મહારાષ્ટ્રમાં બાબા સિદ્દિકીની હત્યા થયા બાદ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના (Lawrence Bishnoi) નામની ચર્ચા વધી રહી છે. અનેક લોકો પ્રસિદ્ધિ માટે કે મીડિયામાં લાઇમલાઇટ થવા માટે લૉરેન્સના નામનો ઉપયોગ પણ કરતા આવ્યા છે. તેવામાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે (Raj Shekhawat) પણ ફરી એક વખત લૉરેન્સ બિશ્નોઈને લઈને વિવાદિત નિવેદન આપી દીધું છે. તેમણે લૉરેન્સને ધમકી આપતા સ્વરમાં કહ્યું છે કે, તે કાયર છે અને જે દિવસે તે બહાર નીકળશે તે દિવસે જ તેને ઠાર (Murder) પણ કરી દેવામાં આવશે.
આગામી 22 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં યોજાનાર ક્ષત્રિય એકતા સંમેલનમાં વલસાડ જિલ્લાના ક્ષત્રિય સમાજને આમંત્રણ આપવા માટે રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત વલસાડ પહોંચ્યા હતા. દરમિયાન તેમણે લૉરેન્સ બિશ્નોઈને લઈને વિવાદિત નિવેદન આપી દીધું હતું. તેમણે લૉરેન્સ બિશ્નોઈને આતંકવાદી પણ ગણાવી દીધો હતો. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, “અમારા સમાજની ધરોહર, અમારા આગેવાન સુખદેવ સિંઘ ગોગામેડીની લૉરેન્સ બિશ્નોઈએ હત્યા કરાવી હતી.”
તેમણે વધુમાં કહ્યું કે, “લૉરેન્સે અમારા સમાજના મુખિયાની હત્યા કરી છે અને તે કાયર માણસ છે. એટલે જ 12-12 વર્ષથી જેલમાં બેઠો છે. તે જામીન અરજી પણ નથી કરી રહ્યો. એટલે એ જેલમાં છે ત્યાં સુધી સેફ છે. જે દિવસે તે જેલમાંથી બહાર આવ્યો એ દિવસે અમારા ક્ષત્રિય યોદ્ધાઓ એને ઠાર ન મારે તો મારુ નામ રાજ શેખાવત નહીં.” આ ઉપરાંત તેમણે લૉરેન્સને ઠાર મારનારાઓને પુરસ્કાર આપવાની પણ વાત કરી હતી.
અગાઉ પણ લૉરેન્સ બિશ્નોઈની હત્યા કરનારાને ઈનામ આપવાની કરી હતી જાહેરાત
નોંધવા જેવું છે કે, આ કોઈ પહેલી વખત નથી કે, રાજ શેખાવતે લૉરેન્સ બિશ્નોઈને લઈને વિવાદિત નિવેદન આપ્યું હોય. તાજેતરના દિવસોમાં જ તેમણે લૉરેન્સ બિશ્નોઈની હત્યા કરવાને લઈને પણ નિવેદન આપ્યું હતું. રાજ શેખાવતે એક વિડીયો વાયરલ કરીને લૉરેન્સ બિશ્નોઈને મારવા માટે કહ્યું હતું. તેમણે વિડીયોમાં ખુલ્લેઆમ કહ્યું હતું કે, લૉરેન્સની હત્યા કરનારને તેઓ ₹1 કરોડ, 11 લાખ, 11 હજાર અને 111 રોકડા આપશે.
વિડીયોમાં તેમણે કહ્યું હતું કે, “મને માત્ર એટલું ખબર છે કે, અમારી ધરોહર, પરમ આદરણીય, અમર શહીદ સુખદેવ સિંઘ ગોગામેડીની હત્યા લૉરેન્સ બિશ્નોઈ દ્વારા કરાવવામાં આવી હતી.” તેમણે વધુમાં કહ્યું કે, “જે પોલીસકર્મી લૉરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરશે તે પોલીસકર્મીને 1 કરોડ, 11 લાખ, 11 હજાર અને 111 રૂપિયાનું ઈનામ કરણી સેના દ્વારા આપવામાં આવશે.”
પદ્મિનીબા વાળા પણ આપી ચૂક્યા છે લૉરેન્સને ધમકી
રાજ શેખાવતે ઈનામની જાહેરાત કર્યા બાદ રાજપૂત સમાજના મહિલા આગેવાન ગણાતા પદ્મિનીબા વાળાએ પણ મીડિયા સામે આવીને લૉરેન્સને લઈને નિવેદન જારી કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “અમારા રાજ શેખાવતે લૉરેન્સ માટે જાહેરાત કરી છે, અમે તેનું સમર્થન કરીએ છીએ. જ્યાં પણ રાજ શેખાવત અમને બોલાવશે, ત્યાં અમે મોટી સંખ્યામાં પહોંચી જઈશું.” તેમણે વધુમાં લૉરેન્સ બિશ્નોઈને ધમકી આપતા કહ્યું હતું કે, “લૉરેન્સ બેટા, એક વખત તું સામે તો આવી જો. તને ખબર પાડી દઈએ કે હું કોણ છું અને રાજપૂત સમાજ શું છે.”