રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી હિંદુ વ્યક્તિ કન્હૈયાલાલ હત્યા કેસ મામલે નવો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર હત્યા કર્યા બાદ બંને હત્યારાઓ મોહમ્મદ રિયાઝ અને મોહમ્મદ ગૌસ 2611 નંબરની બાઈક લઈને ભાગી છૂટ્યા હતા. 26/11 એ 2008 માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની તારીખ છે.
દૈનિક ભાસ્કરના એક રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. જે અનુસાર, હત્યા કર્યા બાદ ધરપકડથી બચવા માટે બંને હત્યારા ભાગી છૂટ્યા હતા. લગભગ 170 કિલોમીટર ભાગ્ય બાદ પોલીસે ભીમ હાઈ-વે પર નાકાબંધી કરીને બંનેને પકડી લીધા હતા. આ બંને રાજસમંદ જઈ રહ્યા હતા.
રિપોર્ટ અનુસાર, હત્યાના અડધા કલાક બાદ પોલીસે હાઈ-એલર્ટ જારી કર્યું હતું અને હૈ-વે પર નાકાબંધી કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે આરોપીઓ પણ હાઈ-વે છોડીને અન્ય રસ્તાઓ પર ભાગ્યા હતા. તેઓ ઉદયપુરથી માવલી અને ત્યાંથી ગામડાંના રસ્તાઓ પરથી રાજસમંદ પહોંચીને સ્ટેટ હાઈ-વે પકડ્યો હતો અને સરદારગઢથી દેવગઢ ગયા હતા. ત્યાં તેઓ એક ગેરેજ પર રોકાયા હતા જ્યાં રિયાઝ પહેલાં કામ કરતો હતો, પરંતુ ત્યાં પણ મદદ ન મળતા બંને રવાના થઇ ગયા હતા. દરમ્યાન, કોઈએ દેવગઢ પોલીસને જાણકારી આપતા પોલીસે હાઈ-વે બ્લૉક કરાવ્યા હતા.
કન્હૈયાલાલ હત્યાને પગલે પોલીસ સ્ટેશનમાંથી એલર્ટ મળ્યા બાદ પોલીસની પેટ્રોલિંગ ટીમે હાઇ-વે જામ કરી દીધો હતો અને દેવગઢ અને ભીમ પોલીસ પણ તેમનો પીછો કરી રહી હતી. જે બાદ સાંજે લગભગ પાંચ વાગ્યે પોલીસે ભીમથી 10 કિલોમીટર દૂર હાઈ-વે પર બંનેને પકડી પાડ્યા હતા. આ બંને જે બાઈક લઈને ભાગ્યા હતા તે 2611 નંબરની હતી.
વાહન માટે ખરીદી શકાય છે સ્પેશિયલ નંબર
અહીં ઉલ્લેખનીય છે કે ઘણા લોકો પોતાનાં નવા વાહન માટે સ્પેશિયલ રજિસ્ટ્રેશન નંબર લેતા હોય છે. ઘણાખરા કિસ્સાઓમાં લોકો પોતાનો કે સ્વજનોનો જન્મદિવસ કે પછી ઘણીવાર પોતાના પહેલા વાહનના રજિસ્ટ્રેશન નંબર જ બાકીના તમામ વાહનો માટે રાખવાનું પસંદ કરે છે. કાયદા અનુસાર, અમુક શુલ્ક ચૂકવીને તમે તમારા વાહન માટે સ્પેશિયલ નંબર લઇ શકો છો. જોકે, તે માટે પણ કેટલાક નિયમો છે.
આવા નંબરને ‘ફેન્સી નંબર્સ’ કહેવાય છે. સામાન્ય પ્રક્રિયામાં આરટીઓ ચાલુ સિરીઝ માટે નંબર ફાળવી દે છે પરંતુ સ્પેશિયલ નંબર લેવો હોય તો તે માટે ચાર્જ ચૂકવવો પડે છે, જે અલગ-અલગ હોય છે. જોકે, આ નંબર ઉપલબ્ધ સિરીઝમાંથી જ પસંદ કરવો પડે છે અને ફરજીયાત ચાર આંકડાનો જ હોય છે. ઘણીવાર આરટીઓ 0000 કે 0001 જેવા એકદમ અગત્યના નંબરો માટે હરાજી પણ કરે છે.
28 જૂને કન્હૈયાલાલની હત્યા થઇ હતી
28 જૂન 2022ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં હિંદુ વ્યક્તિ કન્હૈયાલાલની હત્યા કરી નાંખવામાં આવી હતી. આ મામલે મોહમ્મદ રિયાઝ અને મોહમ્મદ ગૌસ નામના બે હત્યારાની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. કન્હૈયાલાલે કથિત રીતે ફેસબુક ઉપર ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં એક પોસ્ટ મૂકી હતી, જેના કારણે કટ્ટરપંથી ઇસ્લામી હત્યારાઓએ તેમને નિશાન બનાવ્યા હતા.
આ મામલે એક તરફ સમાજમાં ભારે આક્રોશ છે તો બીજી તરફ કેન્દ્ર પણ એક્શનમાં આવ્યું છે અને મામલાની તપાસ ગૃહમંત્રાલયે NIA ને સોંપી છે.