કર્ણાટકના વક્ફ બોર્ડે (Waqf Board) રાજ્યના ઐતિહાસિક શહેર શ્રીરંગપટ્ટનમમાં (Shreerangpattanam) 70થી વધુ સરકારી મિલકતો પર દાવો ઠોકી બેસાડ્યો છે. આ મિલકતોમાં સરકારી જમીન, ટીપુ સુલતાન શસ્ત્રાગાર તેમજ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અને રાજ્ય પુરાતત્વ, સંગ્રહાલયો અને હેરિટેજ વિભાગની કેટલીક ઇમારતોનો સમાવેશ થાય છે. અગાઉ, વકફ બોર્ડે રાજ્યના વિજયપુરામાં ખેડૂતોની 1,200 એકરથી વધુ ખેતીની જમીનને હડપી લેવા વક્ફ સંપત્તિ તરીકે દર્શાવી હતી.
ધ સ્ટાર ઓફ મૈસુરના અહેવાલ અનુસાર શ્રીરંગપટ્ટનમ તાલુકામાં આ મિલકતો વકફ બોર્ડની મિલકતો તરીકે સત્તાવાર આરટીસી (અધિકારી, ટેનન્સી અને પાકનો રેકોર્ડ) દસ્તાવેજોમાં નોંધાયેલી છે. ખાસ વાત એ છે કે પુરાતત્વ, સંગ્રહાલય અને વિરાસત વિભાગની ઇમારત ‘શ્રીરંગપટના ખાતે શ્રી ચામરાજેન્દ્ર મેમોરિયલ સરકારી સંગ્રહાલય’ને પણ વક્ફ મિલકત તરીકે સૂચિબદ્ધ કર્યું છે.
આ ઉપરાંત, શ્રીરંગપટ્ટનમ શહેર અને તાલુકામાં ખેડૂતોની માલિકીના કેટલાક કૃષિ પ્લોટને પણ કર્ણાટક રાજ્ય વક્ફ બોર્ડની મિલકત તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. વક્ફ બોર્ડે મહાદેવપુરા ગામમાં ચિક્કમ્મા ચિક્કાદેવી મંદિર અને ચંદાગલુ ગામમાં એક સરકારી શાળા પર પણ દાવો કર્યો હતો. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો.
1200 એકર જમીન પર પણ દાવો
હેરિટેજ સાઇટ્સ અને સરકારી જમીનો પરના દાવા કર્ણાટકના વિજયપુરાના ખેડૂતોને નોટિસ મળ્યાના મહિનાઓ પછી સામે આવ્યા છે. વાસ્તવમાં, વકફનો આ દાવો ટીકોટા તાલુકાના હોનવાડા ગામમાં 1,200 એકર જમીન સાથે જોડાયેલ છે. વક્ફ બોર્ડે દાવો કર્યો હતો કે સત્તાવાળાઓ આ વિસ્તારને મુસ્લિમોની મજહબી સંસ્થા શાહ અમીનુદ્દીન દરગાહ તરીકે નામિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ સંદર્ભે, કર્ણાટકની કોંગ્રેસ સરકારના અધિકારીઓએ ખેડૂતોને જમીન ખાલી કરવા માટે નોટિસ પણ આપી હતી. હોનવાડા ગ્રામ પંચાયતના ઉપાધ્યક્ષ સુનિલ શંકરપ્પા તુડીગલે કહ્યું હતું કે, “નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ જમીન શાહ અમીનુદ્દીન દરગાહની છે, પરંતુ આ દરગાહ સદીઓથી અસ્તિત્વમાં નથી અને અમારા પરિવારની પેઢીઓથી આ જમીનની માલિકી છે.”
ખેડૂતોએ કહ્યું કરશે આંદોલન
શંકરપ્પાએ વધુમાં દાવો કર્યો હતો કે, “લગભગ 41 ખેડૂતોને માલિકીનો રેકોર્ડ રજૂ કરવા માટે નોટિસો મળી છે. અમે આ જમીનોના સાચા માલિક છીએ. જો સરકાર આ નોટિસ પાછી નહીં ખેંચે તો અમે મોટા પાયે વિરોધ કરીશું.” સરકારના આ વલણનો ભાજપે વિરોધ કર્યો હતો.
ખેડૂતોના ગુસ્સા બાદ કર્ણાટક સરકારે તમામ પ્રાદેશિક કમિશનરો અને જિલ્લા કમિશનરોને પત્ર લખીને ચેતવણી આપી હતી. સરકારે કહ્યું હતું કે જે અધિકારીઓ જમીન રજીસ્ટ્રેશન રેકોર્ડમાં ફેરફાર કરી રહ્યા છે વક્ફ એક્ટ હેઠળ ખેડૂતોને જમીન ખાલી કરવાની નોટિસ જારી કરી રહ્યા છે, તેમના પર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે.