોળાં એકઠા થવા લાગ્યા હતા અને તેમને માર મારવામાં આવ્યો. પરંતુ પછીથી સ્થાનિક લોકો વચ્ચે આવી જતાં તમામ નાસી ગયા હતા. ઘટના બાદ જ તેઓ પુત્ર સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ હિંદુ સમાજના લોકો પણ એકઠા થઈ ગયા હતા. જોકે, બંને પક્ષો સામસામે પણ આવી ગયા હતા, પરંતુ પોલીસે વચ્ચે આવીને સ્થિતિ સંભાળી લીધી હતી.
હિંદુ પિતા-પુત્રની ફરિયાદ બાદ કઠલાલ પોલીસ સ્ટેશનમાં વસીમ સહિતના ટોળાં વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 310(2), 115(2), 352 અને 351(2) હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને હાલ તે અંગેની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિંદુઓ ફરિયાદ નોંધાવવા ગયા તો મુસ્લિમ ટોળાં પણ એકઠાં થઈ ગયાં, બાઇક સળગાવાયાં
આ મામલે ફરિયાદી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચતાં તેમની સાથે ન્યાયની માંગ સાથે હિંદુ સમાજના લગભગ 200 લોકો પણ પહોંચ્યા હતા. દરમ્યાન, ત્યાં મુસ્લિમ સમુદાયનાં ટોળાં પણ એકઠાં થવા માંડ્યાં હતાં. અહીં પોલીસ મથક બહાર નારાબાજી થઈ અને માહોલ તંગ બની ગયો હતો. ત્યારબાદ ખેડા પોલીસે સૂચકતા વાપરીને જિલ્લાનાં અલગ-અલગ પોલીસ મથકોએથી વધારાની ફોર્સ બોલાવી લીધી હતી અને સમજાવટ અને બળપ્રયોગ થકી ટોળાં વિખેરી નાખવામાં આવ્યાં હતાં. પરંતુ અહીં અમુકે મોટર સાયકલો અને દુકાનમાં નુકસાન પહોંચાડ્યું હતું અને એક બાઇક પણ સળગાવી દીધું હતું.
પોલીસે આ મામલે પણ અજાણ્યા ઇસમો સામે અન્ય એક FIR દાખલ કરી છે. જેમાં જણાવાયું કે પાંચ-છ મોટરસાયકલને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને કઠલાલ ચોકડી સ્થિત ‘પ્રિન્સ મોબાઈલ’ નામની દુકાનનું બેનર તૂટી ગયું હતું. જોકે, દુકાનમાં કોઇ નુકસાન પહોંચ્યું નથી. ઉપરાંત, કઠલાલ પોલીસ મથકેથી ચોકડી તરફ જતાં પચાસ મીટર દૂર એક મોટરસાયકલ અડધું સળગાવેલી હાલતમાં મળી આવ્યું હતું. જે કારસ્તાનને કોણે અંજામ આપ્યો, તે FIR નોંધવા સુધી જાણવા મળ્યું ન હતું. આ મામલે ખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ખેડા જિલ્લા પોલીસ વડાએ શું કહ્યું?
સમગ્ર ઘટનાને લઈને ખેડા જિલ્લા પોલીસ વડા રાજેઢ ગઢિયાએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, “સાંજે એક બનાવ બન્યો હતો, જેમાં સતીશભાઈ ગોર નામના એક વ્યક્તિ બાઇક લઈને આવતા હતા ત્યારે પાછળથી એક ફોરવ્હીલચાલકે માથાકૂટ કરીને ગાળો દીધી હતી. પછીથી આગળ ખોખરવાડા પાટીયા ઓવરબ્રિજ પાસે ફોરવ્હીલ ચાલકે બાઇક ઉભું રખાવીને બીજા પાંચ-સાત જણાએ આવીને ફરિયાદી સાથે બબાલ કરી હતી. આ મામલે કાર્યવાહી ચાલી રહી છે.”
આગળ તેમણે જણાવ્યું કે, “આ ઘટના બાદ કઠલાલમાં બંને કોમનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. જેથી તાત્કાલિક અમે ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને ટોળાં વિખેરી દીધાં હતાં. પરંતુ ટોળાંમાંથી અમુક અસામાજિક તત્વોએ એક બાઇક સળગાવી દીધું હતું. કોનું બાઇક સળગ્યું છે તેની તપાસ ચાલી રહી છે. ઘટનાની શરૂઆત જેના કારણે થઈ તે બાબતની ફરિયાદ પણ દાખલ થઈ રહી છે. તમામ કાર્યવાહી કાયદેસર રીતે થશે અને કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરવાના પ્રયાસ કરશે તો તેમની વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે.”