કર્ણાટકના (Karnataka) કલબુર્ગી (Kalaburagi) ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી. અહીં એક ગ્રાહકે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના શો રૂમમાં (Show Room) આગ લગાવી દીધી હતી. નદીમ નામક વ્યક્તિ પેટ્રોલ લઈને શો-રૂમ ખાતે પહોંચ્યો હતો અને તેમાં રહેલા સ્કુટરોને આગ (Fire) ચાંપી દીધી હતી. જેમાં લગભગ 8 લાખનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપીની વિરુદ્ધ કેસ નોંધી તેની ધરપકડ કરી હતી.
સમગ્ર ઘટના 10 સપ્ટેમ્બરના રોજ ઉત્તર કર્ણાટકના કલબુર્ગીમાં ઘટી હતી. 26 વર્ષીય મોહમ્મદ નદીમે 28 ઑગસ્ટના રોજ શો-રૂમમાંથી ઓલા સ્કૂટર ખરીદ્યું હતું. જેમાં ખરાબી આવતાં તેણે શો-રૂમના સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી, અને પછી ગુસ્સે ભરાઈને સ્કૂટરના શો-રૂમ પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, નદીમે સ્ટાફ દ્વારા અવગણના થઇ એમ સમજીને પેટ્રોલ ખરીદ્યું અને શો-રૂમ સળગાવી દીધો. જો કે અગાઉ શો-રૂમના અધિકારીઓએ શોર્ટ સર્કિટના કારણે ત્યાં આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ પોલીસ તપાસ સામે આવ્યું હતું કે મોહમ્મદ નદીમે ઇરાદાપૂર્વક શો-રૂમને આગચાંપી સળગાવી દીધો હતો.
નદીમે લગાવેલી આગને કારણે શો-રૂમ છ સ્કૂટર અને એક કમ્યુટર બળીને ખાખ થઈ ગયાં હતાં. સદનસીબે તે સમયે શો-રૂમ બંધ હતો, તેથી કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. આગ લાગ્યા બાદ તેને બુઝાવવા માટે ફાયર સેફ્ટીના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમ છતાં શો-રૂમમાં રહેલો માલ બળી જતાં 8.4 લાખનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું.
ઘટના સામે આવ્યા બાદ કલબુર્ગી ચોક પોલીસ સ્ટેશનમાં નદીમ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે FIR નોંધી નદીમને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો. કલબુર્ગીના પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે “નદીમને શો-રૂમ તરફથી પ્રતિસાદ ન મળતા ગઈ કાલે (મંગળવારે) તેણે પેટ્રોલ લઈને છ બાઈકને આગ લગાડી દીધી હતી, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.”