રામવનમીના દિવસે ગીર સોમનાથના ઉનામાં યોજાયેલ ધર્મસભામાં કથિત રીતે ‘ભડકાઉ ભાષણ’ આપવાના કેસમાં હિંદુવાદી કાર્યકર્તા કાજલ હિંદુસ્તાનીને જામીન આપવામાં આવ્યા છે. તેમણે ઉના એડિશનલ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેની ઉપર કોર્ટે આજે ચુકાદો સંભળાવ્યો હતો.
Una court grants bail to #KajalHindustani in provocative speech case#GirSomnath #Gujarat #TV9News pic.twitter.com/YaKjxAsaRD
— Tv9 Gujarati (@tv9gujarati) April 13, 2023
કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ઉના પોલીસ મથકે ભડકાઉ ભાષણ આપવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગત 9 એપ્રિલે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ તેમને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યાં હતાં.
ત્યારબાદ કાજલ હિંદુસ્તાનીએ ઉના સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેની ઉપર ગત 10 એપ્રિલે સુનાવણી હાથ ધરીને કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારબાદ આજે કોર્ટે ચુકાદો આપીને તેમના જામીન મંજૂર કરી દીધા હતા. હવે તેઓ જૂનાગઢ જેલમાંથી બહાર આવશે.
ઉનામાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ લાગ્યા હતા ‘સર તન સે જુદા’ના નારા
રામનવમીના દિવસે કાજલ હિન્દુસ્તાનીએ ધર્મસભાને સંબોધ્યા બાદ બીજા દિવસે મુસ્લિમોએ ઉનામાં ચક્કાજામ કર્યો હતો અને આ દરમિયાન તેમની વિરુદ્ધ ‘સર તન સે જુદા’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સાંજના અરસામાં શહેરના અમુક વિસ્તારોમાં મુસ્લિમ ટોળાએ પથ્થરમારો પણ કર્યો હતો, જેના કારણે સાંપ્રદાયિક તણાવ સર્જાયો હતો. આ ઉપરાંત, બીજા દિવસે કોમ્બિંગ દરમિયાન પોલીસને ખૂબ મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યાં હતાં.
કાજલ હિન્દુસ્તાનીએ પોતાના ભાષણમાં ‘લવ જેહાદ’ અને ‘લેન્ડ જેહાદ’ વગેરે મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો હતો તો આ આતંકવાદ અને તાલિબાની માનસિકતા સામે હિંદુઓને એક થવા માટે આહવાન કર્યું હતું. તેમણે હિંદુ મહિલાઓને લવ જેહાદ સહિતના મુદ્દાઓ મામલે અવાજ ઉઠાવવા માટે પણ કહ્યું હતું તેમજ જાતિવાદથી ઉપર ઉઠીને હિંદુઓને એક થવા માટે અપીલ કરી હતી. તેમણે કિશન ભરવાડ અને અન્ય બનાવોનો ઉલ્લેખ કરીને ‘હિંદુ-મુસ્લિમ ભાઈચારા’ અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા.
આ ઘટનાઓ બાદ ઉના પોલીસે બે જુદી-જુદી FIR દાખલ કરી હતી. જેમાંથી એક કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ અને બીજી પથ્થરમારો કરનારા ઈસમો અને ટોળા વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કથિત રીતે ભડકાઉ ભાષણ આપવાના આરોપસર IPCની કલમ 295A, 153 અને 505 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ, પથ્થરમારાના કેસમાં પોલીસે બીજા દિવસે 70 વ્યક્તિઓની ધરપકડ કરી હતી.